અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.10 જુલાઈ
વૈશ્વિક સોનાનો ભાવ 1800 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જળવાઇ રહ્યો હતો. કોવિડ 19નું ઇન્ફેક્શન વધુને વધુ લોકોમાં ફેલાઇ રહ્યું છે તેના પરિણામે સલામત રોકાણ માટે સોનાની માગ જળવાઇ રહી છે.આ લખાય છે ત્યારે ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 1807 ડોલર પ્રતિ ઔંસ હતો. આમ સળંગ પાંચમા અઠવાડિયામાં સોનાનો ભાવ સુધર્યો હતો. ચાલુ અઠવાડિયામાં સોનાનો ભાવ 1.8 ટકા તેજી નોંધાવી શક્યો છે. ઓક્ટોબર 2011 પછીની 1817 ડોલરની સપાટી ગત બુધવારે જોવા મળી હતી.
અમેરિકા, બ્રાઝીલ અને ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એટલે આર્થિક રિકવરીનો આશાવાદ ઝાંખો પડી રહ્યો છે તેના પરિણામે સોનું સૌને આકર્ષક દેખાઇ રહ્યું છે. સોનામાં એક્સચેંજ ટ્રેડેડ ફંડની સતત લેવાલી આવી રહી છે.બે દિવસથી ઇક્વિટી માર્કેટમાં ઘટાડો થઇ રહ્યો છે એ કારણે સોનું ટકવામાં સફળ રહ્યું છે. અમેરિકામાં નવું લોકડાઉન આવે તેવી શક્યતા વધી રહી છે તેના પરિણામે ક્રૂડ તેલના ભાવમાં પણ ઘટાડો થયો છે. હવે ઇક્વિટી માર્કેટમાં મંદી આવે કે આર્થિક ચિત્ર વધુ ગંભીર બનતું દેખાય તો સોનાના ભાવ નવી ઉંચાઇ સુધી જવાનો પૂરતો પ્રયાસ કરશે તેમ અભ્યાસુઓ કહે છે. સોનાની ઐતિહાસિક ઉંચી સપાટી 1920 ડોલર પ્રતિ ઔંસ છે.
એક કોમોડિટી વિશ્લેષકે કહ્યું કે, સોનું 1816 ડોલર સુધી બહુ ઝડપથી પહોંચી ગયું છે એ જોતા એક પ્રત્યાઘાતી ઘટાડાની શક્યતા છે. જોકે આ ઘટાડો 1780 ડોલરથી નીચેનો નહીં હોય. ઉંચામાં 1820 સુધી નવા અઠવાડિયામાં જઇ શકે છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 50ના સુધારામાં રૂા. 50650 અને ચાંદીનો ભાવ રૂા. 200ના ઘટાડામાં રૂા. 50200 હતો. ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 18.67 ડોલર હતો.મુંબઇમાં સોનું રૂા. 81ના સુધારામાં
રૂા. 49320 અને ચાંદી એક કિલોએ રૂા. 245ના ઘટાડે રૂા. 50975 હતી.