શૅરોને ઓમિક્રોન વાયરસની ધ્રુજારી

સેન્સેક્ષે 58,000ની સપાટી ગુમાવી
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 3 ડિસે.
બે દિવસના વધારા બાદ સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડો થયો હતો. ભારતમાં ઓમિક્રોનનો પ્રવેશ થતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાતા ગઈ કાલનો વધારો ધોવાઈ ગયો હતો. સત્રના અંતે સેન્સેક્ષ 764.83 પોઈન્ટ્સ (1.31 ટકા) ઘટીને 57,696.46ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈમાં નિફ્ટી 205 પોઈન્ટ્સ (1.18 ટકા) ઘટીને 17,196.70ના સ્તરે બંધ રહ્યો હતો. 
નિફ્ટીમાં આજે સત્રના અંતે 1722 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, 1453 કંપનીઓના શૅર ભાવ ઘટયા હતા, જ્યારે 137 કંપનીઓના શૅર ભાવ સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્ર, એશિયન પેઈન્ટ્સ અને કૉટક મહિન્દ્ર બૅન્કના શૅર્સ સૌથી અધિક ઘટયા હતા, બીજી બાજુ યુપીએલ, બીપીસીએલ, ઓએનજીસી, આઈઓસી અને એલઍન્ડટીના શૅર ભાવ સૌથી અધિક ઘટયા હતા. 
ક્ષેત્રવાર સૂચકાંકોમાં કેપિટલ ગુડ્સ સિવાય દરેક સૂચકાંકોમાં ઘટાડો થયો હતો. વ્યાપક બજારમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ ટ્રેડ થયા હતા.   
જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું કે, શૅરબજારની શરૂઆત સકારાત્મક થઈ હતી પરંતુ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ની મીટિંગ પહેલા શૅરબજારનો વધારો ધોવાયો હતો. ભારતમાં ઓમિક્રોન વેરિયેન્ટનો પ્રવેશ થતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાયુ હતું. જોકે, વૈશ્વિક સ્તરે શૅર બજારોમાં આંશિક રિકવરી જોવા મળી હતી. આગામી સપ્તાહે આરબીઆઈ કેવું વલણ અપનાવે છે તેના ઉપર રોકાણકારોની નજર રહેશે.  
દરમિયાન સ્ટાર હેલ્થ ઍન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીનો આઈપીઓ બીજી ડિસેમ્બરે પૂરો થયો હતો. નિષ્ણાતોનું માનવું છે કે મોટા ભાગના રોકાણકારોને ફાળવણી મળશે કારણ કે ઈસ્યુ 79 ટકા છલકાયો છે. અૉફર સાઈઝ 4.49 કરોડ શૅર્સની હતી, જ્યારે બિડ્સ ફક્ત 3.56 કરોડ ઈક્વિટી શૅર્સ હતી. 
દલાલ સ્ટ્રીટનો સ્કોર કાર્ડ
બીએસઈમાં આજે 3397 કંપનીઓમાં ટ્રેડિંગ થયું હતું, જેમાં 1765 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, 1500 કંપનીઓના શૅર ભાવ ઘટયા હતા અને 132 કંપનીઓના શૅર ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. કુલ 190 કંપનીઓના શૅર ભાવ બાવન અઠવાડિયાની ટોચને સ્પર્શયા હતા, 12 કંપનીઓના શૅર ભાવ બાવન અઠવાડિયાની નીચલી સપાટીને સ્પર્શયા હતા. 359 કંપનીઓને અપર સર્કિટ લાગી હતી અને 203 કંપનીઓને લોઅર સર્કિટ લાગી હતી. 
બીએસઈમાં ટ્રેન્ડિંગ શૅર્સ
બીએસઈમાં આજે એબી કેપિટલ, બજાજ હોલ્ડિંગ, ડિશ ટીવી, જીલેટ, આઈએફસીઆઈ, ઈન્ફોસિસ, ટોરેન્ટ ફાર્મા, ટેક મહિન્દ્ર, પાવરગ્રીડ વગેરે શૅર્સ ટ્રેન્ડિંગમાં હતાં.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer