સપ્ટેમ્બર 20 ત્રિમાસિકમાં વિકાસદર -7.5 ટકા

સપ્ટેમ્બર 20 ત્રિમાસિકમાં વિકાસદર -7.5 ટકા
અર્થતંત્ર મંદીમાં, પણ પરિસ્થિતિ બહુ ખરાબ નથી પીટીઆઈનવી દિલ્હી, તા. 27 નવે. : જુલાઈ-સપ્ટેમ્બર 2020 ત્રિમાસિકમાં ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં 7.5 ટકાનો  ઘટાડો નોંધાયો હતો. તે પહેલાં એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં જીડીપીમાં 23.9 ટકા ઘટાડો નોંધાયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે શુક્રવારે જીડીપીના આંકડા જાહેર કર્યા હતા.એક વર્ષ પહેલાં સમાન ત્રિમાસિકમાં જીડીપીમાં 4.4 ટકા વધારો નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના પહેલા છ મહિના એપ્રિલ-સપ્ટેમ્બરમાં જીડીપીમાં 15.7 ટકા ઘટાડો નોંધાયો હતો. એક વર્ષ અગાઉ આ જ સમયગાળામાં જીડીપીમાં 4.8 ટકા વધારો થયો હતો. જીડીપીમાં સુધારો આર્થિક પ્રવૃત્તિઓમાં આવેલો વેગ દેખાડે છે. એપ્રિલ-જૂન ત્રિમાસિકના આંકડા ઘણા નિરાશાજનક  હતા. તેની સામે બીજા ત્રિમાસિકના આંકડા પ્રોત્સાહક છે, એમ એક સરકારી અધિકારીએ કહ્યું હતું. અપેક્ષા અનુસાર આર્થિક વિકાસમાં સંકોચન ચાલુ રહ્યું છે પણ તેના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે જે આગામી દિવસોમાં વધુ સુધારો થવાના સંકેત આપે છે એમ તેણે ઉમેર્યું હતું. વિવિધ એજન્સીઓ અને નિષ્ણાતોએ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં જીડીપીમાં પાંચથી દસ ટકા સુધીના ઘટાડાનો અંદાજ મૂક્યો હતો. કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા માટે સરકારે માર્ચના અંત ભાગમાં દેશવ્યાપી લૉકડાઉન જાહેર કર્યુ તેની જીડીપી પર અસર નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિકમાં દેખાઈ હતી. ત્યાર બાદ ધીમે ધીમે લૉકડાઉન હળવું બનાવાયું અને તેને કારણે આર્થિક પ્રવૃત્તિઓમાં વેગ આવ્યો હતો. સતત બે ત્રિમાસિકમાં જીડીપીમાં ઘટાડો થવાને કારણે ભારત હવે ટેક્નિકલ દૃષ્ટિએ મંદીમાં આવી ગયું છે. સામાન્ય રીતે તેની અસર નીચે વિદેશી મૂડી રોકાણમાં ઓટ આવી શકે પણ અત્યારે વૈશ્વિક સ્તરે સમાન હાલત રહી હોવાથી આ વિષે ચિંતા કરવાનું બહુ કારણ નથી એમ નિષ્ણાતો માને છે. આપણે મંદીમાં છીએ પણ પરિસ્થિતિ બહુ ખરાબ નથી એમ કેટલાક નિષ્ણાતોએ કહ્યું હતું. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ ગ્રોસ વેલ્યુ એડિશનમાં 7.0 ટકા ઘટાડો થયો હતો. કૃષિ ક્ષેત્રમાં 3.4 ટકા વધારો જોવા મળ્યો હતો જયારે ખાણકામ ક્ષેત્રમાં 9.1 ટકાનો ઘટાડો રહ્યો હતો. મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રે 0.6 ટકા વધારો દેખાડ્યો હતો. બાંધકામ ક્ષેત્રમાં 8.6 ટકા અને સર્વિસીસમાં 11.4 ટકા ઘટાડો થયો હતો. ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ 2.1 ટકા ઘટાડો નોંધાયો હતો. આ ત્રિમાસિકમાં આખર વપરાશમાં 22.2 ટકા, ખાનગી વપરાશમાં 11.3 ટકા અને ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશનમાં 7.3 ટકા ઘટાડો થયો હોવાનું જણાયું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer