લેમિનેશન ઉદ્યોગ બેથી ત્રણ મહિનામાં 70 ટકા ક્ષમતા પ્રાપ્ત કરે તેવી શક્યતા

ગુજરાતના લેમિનેટ ઉત્પાદકોને માગ વધવાની આશા
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 31 
ગુજરાતમાં લેમિનેશન ઉદ્યોગ મોટાંપાયે ફૂલ્યોફાલ્યો છે. ગુજરાતમાં મે મહિનામાં લોકડાઉન હોવા છતાં સરકારે મર્યાદિત સમય માટે સુથાર, પ્લમ્બર્સ અને ઇલેક્ટ્રીશિયન્સે પોતાના કામો ફરી શરૂ કરી દેવા છૂટ આપી દેતા લેમિનેટના ઉત્પાદકીય એકમો 50 ટકા ક્ષમતાએ કામ કરતા હતા. ઉત્પાદન શરૂ થઇ જવાથી અનેક એકમો માગ પૂરી કરવા માટે સક્ષમ બન્યા હતા. હવે લેમિનેટ ઉત્પાદકો આગામી બેથી ત્રણ મહિનામાં 70 ટકા સુધી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરે તેવી શક્યતા સેવાય છે, જેથી કોવિડ-19 પછીની પરિસ્થિતિ આ ઉદ્યોગ માટે સારી કહી શકાય એવી છે. 
ઇન્ડિયન લેમિનેટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના ઓનરરી સેક્રેટરી અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર જિકેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે સરકારે ટાઉનશિપ્સ અને સેટલમેન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી હોવાથી રહેણાંક એપાર્ટમેન્ટની ગુણવત્તામાં સુધારો થશે, ત્યારે ફર્નીચર ઉદ્યોગની વૃદ્ધિ સકારાત્મક દેખાય છે. વિવિધ અભ્યાસોમાં 2018-2023 દરમિયાન ફર્નીચર ઉદ્યોગમાં સતત વૃદ્ધિ થવાની આગાહી કરી છે. એ લેમિનેટસની માગમાં પણ વધારો કરશે. 
તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19ને કારણે વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં અંતરાય આવ્યો છે. કેમ કે હાલમાં ઉદ્યોગને કાચા માલ માટે 70 ટકા પર આયાત પર નિર્ભર રહેવું પડે છે અને 25 ટકા જેટલી નિકાસ થાય છે. પેપર, કેમિકલ વગેરેની મોટે ભાગે યુરોપ, આફ્રિકાથી તેમજ કેમિકલ ગલ્ફ, આફ્રિકાથી આવે છે. ચીનથી કેમિકલ અને પેપર આવે છે પરંતુ તેનો હિસ્સો ઘણો ઓછો છે. તેમણે જણાવ્યું હતુ કે ભારતમાં લેમિનેટ ઉદ્યોગનું ટર્નઓવર રૂ. 9500થી 10,000 કરોડ છે, જેમાં ગુજરાતનો હિસ્સો ફેક્ટરીની દ્રષ્ટિએ 55 ટકા જેટલો છે. ગુજરાત લેમિનેશન માટેનું હબ કહેવાય છે. શરૂઆતમાં 90 ટકા જેટલા લેમિનેટ ઉત્પાદકીય એકમ ગુજરાતમાં જ હતા, પરંતુ બાદમાં ઉત્તર, ઉત્તરાંચલ વગેરે સરકારોએ કર રાહતો જાહેર કરતા અમુક એકમોએ ત્યાં સ્થળાંતર કર્યું હતું. ગુજરાતમાં મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, મોરબી વગેરે સ્થળોએ હાલમાં 80 જેટલા એકમો છે. ગુજરાતમાં જાણીતી કંપનીઓમાં વીર લેમિનેટ્સ, ડ્યૂરિયન, સિગ્નેચર લેમિનેટનો સમાવેશ થાય છે. લેમિનેટની શીટ 8ડ્ઢ4ની સાઇઝમાં આવે છે. 
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કર્મચારીઓ અને મજૂરો થઇને કુલ 22000-25000 જેટલા લોકોને સીધી રોજગારી પૂરી પાડે છે. આમ તો ગુજરાતમાં એપ્રિલથી સરકારે મંજૂરી આપી હતી પરંતુ મજૂરોની સમસ્યાને કારણે ઉત્પાદન શરૂ કરી શકાયુ ન હતું. એકમદીઠ 40 જેટલા કર્મચારીઓ અને સવાસોથી દોઢસો જેટલા મજૂરો હોય છે. મોટે ભાગે દરેક ઉદ્યોગો શરૂ થઇ ગયા હોવાથી દિવાળી સુધીમાં ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થશે તેમ દેખાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer