નેચરલ ગૅસના ભાવમાં એપ્રિલથી 10 ટકાનો વધારો

નેચરલ ગૅસના ભાવમાં એપ્રિલથી 10 ટકાનો વધારો
નવી દિલ્હી, તા. 15 ફેબ્રુ.
નેચરલ ગેસના ભાવમાં એપ્રિલ મહિનાથી દસ ટકાનો વધારો કરાય તેવો સંભવ છે, જેનાથી ઓએનજીસી અને રિલાયન્સ ઇન્ડ. જેવી કંપનીઓને લાભ થશે. 1 એપ્રિલથી નેચરલ ગેસનો ભાવ મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) દીઠ 3.72 ડૉલર કરાશે. દુર્ગમ ગેસ ક્ષેત્રોમાંથી કઢાયેલા ગેસનો ભાવ હાલના 7.67 ડૉલરથી વધારીને 9 ડૉલર કરાશે એવું જાણકાર સૂત્રોએ કહ્યું હતું.
નેચરલ ગેસના ભાવમાં આ સળંગ ચોથો વધારો છે. દર વર્ષે બે વાર - એપ્રિલ અને અૉક્ટોબરમાં - ગેસના ભાવ સુધારવામાં આવે છે જે અમેરિકા, રશિયા અને કેનેડા જેવા ગેસ-પુરાંતવાળા દેશોના સરેરાશ ભાવ પર આધારિત હોય છે. અમેરિકાના હેન્રી હબ, બ્રિટનના નેશનલ બેલેન્સિંગ પોઈન્ટ, કેનેડામાં આલ્બર્ટા અને રશિયાના સરેરાશ ભાવના આધારે ત્રણ મહિનાનો ગાળો રાખીને અહીં ગેસના ભાવમાં ફેરફાર કરાય છે. આમ 2018ની 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીના ભાવના આધારે ભારતમાં 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીના ભાવ ઠરાવાશે. 2018ના સરેરાશ આંતરરાષ્ટ્રીય ભાવ ઉપલબ્ધ છે અને તેને આધારે સ્થાનિક ભાવમાં દસેક ટકાનો વધારો કરાવાનો સંભવ છે.
ગેસના ભાવ વધવાથી રિલાયન્સ અને ઓએનજીસી જેવી કંપનીઓને લાભ થશે, પરંતુ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસની (સીએનજી)ના ભાવ વધવાથી પરિવહન મોંઘું થશે અને પરિવારોને પાઈપ વાટે પહોંચાડાતો રાંધણગેસ પણ મોંઘો થશે. ખાતર અને પેટ્રોકેમિકલ્સની પડતર કિંમત વધશે.
નેચરલ ગેસનો 3.72 ડૉલરનો ભાવ અૉક્ટોબર, 2015, માર્ચ, 2016 બાદ સૌથી ઊંચો છે. ભારત તેની જરૂરિયાતના પચાસ ટકા જેટલો ગેસ આયાત કરે છે, જેનો ભાવ સ્થાનિક ભાવ કરતાં લગભગ બમણો હોય છે. 1 અૉક્ટોબર, 2018ના રોજ નેચનલ ગેસનો ભાવ એકમદીઠ 3.06 ડૉલરથી વધારીને 3.36 ડૉલર કરાયો હતો. ઊંડા સમુદ્ર જેવી દુર્ગમ જગ્યાઓમાંથી મેળવાતા ગેસ માટે ઊંચો ભાવ ઠરાવાય છે, જેથી તે પોસાણક્ષમ બની શકે. ગેસના ભાવમાં એક ડૉલરનો વધારો થાય તો ઓએનજીસીની આવકમાં રૂા. 4000 કરોડનો વધારો થાય છે. દેશના ગેસના કુલ ઉત્પાદનમાં ઓએનજીસીનો હિસ્સો 66 ટકા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer