સર્જિકલ સ્ટ્રાઇક કે અૉપરેશન?

પાકિસ્તાની આતંકવાદી હુમલા સામે દેશભરમાં - દેશભક્તોનો આક્રોષ ભભૂકી ઊઠયો છે અને દુનિયાના ખૂણેખૂણેથી પાકિસ્તાન ઉપર ધિક્કાર-ફિટકાર વરસી રહ્યો છે. પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે જોવા મળતા દેશભક્તિના જુવાળની જેમ અત્યારે સ્વયંભૂ આક્રોષ જાગ્યો છે. ચારે દિશાએથી એક અવાજ - એક જ ગર્જના છે - પાકિસ્તાનને ઠેકાણે પાડો - આતંકવાદને અંજામ આપો અને આતંકવાદીઓને જહન્નમ ભેગા કરો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાણે છે કે જનતા એમની પાસે શું અપેક્ષા રાખે છે - અને જનતાને ખાતરી છે કે મોદી દેશને નિરાશ નહીં કરે. ભારતના જવાંમર્દોના રક્તના એક એક બૂંદની ભારે કિંમત પાકિસ્તાનના આતંકીઓ અને પાકિસ્તાને પણ ચૂકવવી પડશે. સર્જિકલ સ્ટ્રાઇકથી નાક કાપ્યાં, હવે જાન બચાવવા ભાગે તો સીધા જશે જહન્નમમાં...
આતંકવાદી હુમલામાં આપણા જવાનોની શહીદી પ્રત્યે સહાનુભૂતિ અને આઘાત દર્શાવવા છતાં રાજકીય બૂ-દુર્ગંધ હતી પણ દેશભરમાં ભભૂકતા દાવાનળને જોયા પછી પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે બાજી સુધારી અને રાજકીય ભેદભાવ ભૂલીને સરકારને ટેકો આપવા ઊભા રહ્યા. એમની સાથે રાહુલ ગાંધી પણ હતા. આ ભારતની સુરક્ષાનો; સ્વમાનનો, દેશાભિમાનનો સવાલ છે અને તુચ્છ રાજકારણને સ્થાન હોવું જોઈએ નહીં. સંરક્ષણના મામલામાં રાજકારણ હદબહાર જાય તે ચલાવી શકાય નહીં, હદપાર હોવું જોઈએ.
10મી સપ્ટેમ્બર, 2016ના રોજ આપણા ઊરી ખાતેના લશ્કરી મથક ઉપર થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આપણા જવાંમર્દોએ ઉંદરડાઓનાં દર-ઘરમાં ઘૂસીને હત્યારાઓને વીણીવીણીને સાફ કર્યા અને ના-પાકનાં નાક કાપીને સહીસલામત સ્વદેશ પાછા ફર્યા ત્યારથી નાક પંપાળતા આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના લીડર મસૂર અઝહરે જમ્મુ-શ્રીનગર હાઈવે ઉપર આપણા સુરક્ષા દળના કાફલા ઉપર હુમલો કરીને ટાંગ ઊંચી બતાવવાની જુર્રત કરી છે. સર્જિકલ સ્ટ્રાઇક કરીને આપણે બતાવી આપ્યું કે કિતના હૈ જોશ પણ એ ટ્રેઇલર હતું. પાકિસ્તાની આતંકવાદીઓને ભારતનું જોશ બતાવવાનો સમય હવે પાકી ગયો છે.
પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇક થશે કે પછી `અૉપરેશન' તે જોવાનું છે. અલબત્ત સમય અને સ્થળ નક્કી કરશે ભારતીય સેના અને એમની સાથે સરકાર અને સમસ્ત દેશ ઊભો હશે. અત્યારે જે ગુસ્સો અને જુસ્સો ભારતે બતાવ્યો છે તે જોઈને દુનિયા આખી અંજાઈ ગઈ હશે - અને વખત આવ્યે પાકિસ્તાની ખેરખાંઓના છક્કા છૂટી જાશે... આપણે ઇંતેજાર કરીએ આ વખત આવવાનો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વીકારે છે કે સમગ્ર દેશને એમની પાસે કેવી અપેક્ષા છે. આતંકવાદીઓને - અને આ નાપાક 
જમાતને પનાહ અને મદદ આપનારા પાકિસ્તાન સામે ત્રણ મોરચા ખૂલી રહ્યા છે - આર્થિક, ડિપ્લોમેટિક અને લશ્કરી. જ્યાં સુધી લશ્કરી પગલાંનો પ્રશ્ન છે ત્યાં સુધી મોદી સરકારે આપણાં સુરક્ષા દળોને છૂટો - હાથ જ નહીં - સંપૂર્ણ છૂટ, સ્વતંત્રતા આપી છે કે જરૂરી જણાય તે કરો. કોઈ અવરોધ નહીં હોય. સેના વ્યૂહાત્મક નિર્ણય લઈને આગળ વધે છે. સર્જિકલ સ્ટ્રાઇકનું પુનરાવર્તન કરાય નહીં. દુશ્મનની કલ્પનામાં હોય નહીં તેવો વ્યૂહ અજમાવાય અને બહાર કદમ ભરાય. આપણે એમ માની લેવાની જરૂર નથી અને આગ્રહ રાખવાની પણ જરૂર નથી કે અત્યારે જ `ઍક્શન' લેવાય. ભારતીય સેના તેનું કામ કરે છે અને કરશે. આપણને જો શહીદો માટે આક્રોશ અને પરિવારો માટે હમદર્દી હોય - તો સૈનિકોએ તો એમના ભાઈઓ ગુમાવ્યા છે - રક્તનાં એકએક ટીપાંનો બદલો લેવાશે. આપણા માટે એકએક જાન અમૂલ્ય છે, પણ પાકિસ્તાનને તેના માણસોના જાનની કિંમત નથી.
રાજદ્વારી મોરચે અમેરિકા, યુ.કે., યુનાઇટેડ નેશન્સ, ફ્રાન્સ, રશિયા, ઇઝરાયલ, કેનેડા, જર્મની, અૉસ્ટ્રેલિયા, થાઈલૅન્ડ, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભુતાન અને માલદ્વીપ તથા અફઘાનિસ્તાને પાકિસ્તાની આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે. વિશ્વમાં ચીન ભલે પાકિસ્તાનને ફૂંકીફૂંકીને કરડયા કરે - જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના ઠરાવને અટકાવે, દુનિયામાં પાકિસ્તાન અટૂલું છે, બેનકાબ છે.
આર્થિક મોરચે - આપણે ઉદાર દિલે ભાઈચારો બતાવવા પાકિસ્તાનને વિશેષ દરજ્જો - `મોસ્ટ ફેવર્ડ નેશન' આપીને સહાય કરી છે. વર્ષ 1996માં વિશ્વ વ્યાપાર સંસ્થાના નિયમ મુજબ પાકિસ્તાનને આ દરજ્જો આપીને કસ્ટમ જકાત તથા અન્ય જકાતોમાં રાહત આપી છે પણ પાકિસ્તાને આજ સુધી આપણા વ્યાપાર માટે આવી ઉદારતા બતાવી નથી. આપણી 1209 ચીજોની આયાત બંધ છે. વાઘા સરહદ ઉપરથી માત્ર 137 ચીજોની નિકાસ થઈ શકે છે, હવે આ વ્યાપાર સદંતર બંધ થશે. પાકિસ્તાનની હાલત દેવાળિયા દેશ જેવી છે. ચીન નાણાં - લોન આપીને પાકિસ્તાની પ્રદેશની માલિકી મેળવે છે. વડા પ્રધાન ઇમરાન ખાને પોતાની મોટરોનો કાફલો લિલામ કર્યો. વિદેશો પાસે ભીખ માગવાને બદલે ખુદકુશી કરીશ એમ કહેનારા ઇમરાન ખાન આઈએમએફ અને સાઉદી પાસે ભીખ માગી રહ્યા છે અને આર્થિક સુધારાની શરતો માનવા તૈયાર છે. આ હાલતમાં પાકિસ્તાન દુનિયાના દેશો સમક્ષ ભિખારી જ નહીં, આતંકવાદી સાબિત થાય છે. એટલું જ નહીં, - હવે ભારત જે જરૂરી પગલાં ભરે ત્યારે પાકિસ્તાન ચીન-અમેરિકાના ખોળે બેસીને કાગારોળ મચાવે ત્યારે દુનિયાના દેશો તાળીઓ પાડશે...
જમ્મુ-કાશ્મીર હાઇવે ઉપર સ્કોર્પિયો ગાડીમાં દારૂગોળો ભરીને કાશ્મીરી આતંકવાદી કેવી રીતે ધસી આવે? રસ્તામાં સ્થાનિક પોલીસ - ચેક પોસ્ટ ઉપર તપાસ કરે નહીં? રાજ્યપાલ સત્યપાલ મલિક કહે છે કે આપણા ઇન્ટલિજન્સ વિભાગની નિષ્ફળતા છે. સુરક્ષા દળોએ આ યુવક આદીલ અહમદ ડારને ફિદાયન તરીકે ઓળખ્યા પછી એ જંગલમાં ગાયબ થઈ ગયો હતો...
મસૂદ અઝહરે 2001માં આપણા સંસદ ભવન ઉપર પણ હુમલો કરાવ્યો હતો અને તે પછી પઠાણકોટ અને ઊરી ઉપર હુમલા કરાવ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઇક પછી આ મોટો હુમલો થયો છે. મસૂદ ભારતનો અપરાધી છે. માનવતાનો ગુનેગાર છે. પાકિસ્તાને બચવું હોય તો મસૂદ ભારતને હવાલે કરે - નહીં તો પાકિસ્તાનના હાલ-હવાલ થશે.
પાકિસ્તાન સાથે હવે શાંતિ-અમન- ચમનની આશા રાખવી વ્યર્થ છે. હાઇવે પરના આ હુમલા માટે પાકિસ્તાન જવાબદાર હોવા છતાં કહે છે, અમારે તપાસ કરવી પડે! હવે 18થી 21મી ફેબ્રુઆરી દરમિયાન કુલભૂષણ જાધવનો કેસ નીકળશે તેમાં આપણે જીતીએ પછી પાકિસ્તાન શું કરશે તે જોવાનું છે.
વડા પ્રધાન ઇમરાન ખાનને આપણા નવજોત સિદ્ધુ પ્રેમથી ભેટીને આવ્યા છે! કરતારપુર સાહિબનો - ધર્મમાર્ગ ખોલવાની અૉફર થઈ છે. તો જરનૈલ સિંઘ ભીંડરાવાલે જેવા અલગતાવાદી ઊભા કરવા છે? આતંકવાદનો `પંથ' છે? હવે સિદ્ધુ શું કહે છે અને ઇમરાન ક્યા મોઢે દોસ્તીની  વાત કરશે?
જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના 44થી વધુ જવાનોની શહાદત વજ્રાઘાત જેવી છે. ભીષણ હુમલા દ્વારા આતંકવાદીઓએ દેશનાં માન-સન્માનને સીધો પડકાર ફેંક્યો છે. જમ્મુ-કાશ્મીરમાં સેના અથવા અર્ધસૈનિક દળોએ આ પહેલાં આટલી મોટી ક્ષતિનો સામનો ક્યારેય કર્યો નથી. `આતંકી હુમલામાં જીવ ગુમાવનાર જવાનોની શહાદત એળે નહીં જાય, ભારત તેનો પૂરી તાકાતથી બદલો લેશે.' કાશ્મીર કે દેશમાં બીજા કોઇ ઠેકાણે આતંકવાદીઓ કારનામાં કરે અને આપણા ફોજીઓ પ્રાણ ગુમાવે ત્યારે સરકારના જવાબદારો કે સેનાધ્યક્ષ તરફથી આ પ્રકારનાં નિવેદન આવે તે આપણે સમજી શકીએ છીએ. સુરક્ષા દળોએ તેની રીતે કાર્યવાહીઓ કરી હશે પરંતુ પુલવામામાં સીઆરપીએફના કાફલા સાથે જે બન્યું એ પછી ભારતનો એક-એક દેશભક્ત ઇચ્છે છે કે આ દુષ્કૃત્ય આચરનારાઓનો ખાતમો બોલાવવામાં આવે. એવો પાઠ ભણાવાય કે આતંકી જૂથો અને તેને છડેચોક મદદ પહોંચાડતું પાકિસ્તાન ખો ભૂલી જાય અને બીજી વખત આવું દુ:સાહસ કરવાને બદલે પોતાનું કપાયેલું નાક પંપાળે અને માથું બચાવે. હુમલા પછી સમસ્ત ભારતમાં રોષ-આક્રોશ પરાકાષ્ઠાએ છે - જવાનોનું આ બલિદાન વ્યર્થ જવું જોઈએ નહીં. બેશક, શત્રુથી બદલો લેવો નિતાંત આવશ્યક છે, પરંતુ રોષ-આક્રોશની આ ક્ષણોમાં એ પણ વિચારવું પડશે કે છેવટે આતંકવાદીઓના દુ:સાહસનો નિર્ણાયક બદલો કેવી રીતે લઈ શકાય? ગંભીરતાથી વિચાર થવો જોઈએ કારણકે ઊરીમાં આતંકવાદી હુમલા પછી સીમાપાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી તેમાંથી ધડો લેવાને બદલે આતંકવાદીઓ બદલો લેવા માગે છે. વાસ્તવમાં જૈશ અને લશ્કર જેવાં આતંકવાદી સંગઠનોને સમર્થન-તાલીમ, શત્રો અને રક્ષણ આપનારા પાકિસ્તાનને જ સખત પાઠ- સજા કરવાની જરૂર છે અને સજા થાય નહીં ત્યાં સુધી તેની ભારતવિરોધી હરકતો બંધ થવાની નથી.
સીઆરપીએફ કાફલાને નિશાન બનાવનાર આતંકવાદી સંગઠનને ભારતમાં પણ ગદ્દારોએ કોઈ પણ પ્રકારની મદદ કરી જ હશે. સરકારે જે કટિબદ્ધતા વ્યક્ત કરી છે તેને લઈ આશા રાખીએ કે સીઆરપીએફ જવાનોની શહાદત વ્યર્થ નહીં જાય અને તેમને નિશાન પર લેનારાઓથી પણ ઉચિત બદલો લેવામાં આવશે, પણ તેની સાથે એ પણ જોવાની આવશ્યકતા છે કે સતર્કતા અને સજાગતામાં ક્યાંક ઊણપ રહી જાય નહીં.
જ્યારે આપણા જવાન કાશ્મીરમાં યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે ગંભીર વિચાર થવો ઘટે કે તેમની સુરક્ષામાં વારંવાર ઊણપ શા માટે બહાર આવે છે? ધ્યાનમાં રહે કે ઊરી, પઠાણકોટ, કઠુઆ, જમ્મુ વગેરેમાં સેના કે અર્ધસૈનિક દળોનાં સ્થળો પર થયેલા હુમલા પછી જણાયું છે કે સુરક્ષા-સતર્કતામાં ઊણપ હતી. આતંકવાદી સંગઠનો અને તેમના સમર્થકો-સંરક્ષકોને જડબાંતોડ જવાબ આપવાની સાથે જ જમ્મુ -કાશ્મીરમાં પોતાના જવાનોની સુરક્ષાની નવેસરથી સમીક્ષા અનિવાર્ય છે, કારણકે કાશ્મીરમાં આતંકવાદનો ભય સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનથી સમજૂતી કરવા જે રીતે અમેરિકા આતુર છે તેનાથી સ્પષ્ટ છે કે તેણે આ બર્બર આતંકવાદીઓ સમક્ષ `આત્મસમર્પણ' કરવાની સાથે જ તેઓને પોષતા પાકિસ્તાનની ઉપેક્ષા કરવાનું નક્કી કરી લીધું છે.
પુલવામામાં કાયરતાપૂર્ણ કૃત્ય કરવાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી છે. જૈશનો મુખ્ય સૂત્રધાર મસૂદ અઝહર પાકિસ્તાનની ભૂમિ પરથી પોતાના વ્યૂહનું સંચાલન કરે છે. પાકિસ્તાનની સાથોસાથ ચીન પણ મસૂદની ઢાલ બન્યું છે. આ એ જ ચીન છે જે સંયુક્ત રાષ્ટ્રમાં વારંવાર મસૂદ અઝહરના બચાવમાં ઊભું થઈ જાય છે. કમનસીબી એ છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા કરતારપુર સાહિબ કોરિડોર જેવી છદ્મ શાંતિપૂર્ણ પહેલ તો કરવામાં આવી, પરંતુ પાકિસ્તાનના આતંકવાદીઓનાં માળખાને હાથ લગાડવાનું તેમનામાં સાહસ નથી. તાજી આતંકવાદી કાર્યવાહીથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઇમરાન ખાન સત્તામાં છે, પરંતુ પાકિસ્તાનની સેના અને આઈએસઆઈના વલણમાં સુધારો નથી.
સૌથી વધુ આવશ્યકતા હુમલામાંથી સબક લેવાની અને નિર્ણાયક કાર્યવાહી કરવાની છે. ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તે માટે પ્રતિબદ્ધતા દાખવવાની રહેશે. દસ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવા સાથે આપણો દરેક સૈનિક હેમખેમ રહે તે જરૂરી છે. આપણાં સુરક્ષા દળોએ હવે રક્ષણાત્મક રણનીતિ નહીં અપનાવતાં આક્રમક નીતિ અપનાવવાની રહેશે.
ભારત સરકારે હવે સ્પષ્ટ નીતિ અપનાવી કાશ્મીરમાંથી આતંકવાદના ખાતમા માટે કમર કસવાનો સમય આવી પહોંચ્યો છે. માતૃભૂમિની રક્ષા કાજે સૈન્યમાં જોડાતા નવલોહિયાઓને ખાતરી થવી જોઇએ કે અમારા પ્રાણનું મૂલ્ય દેશને છે. ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ આપણી છેક મહાભારત અને રામાયણ કાળથી નીતિ રહી છે કે આતંકવાદી દુષ્ટોને કદી છોડવા નહીં. ગીતામાં શ્રીકૃષ્ણે સંદેશ આપ્યો છે વિનાશાય ચ દુષ્કૃતામ્... દુષ્ટ લોકોનો નાશ કરવો જ રહ્યો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer