ખાંડના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધુ નરમાઇ આવવાના આસાર

ખાંડના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધુ નરમાઇ આવવાના આસાર
આ મોસમમાં સ્થાનિક ઉત્પાદન 12 ટકા વધીને 305 લાખ થશે: ઈસ્મા
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ તા. 16 ઓક્ટો. 
આગામી કેટલાંક સપ્તાહ સુધી બ્રાઝીલમાં વરસાદ પડવાની આગાહીએ ખાંડની ફાટફાટ તેજીને થોડા વખત માટે બ્રેક મારી છે. આઈસીઈ રો સુગર માર્ચ વાયદો સોમવારે સાડાસાત મહિનાની 14.55 સેન્ટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ)ની ઊંચાઈએ હતો તે ગુરુવાર સુધીમાં 13.93 સેન્ટના તળિયે જઈને 14.25 સેન્ટ બોલાયો હતો. ડીસેમ્બર વ્હાઈટ સુગર પણ 3.40 ડોલર ઘટીને ટન દીઠ 383.70 ડોલર બોલાયો હતો.  
બ્રાઝિલે ઓક્ટોબર વાયદામાં 26.13 લાખ ટન વિક્રમ સુગર ડીલીવરી ઉતારી હતી. એને માટે એવો ખુલાસો અપાય છે કે એક તરફ બજારમાંથી તેજીના સંકેત મળી રહ્યા હતા અને બીજી તરફ વેરહાઉસ ખાલી કરવા સુગરને બજારમાં ઉતારવી આવશ્યક હતી. બ્રાઝીલની સુગર મિલોએ ઇથેનોલને બદલે એકાએક ખાંડ બનાવવાનું નક્કી કરતાં સપ્ટેમ્બરનાં બીજા પખવાડીયામાં બ્રાઝીલનું ખાંડનું ઉત્પાદન ગતવર્ષના સમાન સમય કરતા 59 ટકા વધુ 28.6 લાખ ટન આવ્યું હતું.  
સુગર મિલોએ 14 ટકા વધુ 402.2 લાખ ટન શેરડીનું પીલાણ કર્યું હતું. બ્રાઝીલના યુનિકા ગ્રુપે કહ્યું હતું કે હવામાન એકાએક સૂકું થવા લાગવાથી કૃષિ પેદાશોની ઊપજ (યીલ્ડ) પર તેની અસર થવા લાગી. વર્તમાન સિઝનના ઉત્પાદનના અંતિમ તબક્કામાં બ્રાઝીલની ખાંડ મિલોની ખાંડ અને ઇથેનોલની  નિકાસમાં જબ્બર વધારો થયો હતો.  
બ્રાઝીલમાં હેકટર દીઠ સરેરાશ શેરડી ઊપજ ગતવર્ષથી 1.4 ટકા ઘટીને હેક્ટર દીઠ 71.97 ટન આવી હતી. થાઈલેન્ડ અને ભારતમાં ઉત્પાદન ધારણા કરતા ઓછું આવશે, તેવા અનુમાન વચ્ચે બ્રાઝીલે સપ્ટેમ્બરમાં રો સુગર નિકાસ, વર્ષાનુંવર્ષ 4203.6 લાખ ડોલરથી 111.3 ટકા વધુ 8883.લાખ ડોલર કરી હતી.  
વિલ્મર સુગરનાં એનાલીસ્ટનું કહેવું છે કે કોરોના મહામારી અને લોકડાઉનને પગલે ભારત જેવા મહત્વના વપરાશકાર દેશમાં માગ ઘટતાં ભાવ ઘટવાની સંભાવના વધી છે. વધુમાં ભારતની 2021-22ની નવી મોસમની રાહતદરની  નિકાસનીતિ અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. આ નીતિ જાહેરાત કદાચ નવેમ્બર સુધી લંબાઈ શકે છે. બ્રાઝીલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેના લીધે 2020-21ના શેરડી પાકની ચિંતામાં કૈંક અંશે ઘટાડો કરે છે. 
આ તરફ ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઈસ્મા)એ 2020-21ના દેશના ખાંડ ઉત્પાદનનો પ્રાથમિક અંદાજ, 2019-20ની મોસમના 272 લાખ ટનથી 12 ટકા વધુ 305 લાખ ટન મુકયો છે. એકલા ઉત્તર પ્રદેશના ઉત્પાદનનો અંદાજ 123 લાખ ટન મુકવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું શેરડી અને ખાંડ ઉત્પાદક રાજ્ય છે. 2019-20માં ત્યાં 126.5 લાખ ટન ખાંડ બની હતી, જે ભારતના 272 લાખ ટનના કૂલ ઉત્પાદનના 45 ટકા હતી.  
ભારત જેવા એશિયન દેશોમાં ખાંડ એ ખોરાકનો મહત્વનો ઘટક ગણાય છે, તેનાથી વિપરીત અમેરિકામાં ખાંડના ઉપયોગ બાબતે સાવધાની વધી છે. મહારાષ્ટ્રની ખાંડ મિલોએ ગુરુવારથી નવી મોસમનું શેરડી પીલાણ શરુ કર્યું છે. આ વર્ષે મહારાષ્ટ્ર ખાંડનું ઉત્પાદન વધુ નહિ કરે, તેણે 104 કરોડ લિટર ઇથેનોલ ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer