કચ્છના રણોત્સવે 13 વર્ષનો વિક્રમ તોડયો

કચ્છના રણોત્સવે 13 વર્ષનો વિક્રમ તોડયો
પરમિટ ફીની આવક રૂા. 1 કરોડ વધીને રૂા. 2.66 કરોડ સુધી પહોંચી : પ્રવાસીઓની સંખ્યા ચાર લાખને વટાવી ગઇ : 20મી ફેબ્રુઆરીએ સમાપન
અમારા પ્રતિનિધિ તરફથી
ભુજ, તા. 15 ફેબ્રુ.
 કચ્છમાં ધોરડો પાસેના શ્વેત રણમાં 13 વર્ષથી યોજાતા રણોત્સવને દર વર્ષે સફળતા મળતી જાય છે. દેશ-વિદેશમાં બેઠેલા લોકોને ઘેલું લગાડી ચૂકેલા સફેદ નમકાચ્છાદિત અફાટ ખારાપાટની મોજ માણવા દર વર્ષે ધસારો વધતો જાય છે અને આ વરસે તો અગાઉના તમામ રેકર્ડ બ્રેક થઇ ગયા છે. ત્રણ મહિના દરમ્યાન પ્રવાસીઓની સંખ્યાથી પ્રશાસનને ગયા વરસ કરતાં આ વરસે આવકમાં એક કરોડનો વધારો થયો છે.
ધોરડો ગામથી થોડેક દૂર ટેન્ટ સિટી બનાવવામાં આવે છે. અફાટ રણ વચાળે રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તંબુ તાણીને એક શહેર જેવું વાતાવરણ ઊભું કરવાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાલ અલ્હાબાદ પ્રયાગરાજ ખાતે જે કુંભનગરી ઊભી કરવામાં આવી છે તેવા મહાકુંભનું આયોજન સંભાળતી ખાનગી કંપની છેલ્લાં ચાર-પાંચ વર્ષથી રણોત્સવનું આયોજન સંભાળે છે. ઠંડીની મોસમમાં એટલે કે નવેમ્બરથી શરૂ થતો આ રણોત્સવ ફેબ્ર્રુઆરીમાં સંપન્ન થાય છે.
પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આ વખતે 20મી ફેબ્રુઆરીએ રણોત્સવ સમાપન થવાનો છે, પરંતુ મળેલા આંકડા પણ આશ્ચર્યમાં મૂકી દે તેવા છે. ભુજ વિભાગના પ્રાંત અધિકારી જાડેજાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, ગયા વરસ કરતાં આ વરસે એક કરોડની આવક વધી જતા રૂા. 2.66 કરોડની થઇ છે. તેમણે માહિતી આપી હતી કે ગયા વરસે રૂા. 1.76 કરોડની આવક થઇ હતી. પ્રવાસી દીઠ રૂા. 100 પ્રવેશ ફી લેવામાં આવે છે તે પ્રવેશ ફીની વ્યવસ્થા આ સાલથી અૉનલાઇન કરી દેવામાં આવતાં અૉનલાઈન  ફી ભરનારા અનેક પ્રવાસીઓને સરળતા થઇ ગઇ છે. કારણ કે ભિરંડિયારા ચેક પોસ્ટ ઉપર લાંબી-લાંબી કતારો લાગતી તેમાં પણ રાહત થઇ છે. આ વરસે 3.50 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
આ તો જેમણે માત્ર શ્વેત રણ જોવા પરમિટ કઢાવી છે તેનો આંકડો છે, બાકી જે પર્યટકો તંબુ નગરીમાં રોકાતા હશે અને તંબુમાં રાત્રિરોકાણના પેકેજ લીધા હશે તેની માહિતી પ્રવાસન વિભાગ પાસેથી મળશે.
આ આંકડા 31 જાન્યુઆરી સુધીના છે, હજુ 20 ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલશે તો તેમાં વધારો થતાં આવક પણ વધી જવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી.
ધોરડો તથા આસપાસના વિસ્તારમાં હોમ-સ્ટેની યોજના હેઠળ ખાનગી રિસોર્ટ પણ વિકસ્યા છે. આ વાતને સમર્થન તેઓએ આપ્યું અને કહ્યું કે  પરવાનગી તો ટૂરિઝમ તરફથી અપાય છે, પરંતુ અમારી પાસે નોંધાયેલી સંખ્યા 26 છે. 26 હોમ સ્ટે  સત્તાવાર  રીતે  ચાલી રહ્યા છે.
બીજી બાજુ ટેન્ટ સિટીનું આયોજન કરતા લલુજી એન્ડ સન્સના ઉપાંશુ અગ્રવાલનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, અમે 20 ફેબ્રુઆરી સુધી ટેન્ટ સિટી ચાલુ રાખવાના છીએ ત્યાર પછી બુકિંગ લેવામાં નહીં આવે. 400 તંબુ લગાવવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધી 50 હજારથી વધારે પર્યટકો તંબુનગરીમાં રોકાણ કરી ચૂકયા છે. આ વખતે મોટા ભાગના નવા ટેન્ટ બાંધવામાં આવ્યા છે. ડિઝાઇનમાં દર વર્ષે અલગ -  અલગ આકર્ષણ પણ ઊભું કરવામાં આવતું હોવાનું તેમનું કહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer