ગુજરાત આપે છે રોકાણ માટેનો સંપૂર્ણ માહોલ : ડૉ. રાજીવકુમાર ગુપ્તા

ગુજરાત આપે છે રોકાણ માટેનો સંપૂર્ણ માહોલ : ડૉ. રાજીવકુમાર ગુપ્તા
`સૂર્ય તપવાનો હોય તેવા ઉદ્યોગો માટેનું આદર્શ રાજ્ય'   
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 ડિસે. 
અનેક ક્ષેત્રે નવો પંથ કંડારનારું ગુજરાત વિકાસ માટેનો સંપૂર્ણ માહોલ આપે છે. ખાસ કરીને જેમનો સૂર્યોદય થયો છે તેવા ઉદ્યોગો માટે ગુજરાત રોકાણ માટેનું આદર્શ સ્થળ છે, એમ ગુજરાતના અતિરિક્ત મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું.  
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ પહેલાં અત્રે એક ઉચ્ચ સ્તરીય સમારોહમાં ડૉ. ગુપ્તાએ કહ્યું હતું મૂડીરોકાણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ ઉપરાંત ગુજરાત સુવિધાભરી જીવનશૈલી અને ઉત્સાહી રસસભર સામાજિક જીવન માટે પણ શ્રેષ્ઠ છે.  
વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિદેશી રાષ્ટ્રોના રાજદૂતો અને પ્રતિનિધિઓ અને તેમ જ પ્રસાર માધ્યમોને સંબોધતાં ડૉ. ગુપ્તાએ કહ્યું કે દેશના અર્થતંત્રમાં ગુજરાત મોખરાનું આગવું સ્થાન ધરાવે છે. 2015-16થી 2020-21 દરમિયાન ગુજરાતની કુલ આંતરિક પેદાશ (જીડીપી) 10 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધીને 137 અબજ ડૉલરથી 221 અબજ ડૉલરે પહોંચી હતી. ભારતની 11 ટકા ફેકટરીઓ ગુજરાતમાં છે જે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 17 ટકાનો ફાળો આપે છે. ભારતની રાષ્ટ્રીય આવકમાં મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રનો હિસ્સો 17 ટકા છે, જ્યારે ગુજરાતમાં તે 37.5 ટકા છે. 2020-21માં કોરોના મહામારીએ સમગ્ર દેશને ભરડો લીધો હતો ત્યારે પણ ગુજરાતમાં સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ)માં 262 ટકાનો પ્રભાવશાળી વધારો થયો હતો. 
ડૉ. ગુપ્તાએ કહ્યું કે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, સાહસિકો અને વેપારીઓ માટે ગુજરાતમાં રોકાણ કરવા માટે સાત કારણો છે: શક્તિપ્રદ ઔદ્યોગિક પરિવેશ, વેપાર-ધંધો કરવાનું આસાન બનાવવા પ્રતિબદ્ધ સરકાર, મહત્ત્વનાં ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન, ઉદ્યોગકેન્દ્રી નીતિવિષયક અભિગમ, વિકાસલક્ષી પ્રગતિશીલ ઉદ્યોગનીતિ, ભવિષ્યલક્ષી  માળખાકીય સવલતો અને સાતત્યપૂર્ણ વિકાસની ખેવના (જુઓ બોક્સ) 
ડૉ. ગુપ્તાએ કહ્યું કે ગુજરાત નેચરલ ગૅસ અને પાણી પુરવઠા માટે રાજ્યવ્યાપી ગ્રીડ ધરાવતું એકમાત્ર રાજ્ય છે. તે 100 ટકા વીજળીકરણ અને રસ્તા અને રેલવેનું વિશ્વકક્ષાનું નેટવર્ક ધરાવે છે. ગુજરાતમાં 200 કરતાં વધુ ઔદ્યોગિક એસ્ટેટ, ત્રણ કાર્યરત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન અને એકસોથી વધુ ખાનગી ઔદ્યોગિક, લોજિસ્ટિક્સ અને ટેક્‰સ્ટાઇલ પાર્ક છે. ગુજરાત દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે જે કાર્યરત પેટ્રોલિયમ, કેમિકલ્સ ઍન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન ધરાવે છે. ત્યાં 13.5 અબજ ડૉલરનું રોકાણ થયું છે. ગુજરાતમાં 48 બંદરો છે જ્યાંથી દેશના 40 ટકા વિદેશ વેપારનું કામકાજ થાય છે. ગુજરાતમાં 580 જેટલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે જે દર વર્ષે દસ લાખ લોકોને તાલીમ આપે છે.  
ગુજરાતમાં રોકાણ કરવા માટેનાં આ છે સાત આકર્ષણ 
  • શક્તિપ્રદ ઔદ્યોગિક પરિવેશ : ઔદ્યોગિક જમીન ઉપલબ્ધ, કૌશલ વિકાસ, વીજળીની વિપુલતા, રોડ અને રેલવેની સવલત, બંદરો, વિમાની સેવાઓ  
  • વેપારધંધો કરવાનું આસાન બનાવવા પ્રતિબદ્ધ સરકાર: એમએસએમઈ ઍક્ટ, સિંગલ વિન્ડો સિસ્ટમ, લેન્ડ બૅન્ક, નિરુપયોગી નિયમોની નાબૂદી, રોકાણકારોને માર્ગદર્શન  
  • મહત્ત્વનાં ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન: વાહનો અને પૂરજા, રત્નો અને આભૂષણો, રસાયણો અને પેટ્રો રસાયણો, દવા અને ઔષધ, કાપડ અને વસ્ત્ર      
  • ઉદ્યોગકેન્દ્રી નીતિવિષયક અભિગમ: વિકાસોન્મુખ ઉદ્યોગો અને ક્ષેત્ર માટે અલાયદી પ્રગતિશીલ નીતિ  
  • વિકાસલક્ષી પ્રગતિશીલ ઉદ્યોગનીતિ: લાંબાગાળાની લીઝ પર જમીન, કેપિટલ સબસિડી, વ્યક્તિગત ધ્યાન 
  • ભવિષ્યલક્ષી  માળખાકીય સવલતો: ગિફ્ટ સિટી, ધોલેરા એસઆઈઆર, મંડળ બેચરાજી એસઆઈઆર,  ડ્રીમ સિટી, નવાં બંદરો, હરિત ઊર્જા 
  • સાતત્યપૂર્ણ વિકાસ: હરિત ઊર્જા, ઇલેક્ટ્રિક વાહનો      

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer