સરકાર હવે નોરતામાં ખરીદશે મગફળી

તા.21 ઓક્ટોબરથી શરૂઆત : 1 ઓક્ટોબરથી નોંધણી - સરકાર અધિક માસનો સમય વિસરી ગયા પછી હવે ભૂલ સુધારી 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, રાજકોટ, તા. 15 
સરકાર દર વર્ષની માફક લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવની ખરીદી કરશે તેવી જાહેરાત પછી વ્યાપક વિરોધ થતાં સરકારે એક મહિનો વહેલી 21 ઓક્ટોબરથી ખરીદીનો આરંભ કરવાની નવી જાહેરાત કરી છે. 
અગાઉ સરકારે લાભ પાંચમ અર્થાત્ 19 નવેમ્બરના રોજથી ખરીદી કરવા જાહેરાત કરી હતી. જોકે આ વર્ષે અધિક માસ છે એટલે આ દિવસ આડે સવા બે મહિના બાકી હતા. એ દરમિયાન હજારો ખેડૂતોની મગફળી સસ્તામાં વેચાઈ જવાનો ભય હતો. પરિણામે વેપારીઓ અને કિસાન સંઘ દ્વારા દ્વારા આકરી પ્રતિક્રિયા આપીને વહેલી ખરીદી માટે રજૂઆત કરવામાં આવી હતી. તે  સફળ થઈ છે. કૃષિ મંત્રી આર સી ફળદુએ કરેલી જાહેરાત પ્રમાણે હવે 21 ઓક્ટોબરથી ખરીદીનો આરંભ થશે. 
એ માટે 1 ઓક્ટોબરથી ખેડૂતોનાં નામની નોંધણી કરવામાં આવશે. 20 દિવસ નામ નોંધ્યા પછી ખરીદી કરાશે. 90 દિવસ સુધી સરકાર ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી ખરીદશે. નાફેડ દ્વારા પુરવઠા નિગમ મારફતે ખરીદી કરવામાં આવશે. 
તેમણે કહ્યું કે, ચાલુ વર્ષે વર્ષાઋતુમાં સારો વરસાદ થવાના પરિણામે રવી અને ઉનાળુ સીઝનમાં પણ ખેડૂતો વધુ વાવેતર કરી શકશે. રાજ્યમાં મગફળીની ખરીદી મણે રૂ. 1055ના ભાવે કરાશે. મગફળીની ખરીદી બાદ કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. 
વરસાદથી 13 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન 
અતિવૃષ્ટિને લીધે ચાલુ વર્ષે ખેડૂતોના પાકમાં વ્યાપક બગાડ થયો છે. ફળદુએ જણાવ્યું કે, પાકમાં નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે. છતાં આરંભિક તબક્કે 13 લાખ હેક્ટરમાં થયેલા વાવેતરને નુકસાન પહોંચ્યું છે. સરકાર સર્વે કરી રહી છે. ત્રણ લાખ હેક્ટરમાં સર્વેની કામગીરી થઈ ગઈ છે. હવે ટૂંકમાં જ સર્વે પૂર્ણ કરીને સહાયની જાહેરાત કરવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer