ટ્રકભાડાં વધતાં જીવનજરૂરી ચીજો 20 ટકા મોંઘી થશે

ટ્રકભાડાં વધતાં જીવનજરૂરી ચીજો 20 ટકા મોંઘી થશે
ડીઝલમાં ટૂંકાગાળામાં રૂ 20નો વધારો થતાં થયેલી અસર  
અનિલ પાઠક  
અમદાવાદ.તા.23 ફેબ્રુ.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર દેશના અન્ય રાજ્યોની સરાખામણીમાં ઓછામાં ઓછો વેટ ટેક્ષ હોવાથી આજે પણ આપણા રાજ્યમાં પેટ્રોલ -ડીઝલ 80 રૂપિયાથી  85એ લીટર વેચાઇ રહ્યું છે. પરંતુ ડીઝલના ભાવ 65-70થી  85 થવાથી ટ્રક ચાલકોએ પોતાના ક્રેઇટ ચાર્જીસ વધારી દેતા જીવનજરૂરી  વસ્તુઓના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થવાની પૂરેપૂરી શકયતા છે.  
અમદાવાદના અને  રાજ્યના પેટ્રોલ- ડીઝલના અગ્રણી વિક્રેતા રાજીવ પરીખનું માનવું છે કે પેટ્રોલ -ડીઝલના ભાવોમાં વધારો થયો હોવા છતાં આ બંને મુખ્ય પેટ્રોલીયમ  પ્રોડકટસના વેચાણમાં  
કોઇ ફેર પડયો નથી. રાજ્યના 6,000થી વધુ પેટ્રોલ પંપો પરથી આજે પણ રોજનું 100 કરોડનું પેટ્રોલ અને લગભગ 200 કરોડનું ડીઝલ વેચાઇ રહ્યું છે.  
પેટ્રોલ ડીલરોનું માનવુ છે કે કોરોના કાળ અગાઉ પેટ્રોલ-ડીઝલના વેચાણમાં જે 8 થી 10 ટકાનો ગ્રોથ જળવાઇ રહેતો હતો તે છેલ્લા 10-11 મહિનાથી બંધ થઇ ગયો છે અને હવે જ્યારે સંક્રમણ ઘટી જશે અને લોકો અગાઉની જેમ વાહનો, બસો લકઝરી બસોનો ઉપયોગ વધારશે એવી જ રીતે વધુને વધુ માલનું ટ્રકો વહન કરશે તો ગ્રોથ વધશે.  
રાજ્યમાં ડીઝલના ભાવો વધતાં તેની દુરોગામી અસર થવાની જ છે. શાકભાજીથી માંડીને ટ્રકોના માલિકો વધેલા ભાવોની વસુલી વ્યાપારીઓ પાસેથી જ કરશે અને તેઓ ઉપભોકતાઓને માથે આ ભાર નાખશે તે સીલસીલો વર્ષોથી ચાલે  છે તેમ આ સમયે પણ થશે.  
કેન્દ્રની મોદી સરકારે જીવન જરૂરી વસ્તુઓ ખાસ કરીને ઘઉં, ચોખા, દાળોના ભાવોને અંકુશમાં રાખવા જે અસરકારક પગલા ભર્યા છે તેનાથી છેલ્લા ઘણા વર્ષોમાં આ બાબત કોઇ હોબાળો મચ્યો નથી અને તે ખરેખર પ્રશંસનીય કામગીરી કહી શકાય. વિરોધ પક્ષ કોંગ્રેસને આ બાબત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇ તક આપી નથી અને હવે તેઓએ ખેડૂતોને પોતાનો હાથો બનાવ્યો છે જેમાં હજુ કોઇ સફળતા મળી નથી.  
અમદાવાદથી મુંબઇ ચોખા ભરીને જતી ટ્રકનો માલીક ભાવ વધ્યા તે અગાઉ રુ. 17,000માં ફેરો મારતો હતો પરંતુ હવે આ ફેરો રુ.20,000નો થઇ ગયો છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થશે તેનું આ એક દ્રષ્ટાંત છે લગભગ ટ્રાન્સપોર્ટ સેકટર ડીઝલના ભાવો વધતા તેનો ભાર ઉપભોકતા પર નાખતા ખચકાશે નહી તે નક્કી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer