મુખ્ય પ્રધાનની ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજાઈ

મુખ્ય પ્રધાનની ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજાઈ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 3 ડિસે. 
10મી જાન્યુઆરી, 2022ના રોજ શરૂ થનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022 પૂર્વે મુંબઈમાં યોજાયેલા રોડ શૉના ભાગરૂપે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્ત્વપૂર્ણ વન-ટુ-વન બેઠકો યોજી હતી. 
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે કોટક મહિન્દ્રા બૅન્કના એમ. ડી. અને સી. ઈ.ઓ. ઉદય કોટકે વન ટુ વન બેઠક યોજીને ગુજરાતે સાધેલી વિકાસમય પ્રગતિની પ્રસંશા કરી હતી. ખાસ કરીને ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સ અને બૅન્કિગ સેકટર માટે જે અદ્યતન સુવિધાઓ વિકસી છે તે આ સેકટરના રોકાણ કારી માટે વિશાળ તકો પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું. 
ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાના નાતે ગુજરાતના વધુ ગતિશીલ વિકાસમાં અને સમાજ હિત કામોમાં પોતાની સહભાગિતા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી. 
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની બૅન્ક અૉફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ કાકુ નખાટે સાથે થયેલી બેઠકમાં સુશ્રી કાકુ નખાટેએ બૅન્ક અૉફ અમેરિકાના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે મુખ્ય પ્રધાનને માહિતગાર કર્યા હતા. બૅન્ક અૉફ અમેરિકા ગિફ્ટી સિટી કેમ્પસમાં એક લાખ ચોરસ ફૂટમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર ચલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ગિફ્ટ સિટીમાં બૅન્ક અૉફ અમેરિકાનું કેન્દ્ર, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને મોટા પાયે આ સેક્ટરમાં રાજ્યના યુવાનોને રોજગાર અવસર પૂરાં પાડે છે.  
મુખ્ય પ્રધાનએ કાકુ નખાટેને ગીફ્ટ સિટીમાં વિકસાવવામાં આવી રહેલી વિવિધ સુવિધાનો લાભ લેવા પણ જણાવ્યું હતું અને વાયબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. 
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ 2022ના રોડ શૉ અન્વયે મુંબઈની મુલાકાત દરમ્યાન અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કર્યો હતો. 
મુખ્ય પ્રધાનને ટાટા સન્સના ચૅરમેન  નટરાજ ચંદ્રશેખરે મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી. 
તેમણે ટાટા હોટેલ્સ દ્વારા કેવડીયા સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે હૉટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સના પ્લાન્ટના એકસ્પાનશન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer