અનેક કંપનીઓ ઓફિસો ખાલી કરવા લાગી

અનેક કંપનીઓ ઓફિસો ખાલી કરવા લાગી
`વર્ક ફ્રોમ હોમ' કલ્ચર વિકસ્યું હોવાથી તેમનો ઘણો ખર્ચ બચી ગયો
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા 29 સપ્ટે. 
કોરોના મહામારી વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતના મહત્ત્વનાં શહેરો જેમ કે રાજકોટ, વડોદરા અને સુરતમાં અનેક કંપનીઓએ નવા બિઝનેસના અભાવે પોતાનાં કામકાજ સંકેલી લેતાં કોમર્શિયલ પ્રોપર્ટી બજાર પર ખૂબ માઠી અસર પડી છે. લૉકડાઉન બાદ પરિણમેલી સ્થિતિએ કોમર્શિયલ પ્રોપર્ટી બજારની કમર તોડી નાખી છે. કોમર્શિયલ કોર્પોરેટ કંપનીઓ જે ઓફિસો ભાડે લઈને ચલાવતા હતા, તે ઓફિસો હવે ખાલી થવા માંડી છે. 
અમદાવાદની વાત કરીએ તો સિંધુ ભવન રોડ, પ્રહલાદનગર રોડ અને સી. જી. રોડ પર આવેલી અનેક કંપનીઓએ પોતાની ઓફિસો ખાલી કરી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે.  
કોરોના મહામારીને કારણે કંપનીઓએ પોતાની ઓફિસો ખાલી કરીને વધારાના ખર્ચ પર કાપ મૂક્યો છે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઉદભવે તો શું કરવું તેના વિકલ્પ તરીકે અત્યારથી જ અનેક કંપનીઓએ પોતાની કામ કરવાની પદ્ધતિ બદલી નાખી છે. પરંતુ તેના પરિણામે કોમર્શિયલ પ્રોપર્ટી બજારનો સિનેરીયો બગડી રહ્યો છે.  
અમદાવાદની જાણીતી પ્રોપર્ટી ડીલર કંપની સ્પેસ મેનેજમેન્ટના ભાગીદાર વિશાલ દોહીયાએ જણાવ્યું હતુ કે અમદાવાદની તુલના હવે મુંબઇ, બેંગલોર જેવા મોટા મહાનગરોની સાથે થાય છે. ઓફિસ ભાડે રાખનારી કપનીઓ રિનિગોશિયેટ ઘણુ કરે છે. અલબત્ત ચાલુ વર્ષે ભાડામાં ઘણો ઘટાડો કરવા માટે કહે છે. શોરુમ સિવાય પ્રિ સ્કુલ, જિમ તેમજ રેસ્ટોરન્ટ ઘણી બંધ થઇ ગઇ છે. રેસ્ટોરન્ટસ પણ ઘણી વેચાવા માટે આવી છે. અન્ય શહેરો જેમ કે રાજકોટ, સુરતમાં કોર્પોરેટ્સની સંખ્યા ઘણી ઓછી છે એટલે બહુ તકલીફ નથી.  
એક જાણીતા વકીલે જણાવ્યુ હતુ કે કોરોના મહામારીના કારણે દેશમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર વિકસ્યું હોવાથી કંપનીઓનો ઘણો ખર્ચ બચી ગયો છે. વધુમાં ઓફિસ ભાડું, લાઈટ બિલ, હાઉસકાપિંગ, સિક્યોરિટી અને કર્મચારીઓ માટેની કેન્ટીન પાછળ જે ખર્ચ થતો હતો તે બચી રહ્યો છે પરિણામે તેમની બેલેન્સ શીટમાં 20-30 ટકા જેટલો સુધારો થયો છે. કંપનીઓ ખર્ચ બચતને તેમના કર્મચારીઓ સુધી પસાર કરી હોવાથી કર્મચારીઓના વેતનમાં પણ થોડો સુધારો કરી શકાયો છે.  
એક જાણીતા બિલ્ડરે જણાવ્યુ હતુ કે આગામી સમયમાં હવે ઘરમાં ઓફિસ સ્પેસ આપવી પડશે તેમ જણાય છે. પરંતુ મોટા ભાગની કંપનીઓ આ પ્રકારનો ખ્યાલ અપનાવશે તો ભવિષ્યમાં કોમર્શિયલ પ્રોપર્ટી માર્કેટ પર મોટી અસર થવાની શક્યતા વરતાઈ રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer