ઊંઝામાં જીરું, ઇસબગુલ અને વરિયાળીમાં ધીમા સોદા

ઊંઝામાં જીરું, ઇસબગુલ અને વરિયાળીમાં ધીમા સોદા
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 16 અૉક્ટો. 
ઊંઝા માર્કેટ યાર્ડમાં વીતેલા સપ્તાહ દરમિયાન સામાન્ય કામકાજ રહ્યા હતા. નવા તલની આવકોમાં  ધીમે ધીમે વધારો થતો જાય છે. જીરુ, વરિયાળી કે ઇસબગુલમાં ટકેલાં કામકાજે સામાન્ય વધઘટ છે. જિલ્લામાં વાવેતરની કામગીરી જોર પકડી રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.  
ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા તલની આવકોમાં ધીમો વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં તલની દૈનિક 1000થી 1200 બોરીની આવકો થાય છે. વેપારીઓએ જણાવ્યા અનુસાર દિવાળી સુધીમાં તલની સારી ગુણવત્તાવાળો માલ બજારમાં ઠલવાશે.તલના સોદા રૂ. 1600-1700ની આસપાસ પડે છે. જ્યારે જૂના તલના ભાવ રૂ. 1450થી 1500ની આસપાસ ચાલે છે. તલમાં થોડા સમય સુધી ભાવ મક્કમ રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે તલની આવકો કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતમાંથી થાય છે. 
જીરામાં હાલમાં સ્ટોકિસ્ટ માલનું વેચાણ ચાલુ છે. જીરામાં દિવાળી પૂર્વે થોડી ઘરાકી નીકળી આવી છે. તેમાં આશરે 7થી 8 હજાર બોરીના કામકાજ થાય છે. જીરાના હલકા માલના રૂ. 2150થી 2200, એક્સપોર્ટ દડાના રૂ. 2300-2400 તેમજ સારા માલના રૂ. 2400થી 2500 અને સુપર માલના રૂ. 2600 ચાલે છે. 
વરિયાળીમાં હાલમાં આશરે 250થી 300 બોરીની આવકો થાય છે તેમાં દરરોજ 1400થી 1600 બોરીના વેપાર થાય છે. હલકા માલના રૂ. 800થી 900, મીડિયમ માલના રૂ. 1050-1150 અને સાબરકાંઠાના બેસ્ટ કલર માલના રૂ. 1400થી 1600 અને આબુરોડના રંગદાર માલના રૂ. 2350થી 2950 છે. ઇસબગૂલમાં હાલમાં 800થી 1000 બોરીની આવકો યથાવત છે. તેમાં 4000 બોરીના વેપાર થાય છે. ઇસબગૂલમાં માપની ઘરાકી છે. સ્ટોકિસ્ટોની વેચવાલી સારી છે. ઇસબગુલના ભાવ રૂ. 2350થી 2500 ચાલે છે. વરિયાળીનું ચોમાસુ વાવેતર (રોપણીથી) ઓછુ થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે હવે દાણાથી વાવેતર થશે.  
રાયડામાં અને અજમામાં પણ સામાન્ય કામકાજ છે. રાયડાના ભાવ રૂ. 980-1000 અને અજમાના ભાવ રૂ. 2450-2450 ચાલી રહ્યા છે. અજમાની આવકો હાલમાં નહી હોવાથી તેના ભાવ મક્કમ છે. કોરોનાની વધી રહેલા કેસને કારણે પણ આવકો જેટલા જ વેપાર રહે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer