ગુજરાતમાં માવઠાંને કારણે ઘઉં, કપાસ સહિત અનેક મોલાત પલળી ગઈ

રવી પાકની વાવણી પર પણ અસર પડવાની શક્યતા  
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 3 ડિસે.
 ગુજરાતમાં ભરશિયાળે થયેલાં માવઠાંને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વિવિધ પાકને નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ખેડૂતોએ વાવેલા શિયાળુ પાકને આકાશી આફતે તહસનહસ કરી નાખ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. તલાલા પંથકના આંબાથી માંડીને સૌરાષ્ટ્રમાં સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં જીરું, ઘંઉ, કપાસ, ચણા, લસણ, ડુંગળી સહિતના કૃષિ પાકને નુકસાન થયાના તથા માર્કેટ યાર્ડની ખરીદ-વેચાણની કામગીરી ખોરવાઈ ગયાના અહેવાલ મળ્યા છે. 
ભાવનગરમાં કેળાંનો પાક તહસનહસ થઇ ગયો છે. તો બોટાદમાં પણ ભારે નુકસાન થયું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, પંચમહાલ, ડાંગ, મહીસાગર તથા નવસારીમાં પણ નુકસાન થયાના અહેવાલ છે. છોટા ઉદેપુરમાં છેલ્લા 15 દિવસમાં આવેલા બે વખત માવઠાંને કારણે કપાસ, તુવેર, ડાંગરના પાકને નુકસાન થયું છે. અમુક કિસ્સામાં તૈયાર થયેલો પાક પલળી ગયો હતો. આ ઉપરાંત 50 જેટલા ઇંટના ભઠ્ઠાવાળાઓએ તૈયાર કરેલી ઇંટ પલળી જતાં ભારે નુકસાન થયું છે.  
પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિતના તાલુકામાં શિયાળુ પાકને નુકસાન જોવા મળ્યું છે. તો બીજી બાજુ પશુઓનો ઘાસચારો પલળી ગયો છે. નવસારીમાં ચીકુનો પાક પણ માવઠાને કારણે ધોવાઇ ગયો છે. આમ અનેક જગ્યાએ શિયાળુ પાક ધોવાઇ જતા ખેડૂતો સરકાર સહાયની માગ કરવાના મૂડમાં છે.  
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ખેડૂતોએ ઘઉં અને કપાસની વાવણી કરી છે. માવઠાંના કારણે બન્ને પાકને સારું એવું નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer