જીપીએસસી પરીક્ષાઓ મોકૂફ, તબીબોને તાત્કાલિક હાજર થવા ફરમાન
અમદાવાદ, વડોદરા, તા. 20 નવે.
રાજ્યની મોટા ભાગની હોસ્પિટલોમાં કોવિડ-19 બેડ ફુલ થઇ ગયા છે. આરોગ્ય કમિશન દ્વારા તમામ બોન્ડેડ એમબીબીએસ ડોક્ટરોને ફરજ પર હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. જો બે દિવસમાં તમામ તબીબો ફરજ પર હાજર ન થાય તો એપિડેમિક એક્ટ અંતર્ગત તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે ખૂબ જ સ્ફોટક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 1800 જેટલા ગંભીર દર્દીઓને હોસ્પિટલની જગ્યાએ ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. મોટા ભાગના શહેરોમાં કોરોના મહામારીની પરિસ્થિતિ ખુબ જ વણસી રહી છે, જેના કારણે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામકાજ કરવાનું શરૂ કરી દીધું છે.
વડોદરા શહેરમાં ફરીથી કોરોના ધીમી ગતિએ માથું ઉચકી રહ્યો છે ત્યારે કેટલાક જિલ્લાઓમાં ફરીથી લોકડાઉન લાગુ થવાની વાત વહેતી થતાં હજારોની જનમેદની જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા બજારોમાં ઉમટી પડી છે. શુક્રવારે વડોદરાના સૌથી મોટા શાકભાજી બજાર ખંડેરાવ માર્કેટમાં હજારોની જનમેદની શાકભાજીની ખરીદી કરવા ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડી રહ્યા હતા. તો કેટલાક લોકો તો જાણે કોરોના જેવું કંઈ હોય જ નહિ તેમ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભૂલી ખરીદી કરવામાં મસ્ત બન્યા હતા. વેપારીઓ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવાની સલાહ આપી કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરવાનો આગ્રહ કરી રહ્યા છે. પરંતુ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકવાની સાથે નાનાં-નાનાં બાળકોને પણ ખરીદી કરવા માટે સાથે લાવીને તેમના માટે પણ સંક્રમણનું જોખમ ઊભું કરી રહ્યા છે.
દરમ્યાન સરકારી નોકરી ઈચ્છુક યુવાનોને મોટો ફટકો પડી રહ્યો છે. સરકારી નોકરીઓ માટેની પરીક્ષાની તારીખ વારંવાર પાછી ઠેલાઈ રહી છે. અગાઉ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ની પરીક્ષા માર્ચ, એપ્રિલ, અને મેમાં મોકૂફ રાખવામાં આવી હતી. સામાન્ય રીતે, અગાઉ એપ્રિલ, મે અને જૂન મહિના બાદ હવે 22, 24, 26, 28, 29 નવેમ્બરની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ
કરવામાં આવશે.
સુરતમાં પણ સંક્રમણે સકંજો કસ્યો છે. પોલીસ કમિશ્નરે મોડી સાંજે કરેલી જાહેરાત મુજબ ફરવા માટે લોકપ્રિય ગણાતા બીચ ડુમ્મસ અને સુવાલીને સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.