બુલેટ ટ્રેન : જમીન સંપાદનમાં વિલંબ

વિરોધ કરી રહેલા ખેડૂતો પર હમણાં દબાણ નહીં કરવાની સરકારની સૂચના
હૃષિકેશ વ્યાસ 
અમદાવાદ, તા. 15 ફેબ્રુ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એવો અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેના નિર્ધારિત સમયમાં શરૂ થાય તેમ લાગતું નથી, કારણ કે જમીન સંપાદનની કાર્યવાહીમાં હજી સાત મહિના જેટલો સમય લાગી શકે છે. સંપાદન પ્રક્રિયા ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં પૂરી થવાની હતી. એ હજુ થઇ નથી અને કદાચ વધારે મહિના લાગી શકે છે.
 બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આગળની કોઇ કાર્યવાહી થઇ શકે તેમ નથી. જોકે, સરકારના એક અધિકારીએ કહ્યું હતું કે, અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રોજેક્ટ માટે ઝડપથી જમીન સંપાદન થાય. ખેડૂત આગેવાનોને પણ અમે સમજાવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 190 પૈકી 100 ગામોમાં જમીન સંપાદનની અંતિમ સૂચનાઓ આપવામાં આવી છે. 
આ અધિકારીએ કહ્યું કે, રાજ્ય જમીન સંપાદન, પુનર્વસન અને પુનવર્સન (ગુજરાત સુધાર)ના અધિનિયમ, 2016માં ફેર વળતરના અધિકાર અને પારદર્શિતાના અધિકાર મુજબ સૂચનાઓ આપવામાં આવે છે. જમીન સંપાદન પ્રક્રિયા ધીમી હોવાનું મુખ્યકારણ ખેડૂતોનો વિરોધ છે.  અમે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોના વિરોધનો સામનો કરી રહ્યા છીએ. જોકે, સરકારે લોકસભાની ચૂંટણી આવતી હોવાથી હમણાં ખેડૂતો પર દબાણ નહીં કરવાની સૂચના આપી છે. ખેડૂતોને કોઇ દુ:ખ ન થાય તે રીતે આગળ વધવાની સૂચનાઓ આપવામાં આવી છે. જોકે, અધિકારીએ એમ પણ કહ્યું કે, ખેડૂતોની જમીનના હસ્તાતરણ માટે સ્વેચ્છાએ જમીન આપવા માટે મહત્તમ સંખ્યામાં સંમતિ મળી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer