મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવા કૃષિ કાયદાનો પહેલાં અમલ, હવે વિરોધ

મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવા કૃષિ કાયદાનો પહેલાં અમલ, હવે વિરોધ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 29 સપ્ટે.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નવા કૃષિ કાયદાનો પ્રખર વિરોધ કરવાનો નિર્ણય મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે લીધો છે પણ રાજ્યના માર્કેટિંગ વિભાગે ગત 10મી ઓગસ્ટે જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આ સંદર્ભેના વટહુકમનો કઠોરતાથી અમલ કરવાની સુચના આપતુ નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ બાબતની જાણ થતાં સરકાર અસમંજસની સ્થિતિમાં મૂકાઇ ગઇ છે. 
રાજ્યના માર્કેટિંગ વિભાગના ડિરેક્ટર સતીશ સોનીએ 10મી ઓગસ્ટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા કૃષિ સુધારાને લગતા ત્રણ વટહુકમનો રાજ્યમા કડક પણે અમલ કરવા બાબતે નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું હતું. આ ત્રણે વટહુકમોનું કાયદામાં રૂપાંતર થયું છે. આમ, સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર નવા કૃષિ કાયદાનો અમલ કરનાર સૌ પ્રથમ રાજ્ય બન્યુ છે.
જોકે, સમગ્ર દેશમાં વિરોધપક્ષો દ્વારા નવા કાયદાનો વિરોધ થઇ રહ્યો હોવાથી રાજ્યની શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની મિશ્ર સરકારે આ કાયદાનો રાજ્યમાં વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. 
કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ વિષયક વટહુકમ ગત પાંચમી જૂને પસાર કર્યા હતા અને સંસદમાં સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં તેને વિપક્ષી વિરોધ વચ્ચે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer