રસીના આગમનનાં એંધાણથી ક્રૂડતેલમાં ઝડપી સુધારો

રસીના આગમનનાં એંધાણથી ક્રૂડતેલમાં ઝડપી સુધારો
સિંગાપોર, તા. 27 નવે.

કોરોનાની ત્રીજી રસીના પરીક્ષણમાં નોંધપાત્ર સફળતાને પગલે ક્રૂડતેલની માગમાં સુધારાની આશાએ તેના ભાવ માર્ચ પછીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પે સત્તાંતરણની પ્રક્રિયામાં સહકાર આપવાની તૈયારી બતાવી તેથી સુધારાને બળ મળ્યું હતું.

બુધવારે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 45 સેન્ટ વધીને 46.51 ડૉલર અને અમેરિકન ડબ્લ્યુટીઆઈ વાયદો 46 સેન્ટના સુધારે 43.52 ડૉલર થયો હતો. ગત સપ્તાહે તેલની બંને જાતોના વાયદામાં પાંચ ટકાનો ઉછાળો જોવાયો હતો. `કોરોનાની રસીના સંશોધન ને વિતરણના મોરચે થઈ રહેલી પ્રગતિ તેલ બજાર માટે પરિસ્થિતિ સામાન્ય બનાવવામાં સહાયક છે,' એમ એનાલિસ્ટ સ્ટીફન ઇન્સે જણાવ્યું હતું. `થોડા જ સમયમાં રસીના પ્રતાપે લોકો ક્રૂઝ જહાજોમાં અને વિમાનોમાં ફરતા થઈ જશે.'

એસ્ટ્રાઝેમેકાએ સોમવારે કહ્યું કે તેનાં પરીક્ષણોમાં કોરોનાની રસી 70 ટકા અસરકારક જણાઈ છે, જે પ્રમાણ વધીને 90 ટકા સુધી જઈ શકે છે. આ રીતે દુનિયાને કોરોનાની મહામારી સામે લડવા માટે ત્રીજું શત્ર મળ્યું છે જે બનાવવામાં સસ્તું, વહેંચવામાં આસાન અને ઉત્પાદન વધારવામાં ઝડપી હોઈ શકે છે.

અગાઉ ફાઇઝર/બાયોએન્ટેક અને મોડર્ના પોતાની રસીનાં પરીક્ષણોનાં પરિણામો ઉત્સાહજનક હોવાની જાહેરાત કરી ચૂક્યાં છે.

વાયદા બજારોમાં અનિશ્ચિતતા ઓછી કરે તેવી એક ઘટનામાં અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અધિકારીઓને વરાયેલા પ્રમુખ જૉ બાયડનને સત્તાનો હવાલો સોંપવાની તૈયારીમાં આગળ વધવાની પરવાનગી આપી હતી. તેમણે પોતાના હરીફને માહિતી અને નાણાં પૂરાં પાડવાની છૂટ આપી હતી, જોકે સાથોસાથ તેમણે ચૂંટણી પરિણામોને પડકારવાનું ચાલુ રાખવાની પણ જાહેરાત કરી હતી.

અમેરિકાના ક્રૂડતેલના અનામત  જથ્થામાં ગત સપ્તાહે થોડો ઘટાડો થયો હતો, જ્યારે ડિસ્ટીલેટ્સના સ્ટૉકમાં  સળંગ દસમા સપ્તાહે પણ વધારો નોંધાયો હતો એનું રાઇટરના એક સર્વેક્ષણમાં જણાયું હતું.

ઓપેક અને સાથી દેશોના તેલપ્રધાનોની આગામી સપ્તાહે મળનારી બેઠક અગાઉ ટેક્નિકલ બેઠકો યોજી રહ્યા છે તેના પર પણ બજારની નજર છે. આ વર્ષે કોરોનાનો બીજો તબક્કો અને નબળી માગને ધ્યાનમાં લઇને તેલનો ઉત્પાદન કાપ લંબાવવા વિશે ટેક્નિકલ બેઠકોમાં વિચારણા થઈ  રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer