અનાજના વેપારમાં મંદીની શક્યતા

વડા પ્રધાન મોદીની જાહેરાતને આવકાર, પણ
મણિલાલ ગાલા
મુંબઈ, તા. 30 જૂન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના 80 કરોડ ગરીબોને વધુ પાંચ મહિના સુધી વિનામૂલ્ય રેશન આપવાની જાહેરાત કરતાં દેશની અનાજની જથ્થાબંધ અને રીટેલ બજારોમાં મંદીનો માહોલ છવાશે એવી શક્યતા વ્યક્ત થઈ હતી.
મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસિયેશનના પ્રમખ રમણીકલાલ જાદવજી છેડાએ જણાવ્યું હતું કે દર મહિને પાંચ કિલો ઘઉં-ચોખા અને એક કીલો ચણા છેક દિવાળી સુધી 80 લાખ ગરીબોને વિનામૂલ્યે આપવાની યોજના લંબાવાઈ તે આવકાર્ય પગલું છે. પરંતુ અત્યારે પણ સરકાર છેલ્લા ત્રણ મહિનાથી 72 કિલો રેશન આપી રહી છે તેના અસર રીટેલ અને હોલસેલ બજારોને થઈ છે. ઘઉં, ચોખા, ચણા અને અન્ય ધાન્યોનાં ભાવ ઘટશે અને તેના વેપારમાં પણ મંદી વધશે. સામાન્ય રીતે વેપારીઓનો ઘઉં-ચોખાનો જ મોટો વેપાર હોય છે. કઠોળની ખપત ઓછી હોય છે. અનાજ-કરિયાણાના વેપારીઓએ અત્યારના કપરા સમયમાં સતત પુરવઠો જાળવી રાખી જાનના જોખમે સારી સેવા બનાવી છે. પરંતુ હવે તેમના પર મંદીનું સંકટ ઝળુંબે છે.
ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડ્સ મરચન્ટસ એસોસિયેશન (ગ્રોમા)ના મંત્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે સરકાર ત્રણ મહિનાથી રેશનમાં 72 કીલો અનાજ આપતી હોવાથી દાણાબંદરનો ઘઉં-ચોખાનો વેપાર લગભગ 25 ટકા થઈ ગયો છે. હવે વધુ પાંચ મહિનાં ફ્રી રેશન અપાતાં વેપારેમાં જબ્બર મંદી આવશે. દેશભરમાં દોઢલાખ કરોડ રૂપિયાનો ઓપન માર્કેટનો વેપાર જતો રહેશે.
અનાજ બજારમાં વિશ્લેષક દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી અનાજના જથ્થાબંધ અને રીટેલ મળીને દેશના લગભગ 5.50 કરોડ લોકોને સીધી અસર થશે. રાઈસ મિલ ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ, દલાલો, મંડીનાં વેપારને અસર થશે. સરકારનાં ફાટફાટ થતાં ગોદામો ખાલી થશે. જોકે, ઘઉં-ચોખાની ઓપન માર્કેટ ઈન્ડસ્ટ્રીઝને મોટી મંદીનો સામનો કરવો પડશે. 80 કરોડ લોકોને 2 કરોડ 40 લાખ ટકા અનાજ મફતમાં આપવામાં આવશે.
મુંબઈના અગ્રણી ફ્લૉર મિલર અજય ગોયલે જણાવ્યું હતું કે, `ગરીબો માટે વડાપ્રધાન મોદીજીએ સારું પગલું ભર્યું છે. જોકે ફ્લૉર મિલ ઈન્ડસ્ટ્રીમાં તો લોકડાઉનને કારણે હાલ માંડ અડધો વેપાર રહ્યો છે. હૉટેલો, રેસ્ટ્રોરાં, મૉલ બંધ છે એટલે માગ ઘટી છે હવે ઓર ઘટાડો થશે. આ વરસ નુકસાની વિના નીકળી જાય તો પણ ઘણું સારું.  નફાની તો વાત જ કરવાની નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer