ભારતનો વળતો પ્રહાર પાકિસ્તાનનો એમએફએનનો દરજ્જો પાછો ખેંચ્યો

ભારતનો વળતો પ્રહાર પાકિસ્તાનનો એમએફએનનો દરજ્જો પાછો ખેંચ્યો
વિશ્વમાં પાકિસ્તાનને એકલું પાડી દેવાશે : જેટલી 
એજન્સીસ, નવી દિલ્હી, તા. 15 ફેબ્રુ.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા ફિદાયીન હુમલા બાદ હવે ભારત આક્રમક પ્રત્યુત્તર આપવા તૈયાર થઈ ગયું છે. ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએનએફ)નો દરજ્જો પાછો ખેંચી લીધો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કૅબિનેટ કમિટીની શુક્રવારે મળેલી મિટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ કેન્દ્રીય નાણાપ્રધાનપદનો ફરી અખત્યાર સંભાળતાં અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વિશ્વમાં પાકિસ્તાનને એકલા પાડી દેવા બધાં શક્ય રાજદ્વારી પગલાં લેવાનું ભારતે નક્કી કર્યું છે.
એમએફએન દરજ્જા હેઠળ ડબ્લ્યુટીઓ હેઠળના સભ્યદેશો કસ્ટમ્સ ડ્યૂટી અને અન્ય લેવીના મામલે અન્ય ટ્રેડિંગ દેશો જોડે ભેદભાવ રાખતા નથી.
ડબ્લ્યુટીઓના જનરલ એગ્રીમેન્ટ અૉન ટેરિફ ઍન્ડ ટ્રેડ (`ગૅટ') હેઠળ એમએફએન દરજ્જો અપાય છે. ભારત અને પાકિસ્તાન બન્ને વર્લ્ડ ટ્રેડ અૉર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)ના સભ્ય છે.
પાકિસ્તાનનો `મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો નાબૂદ થવાનાં પરિણામે ભારત હવે પાકિસ્તાનથી આવતી ચીજો પર કોઈ પણ સ્તરે કસ્ટમ્સ ડયૂટી વધારી શકશે.
ભારત-પાકિસ્તાનનો વેપાર 2016-17માં 0.27 અબજ ડૉલર હતો તે વધી 2017-18માં 2.41 અબજ ડૉલરનો થયો હતો. ભારતે 2017-18માં 48.85 કરોડ ડૉલરની આયાત કરી હતી અને 1.92 અબજ ડૉલરની નિકાસ કરી હતી.
ભારત મુખ્યત્વે રૂ, રંગ-રસાયણ, શાકભાજી, આયર્ન-સ્ટીલની નિકાસ કરે છે અને ફળો, સિમેન્ટ, ચામડું, રસાયણ, મસાલાની આયાત કરે છે.
એમએફએનનો દરજ્જો પાછો ખેંચાયા પહેલાં પાકિસ્તાનના વ્યાપાર પ્રતિબંધોનાં કારણે મોટા ભાગનો વેપાર વાયા યુએઈ અથવા સિંગાપુર પાકિસ્તાન થતો હતો તે હવે ઓર વધશે, એમ નિષ્ણાતો માને છે.
દક્ષિણ એશિયાના બે પડોશી દેશો વચ્ચેની ટ્રેડ લિન્ક આમ પણ નબળી હતી અને હવે તે વધુ વણસશે. એમએફએન દરજ્જા થકી પાકિસ્તાનને નીચા વેરાના લાભ મળતા હતા જ્યારે ભારતથી આયાત કરાતી ચીજો પર અન્ય દેશો કરતાં વધારે ટેરિફ પાકિસ્તાન ચાર્જ કરતું હતું. પાકિસ્તાને નેગેટિવ લિસ્ટ મારફત ભારતને મળનારા લાભો અટકાવી દીધા હતા. વળી પાકિસ્તાને ભારતથી થતી આયાત નિયંત્રિત કરી હતી અને વાયા વાઘા-અટારી સરહદના જમીન માર્ગેથી માત્ર 137 આઇટમોની જ આયાતછૂટ આપી હતી.
સાઉથ એશિયા ફ્રી ટ્રેડ એરિયા (સાફટા) પ્રોસેસ હેઠળ બન્ને દેશો વચ્ચે પ્રેફરન્શિયલ ટ્રેડિંગ વ્યવસ્થા હતી, પણ પાકિસ્તાને તેનો અમલ કર્યો નહોતો.
2017-18માં બન્ને દેશો વચ્ચેનો વેપાર 2.4 અબજ ડૉલરનો થયો હતો જે ભારતની કુલ જણસોના વેપારનો માત્ર 0.3 ટકા હિસ્સા જેટલો હતો.
પાકિસ્તાન ખાતેની નિકાસ 1.9 અબજ ડૉલરની થઈ હતી જે કુલ ભારતીય આઉટવર્ડ શિપમેન્ટના 0.63 ટકા હિસ્સા જેટલી હતી. પાકિસ્તાનથી આયાત 48.8 કરોડ ડૉલરની થઈ હતી જે કુલ ઇનવર્ડ શિપમેન્ટના 0.10 ટકા જેટલી હતી.
પાકિસ્તાનથી આયાત થતી ચીજો પર ભારતે અત્યાર સુધીમાં કોઈ અંકુશો મૂકયા નહોતા. ભારત 1029 ટેરિફ લાઇન મારફત નિકાસ કરતું હતું, પણ પાકિસ્તાનમાં ટેક્સ્ટાઇલ, અૉટો, કૃષિ પેદાશોના પ્રવેશ પર અંકુશો હતા.
પાકિસ્તાનને કેટલી અસર થશે?
એમએફએન દરજ્જો પાછા ખેંચાઈ જવાથી પાકિસ્તાનને સામાન્ય અસર થશે. આથી ભારત હવે પાકિસ્તાનથી થતી આયાત પર કસ્ટમ્સ જકાત ગમે તે સ્તરે વધારી શકશે. ભારત આયાત પર દંડાત્મક ડયૂટી લાદશે તો પણ પાકિસ્તાનને બહુ અસર થશે નહીં. ભારત-પાકિસ્તાન વચ્ચેનો વેપાર જ માત્ર 2 અબજ ડૉલર જેટલો છે જ્યારે વેપારનો અવકાશ 37 અબજ ડૉલરનો છે, એમ વર્લ્ડ બૅન્કના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. સરકારનાં આ પગલાંને પ્રતીકાત્મક ગણવામાં આવે છે.
એમએફએન એટલે શું ?
વર્લ્ડ ટ્રેડ અૉર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)ના જનરલ એગ્રીમેન્ટ અૉન ટેરિફ ઍન્ડ ટ્રેડ (ગૅટ)ના સભ્યદેશોએ માલ-સામાન પરની કસ્ટમ્સ ડયૂટી લાદવાની બાબતમાં એકબીજા દેશને ફેવર્ડ ટ્રેડિંગ પાર્ટનર ગણવાના હોય છે. ભારતે 1996માં પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો આપ્યો હતો, પણ પાકિસ્તાને સામે એવો પ્રતિસાદ આપ્યો નહોતો.  જોકે બન્ને દેશોએ ગૅટ કરાર પર સહીઓ કરી હતી. આમાં ટ્રેડ એગ્રીમેન્ટમાં બન્ને દેશોએ એકબીજાની તરફેણ કરવાની હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer