શિયાળો બેસતાં ગરમ ધાબળાના 10 ટકા સુધી ઊંચા ભાવ નીકળ્યા

શિયાળો બેસતાં ગરમ ધાબળાના 10 ટકા સુધી ઊંચા ભાવ નીકળ્યા
આયાતી કાપડમાં લગનસરાની સારી ઘરાકી
ઓમિક્રોન, પ્રદૂષણ અને જીએસટીમાં વૃદ્ધિનાં કારણોએ ગ્રે કાપડની ખરીદીને અસર
મુંબઈ, તા. 3 ડિસે.
વીતેલા સપ્તાહ દરમિયાન ઓમિક્રોન કોરોનાનો ડર, કમોસમી વરસાદ અને રૂ-સૂતરની નરમાઈ થકી ગ્રે સુતરાઉ કાપડની માગ ઘટવા સાથે ભાવ પણ ઘટયા છે. અમદાવાદમાં પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડની લાલ આંખથી અડધાથી વધુ મિલો અને પ્રોસેસ હાઉસો કામચલાઉ બંધ થઈ જવાથી ગ્રે કાપડની ખરીદી ઘટી ગઈ છે. તા. 1 જાન્યુઆરીથી જીએસટી દર વધી 12 ટકા થઈ જવાના હોવાથી પણ ગ્રે કાપડના પ્રોસેસરોએ ખરીદી ઘટાડી દીધી છે પણ જીએસટી દર વધવાના હોવાથી કાપડ બજારમાં પ્રોસેસ કાપડમાં ડિસેમ્બર મહિનામાં એક સારી ઘરાકી નીકળવાની ધારણા છે.
ઠંડીના દિવસોમાં નોર્થના દુકાનદારો ધાબળા, સ્વેટર, મફલર, શાલ વગેરે વેચે છે અને રેગ્યુલર કાપડના પોટલા માળીયા પર ચડાવી દે છે. આથી સુરતમાં સિન્થેટિક્સ કાપડની ઘરાકી 15 નવેમ્બરથી જ ઘટી જાય છે.
ક્રિસમસ વેકેશન તા. 20 ડિસેમ્બરથી તા. 6 જાન્યુઆરી સુધી હોવાથી અમેરિકા-યુરોપની અૉફિસો બંધ રહે છે. બીજું અત્યારે નિકાસ માગ છે પણ ઓમિક્રોન કોરોનાના ડરે વિદેશી આયાતકારો `થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી બેઠા છે.
ગરમ ધાબળા
બ્લેન્કેટના ભાવ ગત વર્ષના ભાવના મુકાબલે આ વેળા 8થી 10 ટકા ઊંચા નીકળ્યા છે. આનું કારણ કાચી સામગ્રીના વધેલા ભાવ, ટ્રાન્સપોર્ટેશન-મજૂરીના વધેલા દર મનાય છે.
આ વેળા ઠંડીની સિઝન એકાદ મહિનો મોડી પડી છે. હવે આવતા સપ્તાહથી ઠંડીની શરૂઆત થઈ જવાની ધારણા છે. જોકે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટકના આંતરિક પ્રદેશોમાં ઠંડી હોવાથી ત્યાંના થોડાંક થોડાંક કામકાજ થયાં કરે છે.
અત્યારે સૌથી વધુ ચલણ સિન્થેટિક્સ બ્લેન્કેટનું છે. તેના નંગદીઠ બજાર ભાવ રૂા. 85થી 300 સુધીના છે. રૂા. 85થી 95ના ભાવના બ્લેન્કેટો ધર્માદામાં અને ચેરિટીમાં વપરાય છે. આમાં પોલિયેસ્ટર, વિસ્કોસ, નાયલોન મિક્સ હોય છે અને આ અૉલ સિઝન બ્લેન્કેટ ગણાય છે. તે બારે મહિના વાપરી શકાય છે. તે વોશેબલ પણ હોય છે.
મીન્ક ફેન્સી બ્લેન્કેટના ભાવ સિંગલ બેડના રૂા. 430થી 1200 અને ડબલ બેડ સાઇઝના રૂા. 650થી 2500 સુધીના છે. આમાં ફેન્સી ડિઝાઇનો આવે છે. અને ફ્લોરલ પ્રિન્ટ ડિઝાઇન વધુ ચાલે છે. આ દરેક નંગ આકર્ષક પારદર્શક બેગમાં પેક થઈ વેચાય છે. આથી ભેટ આપવા માટે તે વધુ પસંદ કરાય છે.
શોડી વુલન બ્લેન્કેટના ભાવ રૂા. 110થી રૂા. 450 સુધીના છે. હવે શોડી બ્લેન્કેટનું ચલણ ઘણું ઓછું થઈ ગયું છે. શોડી વુલન બ્લેન્કેટ ખરબચડા અને વજનદાર હોવાથી નવી પેઢીના લોકો તેને પસંદ કરતા નથી. નવી પેઢીને ફેન્સી, સોફ્ટ ટચ અને પાતળા બ્લેન્કેટ ગમે છે. આમ છતાં ઠંડી સામે સૌથી સારું રક્ષણ શોડી બ્લેન્કેટ આપતા હોવાથી અને તેની આવરદા લાંબી હોવાથી ગામડાઓમાં તેની ખપત રહે છે.
ચીનથી અગાઉ બ્લેન્કેટની જે આયાત થતી હતી તે છેલ્લાં બે વર્ષથી ઘણી ઘટી ગઈ છે. હવે પાણીપત, અમૃતસર, લુધિયાણાના એકમો સારા બ્લેન્કેટોનું ઉત્પાદન કરે છે અને તેના ભાવ પણ વાજબી હોવાથી ચીનના બ્લેન્કેટોનું હવે આકર્ષણ રહ્યું નથી. વળી ભારતમાં બનતા ધાબળાની હવે ગલ્ફ, આફ્રિકા અને યુરોપમાં થોડાક પ્રમાણમાં નિકાસ પણ શરૂ થઈ ગઈ છે.
સંગઠિત ક્ષેત્રે રેમન્ડના ધાબળા ગુણવત્તામાં શ્રેષ્ઠ હોવા છતાંય તેના અતિ ઊંચા ભાવ અને નબળી માર્કેટિંગ નીતિના કારણે હવે બજારમાં બહુ ઓછા વેચાય છે. રેમન્ડના ધાબળાના ભાવ રૂા. 550થી 4500 સુધીના છે.
રૂા. 1000થી નીચેના છૂટક વેચાણ ભાવ ધરાવતા ધાબળા પર અત્યારે પાંચ ટકા જીએસટી છે અને રૂા. 1000ની ઉપરની કિંમત પર 12 ટકા જીએસટી છે. હવે 1 જાન્યુઆરીથી બધા ધાબળા પર જીએસટી 12 ટકા થઈ જશે. આથી ધાબળા એટલા મોંઘા થઈ જશે.
કોટડીયા વુલટેક્સના મોવડી મનોજ કોટડીયાએ જણાવ્યું હતું કે બજારમાં જૂનો સ્ટોક નથી અને નવા માલો જોઇતા પ્રમાણમાં મળતા નથી. આ વર્ષે વરસાદ પાણી સારા થવાથી ધાબળામાં ગ્રામીણ ઘરાકી સારી રહેવાની ધારણા છે.
આયાતી કાપડ
લગનસરા હોવાથી આયાતી કાપડનો ઉઠાવ વધ્યો છે.
ચીનથી આયાત થતા અરમાની શૂટિંગ્સ 58'' ભારે ક્વોલિટીના મીટરદીઠ ભાવ રૂા. 425થી 450 અને ચાલુ ક્વોલિટીના ભાવ રૂા. 185થી 200 છે.
સલોના શૂટિંગ્સના ભાવ રૂા. 125થી 130 છે પણ તેની ખાસ માગ નથી.
ટીઆર ફેન્સી આયાતી શૂટિંગ્સના ભાવ રૂા. 250થી રૂા. 425 છે અને માગ ઘણી સારી છે. આની નકલરૂપે સુરતમાં અને ભીલવાડામાં બનતા ટીઆર શૂટિંગ્સના ભાવ રૂા. 150થી 225 છે.
મીનીમેટની માગ ન હોવાથી હવે તેની કોઈ આયાત કરતું નથી.
જેકાર્ડ પ્રિન્ટની શૂટિંગ્સ અને શેરવાની માટેની માગ છે. આ જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ વપરાતું હોવાથી તેની ભારે માગ છે. ચીનથી આયાત થતા જેકાર્ડ પ્રિન્ટના 58'' પનાના ભાવ રૂા. 600થી 650 છે અને ભારતના જેકાર્ડ પ્રિન્ટના ભાવ રૂા. 325થી 350 છે.
અત્રે ભીલવાડામાં બનતી એક્સપ્રેસ મેટીની માગ નીકળી છે. તેના ભાવ રૂા. 110થી 115 છે.
આયાતી શર્ટિંગ્સમાં રેમી વ્હાઇટ 58'' પનાના ભાવ રૂા. 325 છે અને તેની માગ સારી છે. 54'' પનામાં વ્હાઇટ ઉપલભ્ય નથી અને અન્ય કલરો જે સ્ટોકમાં પડયા છે તેમાં રૂા. 215થી 220ના ભાવે  વેચવાલ છે.
ગોપાલજી શર્ટિંગ્સ 44'' પનાના ઓરીજીનલના એક વારદીઠ ભાવ રૂા. 115થી 120 જ્યારે ડુપ્લીકેટના ભાવ રૂા. 75 છે.
ચીનથી બુકફોલ્ડમાં આયાત થતા પ્લેન શર્ટિંગ્સ 58'' પનાના વારદીઠ ભાવ રૂા. 225થી 250 છે.
ઉદ્યોગનું અવનવું
- ગો ફેશન ઇન્ડિયા લિ. જે મહિલાઓના વત્રોની `ગો કલર્સ' બ્રાન્ડ ધરાવે છે તે હવે 120 નવી એક્સ્કલુઝિવ બ્રાન્ડ આઉટલેટસ શરૂ કરશે. કંપનીનો રૂા. 1014 કરોડનો પબ્લિક ઇસ્યુ 315 ગણો ભરાઈ ગયો હતો અને શૅર 90 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો હતો. આથી કંપનીનું માર્કેટકેપ રૂા. 6765 કરોડનું થઈ ગયું છે. 2020-21માં આ કંપનીએ ખોટ કરી હતી.
- ડિસેમ્બર મહિનામાં બૅન્કો 12 દિવસ બંધ રહેશે.
- સેબીએ વિન્સમ યાર્ન લિ. અને તેના મૅનેજિંગ ડાયરેક્ટરને રૂા. 12 કરોડનો દંડ ફટકાર્યો છે. જીડીઆર ઇસ્યુ કરવામાં ગરબડ કરવાનો આરોપ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer