ભારતીય સુતરાઉ કાપડ અને સૂતરની નિકાસમાં ઘટાડો

ભારતીય સુતરાઉ કાપડ અને સૂતરની નિકાસમાં ઘટાડો
ઊંચી જકાત જવાબદાર
મુખ્ય આયાતી માર્કેટોમાં બાંગ્લાદેશ, વિયેટનામ, ઈન્ડોનેશિયાની વધતી હાજરી રોકવાની સીટીની માગણી
મુંબઈ, તા. 15 ફેબ્રુ. 
આયાતી માર્કેટોમાં બાંગ્લાદેશ, વિયેટનામ, પાકિસ્તાનને જકાતમુક્ત પ્રવેશ મળે છે, જ્યારે ભારતીય નિકાસ પર ડયૂટી લાગે છે. આથી મુખ્ય આયાતી માર્કેટોમાં ભારતીય કોટન ટેક્સ્ટાઈલ્સની નિકાસ ઘટતી જાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં યુરોપિયન યુનિયન અને ચીનમાં કોટન યાર્ન (સૂતર)ની નિકાસ પચ્ચીસ ટકા ઘટી છે અને કાપડની નિકાસ સાત ટકા ઘટી છે.
કોન્ફેડરેશન અૉફ ઈન્ડિયન ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી (સીટી)એ જણાવ્યું છે કે ભારતીય સૂતરની નિકાસ 2013-14માં જે 4.5 અબજ ડૉલરની હતી તે ઘટી 2017-'18માં 3.4 અબજ ડૉલરની રહી હતી. ભારતીય સૂતરની સૌથી વધુ આયાત ચીન કરતું હતું. હવે ચીનમાં વિયેટનામ અને ઈન્ડોનેશિયાને જકાતમુક્ત પ્રવેશ છે, જ્યારે ભારતીય યાર્ન પર 3.5 ટકા આયાત જકાત લાગે છે. ભારતીય સૂતર પર યુરોપિયન મજિયારી દેશોમાં ચાર ટકા આયાતજકાત લાગે છે. આની સામે ઈયુમાં વિયેટનામ અને ઈન્ડોનેશિયાને માત્ર 3.2 ટકા જ ટેરિફ લાગે છે. ઓછા વિકસિત દેશોને ઈયુમાં જકાતમુક્ત પ્રવેશ
અપાય છે.
આથી મર્ચન્ડાઈઝ એક્સ્પોર્ટસ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ હેઠળ અત્યારે બે ટકા ઈન્સેન્ટિવ અપાય છે તે વધારવાની અને સૂતર-સુતરાઉ કાપડને ઊંચા ઈન્સેન્ટિવમાં સમાવી લેવાની માગણી સીટીએ કરી છે.
2013-14માં સારા ઈન્સેન્ટિવના કારણે સૂતરની નિકાસ ઘણી વધી હતી અને ભારતીય સ્પિનિંગ મિલોએ સારી કામગીરી બજાવી હતી. ત્યાર બાદ એ ઈન્સેન્ટિવ પાછા ખેંચાઈ જવાથી સ્પિનિંગ મિલો નિરાશ થઈ બેસી રહી છે. આ મિલોને સૂતરના ભરાવાના કારણે નીચા ભાવે વેચવાની ફરજ પડે છે.
ભારતે 2017-18માં 1.9 અબજ ડૉલરના રૂની નિકાસ કરી હતી. ભારતનું કાચું રૂ શૂન્ય જકાતમાં ઘણા દેશોમાં નિકાસ થાય છે. યાર્ન કે કાપડમાં રૂપાંતર થવાને બદલે કાચું રૂ જ નિકાસ થાય છે. આથી ભારત રોજગારીની તકો અને વિદેશી હૂંડિયામણ ગુમાવે છે.
સૂતર અને સુતરાઉ કાપડની નિકાસમાં ઘટાડાની અસર સમગ્ર વેલ્યુચેઈન ઉપર થઈ છે. ખેડૂતો, સ્પીનર્સ, વીવર્સ, નીટર્સ અને પ્રોસેસર્સને આની માઠી અસર થઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer