તેજીવાળાઓનો લોંગ જમ્પ

તેજીવાળાઓનો લોંગ જમ્પ
મિડકૅપ અને સ્મોલ કૅપ શૅર્સમાં લાવલાવ
વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 15 સપ્ટે.
ફાઇનાન્સિય શૅર્સમાં ભારે ખરીદીના પગલે આજે શૅરબજારો અનેક દિવસો સુધી વેચવાલીના દબાણ હેઠળ રહ્યા બાદ ઊછાળે બંધ થયા હતા. સેન્સેક્ષ 288 પોઇન્ટ્સ વધી 39044ના સ્તરે અને નિફ્ટી 82 પોઇન્ટ્સ વધી 11522ના સ્તરે બંધ આવ્યાં હતાં. 
ઇન્ડસઇન્ડ બૅન્ક સૌથી વધુ પાંચ ટકા વધી ટૉપ ગેઇનર બન્યો હતો જ્યારે ટાઇટન 1.5 ટકા ઘટી સૌથી વધુ ઘટયો હતો. સેન્સેક્ષની 
આજની તેજીમાં એચડીએફસી બૅન્ક, રિલાયન્સ ઇન્ડ., આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી અને એક્સીસ બૅન્કનો સૌથી વધુ ફાળો હતો. બીએસઇના મુખ્ય 30 શૅરમાંથી 21 વધ્યા હતા અને બાકીના નવ શૅર ઘટયા હતા. વોલેટાલિટી ઇન્ડેક્સ આશરે ચાર ટકા ઘટીને 20.39ના સ્તરે હતો.
દરમિયાન બ્રોડર માર્કેટમાં બીએસઇ સ્મોલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ અનુક્રમે 1.5 ટકા અને 0.85 ટકા વધ્યા હતા.  સેક્ટર પ્રમાણે ફાર્મા ઇન્ડેક્સ સૌથી વધુ બે ટકા વધીને બંધ થયો હતો. નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ  1.85 ટકા, નિફ્ટી બૅન્ક 1.65 ટકા વધ્યા હતા જ્યારે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 0.7 ટકા ઘટીને બંધ થયો હતો. 
અદાણી ગ્રીનનો શૅર આજે નવી ઊંચાઇએ પહોંચતાં કંપની રૂા.એક લાખ કરોડની માર્કેટ કૅપ ધરાવતી ક્લબમાં સામેલ થઇ હતી. આ ક્લબમાં ટાઇટન, અલ્ટ્રાટૅક સિમેન્ટ, સન ફાર્મા,એલ ઍન્ડ ટી અને એવેન્યુ સુપર માર્કેટનો સમાવેશ થાય છે. તે સાથે બીએસઇમાં તાતા મોટર્સનો શૅર આજે પાંચ ટકા વધ્યે હતા, આ શૅર પાછલા છ સપ્તાહમાં 63 ટકા વધ્યો છે. 
વૈશ્વિક બજારો 
ચીનના આર્થિક ડેટા પ્રોત્સાહક આવતાં જાગતિક શૅર બજારોમાં તેજી આવી હતી. તે સાથે કોરોના વાઈરસની વેક્સિન વિશે નવો આશાવાદ નિર્માણ થતાં બજારોમાં તેજીને બળ મળ્યું હતું. ચીન અને હોંગકોંગ બજારો વધીને જ્યારે જપાન અને અન્ય શૅરબજારો 0.5 ટકા જેટલા ઘટીને બંધ થયા હતા. યુરોપના બજારો 0.5થી 1 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યા હતા, જ્યારે કૉમોડિટીઝમાં બ્રેન્ટ ક્રૂડતેલ 51 સેન્ટ વધી 40.12 ડૉલર પ્રતિ બૅરલ અને ગોલ્ડ  પ્રતિ ઔંસ 14.20 ડૉલરના ઊછાળા સાથે 1977.90 ડૉલર રનિંગ હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer