એપીએમસી માર્કેટોની આવતીકાલથી સૂચિત બે મુદત હડતાળ મુલતવી રહી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 સપ્ટે.
મહારાષ્ટ્ર રાજ્યની એપીએમસી માર્કેટોનાં વેપારીઓની 1લી અૉક્ટોબરની સૂચિત બેમુદત હડતાળ હાલ તુરંત મોકૂફ રાખવામાં આવી છે. વેપારીઓ માર્કેટ ફીની નાબૂદી અને અન્ય ખર્ચ ઘટાડવાની માગણીના ટેકામાં આ હડતાળ પાડવાના હતા.
ચેમ્બર અૉફ ઍસોસિયેશન્સ અૉફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કેમિટ)ના ચૅરમૅન મોહન ગુરનાનીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે રવિવારે રાજ્યની એપીએમસી કમિટીઓમાં પ્રતિનિધિઓની ઝૂમ મિટિંગ યોજાઈ હતી, જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારે કૃષિ પેદાશો અને ખેડૂતો દ્વારા કૃષિ પેદાશોમાં થતા વેચાણને લગતા જે કાયદા પાસ કર્યા હતા. તેનો અમલ રાજ્યમાં કરવામાં નહીં આવે એવી જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કરી હતી. આથી ગૂંચવાડો ઊભો થયો છે અને એને પગલે સૂચિત હડતાળ હાલ મુલતવી રાખવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે હવે અમે માર્કેટ ફી રદ કરવા અને અન્ય ખર્ચ ઘટાવવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીશું અને ભાવિ પગલાં નક્કી કરવા ફરી એક સપ્તાહમાં બેઠક બોલાવવામાં આવશે.
દરમિયાન `ગ્રોમા'ના પ્રમુખ શરદભાઈ મારૂએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રના ત્રણે બિલ લાગુ નહીં કરી એવી જાહેરાત શુક્રવારે જ કરી દીધી હતી. આથી એપીએમસીનો સૂચિત બંધ મુલતવી રાખવાનો ઠરાવ પસાર કરાયો હતો.
રાજ્ય સરકાર સાથે વધુ વાટાઘાટો ચાલુ રહેશે, તેમ જ વેપારી સમાજની સમસ્યાઓનો યોગ્ય નિકાલ આવે તે માટે મહારાષ્ટ્રના બધા વેપારી સંગઠનોનાં પ્રતિનિધિઓ જાગૃત છે, એમ મારૂએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer