વરસાદી વાતાવરણને કારણે જીરુંની આવક ઘટી

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 3 ડિસે.
વિતેલા સપ્તાહે કમોસમી વરસાદને કારણે ઊંઝા ગંજ બજાર ખાતે આવકો ઘણી ઓછી થઇ ગતી. જેમાં જીરાની સામાન્ય રીતે 10થી 15 હજાર બોરીની આવક થતી હોય તેની સામે કપાઇને માંડ ચારથી પાંચ હજાર બોરીની રહી હતી. તો બીજી બાજુ ઇસગબૂલની આવકને પણ માર પડ્યો હતો. વિતેલા સપ્તાહે મોટે ભાગે માવઠાની અસરને કારણે ખેડૂતો માર્કેટ યાર્ડથી દૂર રહ્યા હતા. તો સામે માર્કેટ યાર્ડે પણ હરાજી બંધ કરી દીધી હતી.  
દરમિયાનમાં વિતેલા સપ્તાહે જીરાની ચારથી પાંચ હજાર બોરીની આવક સામે એટલા જ કામકાજ નોંધાયા હતા. જીરામાં હલકા માલના રૂ. 2700-2725, મીડિયમ માલના રૂ. 2900 અને સારા માલના રૂ. 3,000 ચાલી રહ્યા છે. જ્યારે બોલ્ડ માલના રૂ. 3200 છે. આમ જીરામાં આવક અને ઘરાકી બન્ને ઓછી છે. સામે વાયદો નરમ હોવાથી અને વાવેતર ઘટવાના અનુમાનથી બજાર મક્કમ છે. જીરામાં વાવેતરમાં કાપ મુકાય તેવી શક્યતા હોવાનુ વેપારીઓ જણાવી રહ્યા છે.  
વરિયાળીમાં સ્ટોકના માલના એક હજારથી બારસો બોરીના વેપાર થાય છે. તેમાં હલકા માલના રૂ. 1700થી 1750, મીડિયમના રૂ. 1800 અને બેસ્ટ કલર માલના રૂ. 1950થી 2300, અને આબુરોડ બેસ્ટ ગ્રીન માલના ર. 3300થી 3500 ચાલી રહ્યા છે. વરિયાળીમાં ઘરાકી ઓછી છે પરંતુ માલ ખેંચને કારણે બજાર ટાઇટ રહ્યુ છે.  ઇસબગૂલમાં વિતેલા સપ્તાહમાં વરસાદી વાતાવરણને કારણે 50 ટકા વેપાર ઘટી ગયા હતા. તેમાં માંડ સાડા ત્રણથી ચાર હજાર બોરીના કામકાજ થયા હતા. તેના ભાવ રૂ. 2650થી 2700 છે. તેમાં ઘરાકી હોવાથી વધ્યા મથાળે બજાર ટકેલી છે.  
તલમાં હાલમાં ફક્ત રાજસ્થાનથી આવક થાય છે. તેમાં વિવિધ જાતો જોઇએ તો ધુંઆબરના રૂ. 1900થી 1950, કરિયાણાબરમાં રૂ. 2200 અને બેસ્ટ ક્વોલિટીના રૂ. 2300 ચાલી રહ્યા છે. તેમાં સિઝનલ ઘરાકી જોવા મળી રહી છે. દરમિયાનમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કમોસમી વરસાદ થયો નથી, પરંતુ વાદછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer