રિલાયન્સ ઇન્ડ. અૉઇલ, કેમિકલ્સ બિઝનેસને અલગ પાડશે

રિલાયન્સ ઇન્ડ. અૉઇલ, કેમિકલ્સ બિઝનેસને અલગ પાડશે
નવી સબસિડિયરીમાં આરમાકો 20 ટકા શૅર હિસ્સો ખરીદશે
એજન્સીસ  
મુંબઈ, તા. 23 ફેબ્રુ.
 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના અૉઇલ ટુ કેમિકલ્સ (ઓટુસી) બિઝનેસને એક સબસિડિયરી કંપનીમાં ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે. આ નવી સબસિડિયરી રિલાયન્સ ઓટુસી લિમિટેડમાં રિલાયન્સ 100 ટકા મૅનેજમેન્ટ કંટ્રોલ રાખશે એમ પણ કંપનીએ કહ્યું હતું.  
કંપનીનું પ્રમોટર જૂથ નવી વ્યવસ્થામાં ઓટુસી બિઝનેસમાં 49.14 ટકા શૅર ધરાવવાનું ચાલુ રાખશે અને કંપનીના શૅરહોલ્ડિંગ માળખામાં કોઈ ફેરફાર નહિ થાય એમ તેણે મંગળવારે એક્સ્ચેન્જ નોટિફિકેશનમાં કહ્યું હતું.  
ઓટુસીની વર્તમાન અૉપરાટિંગ ટીમ બિઝનેસ ટ્રાન્સફર બાદ નવી સબસિડિયરીમાં જશે, પણ આવક અને કેશ ફ્લો યથાવત રહેશે એમ પણ કંપનીએ જણાવ્યું હતું.  
રિફાઇનિંગ, માર્કાટિંગ અને  પેટ્રો કેમિકલ્સની તમામ એસેટ્સ આ નવી સબસિડિયરીમાં જશે.  
આ પગલાંને પરિણામે સ્ટ્રેટેજિક ભાગીદારીથી મૂલ્ય વધારો થશે. તેમાં સાઉદી આરામ્કો સાથેની  ભાગીદારીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત મૂડી રોકાણ પણ આકર્ષક બનશે. કંપનીએ કહ્યું હતું કે આરામ્કો સાથેની વાતચીત ચાલુ છે. આરામ્કો  વિશ્વની સૌથી મોટી ક્રૂડ અૉઇલ નિકાસકાર કંપની છે અને રિલાયન્સના ઓટુસી બિઝનેસમાં 20 ટકા સુધીનો હિસ્સો લેવાની પ્રક્રિયામાં છે.  
રિલાયન્સે ઓટુસી બિઝનેસને 25 અબજ ડૉલરની લોન આપી  છે.  એસબીઆઈના એક વર્ષના એમસીએલઆર સાથે સંલગ્ન ફ્લાટિંગ રેટ પ્રમાણે આ લોન પર વ્યાજ ચૂકવાશે. સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટરો આવે એ પછી લોન પરત કરાશે.  
આ ફેર વ્યવસ્થા માટે સેબી અને સ્ટૉક એક્સ્ચેંજોની મંજૂરી મળી ગઈ છે. જોકે, ઇકિવટી શૅરહોલ્ડરો, ક્રેડિટરો, આવક વેરા ખાતું અને મુંબઈ અને અમદાવાદની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરી મેળવવાની બાકી છે એમ કંપનીએ કહ્યું હતું.  
બધી મંજૂરીઓ  નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિકમાં એટલે લગભગ છ મહિનામાં મળી જવાની અપેક્ષા કંપની રાખે છે.  નવી વ્યવસ્થા અમલી બને એ પછી રિલાયન્સ રિટેલમાં આરઆઈએલનો શૅર હિસ્સો 85.1 ટકા અને જીઓ પ્લૅટફૉર્મમાં 67.3 ટકા રહેશે.  
નવી સબસિડિયરીમાં ફ્યુએલ રિટેલ સબસિડિયરી પણ સમાવી લેવાશે જેમાં આરઆઈએલનો શૅર હિસ્સો 51 ટકા અને બીપીનો હિસ્સો 49 ટકા છે.  
2035 સુધીમાં નેટ કાર્બન ઝીરોના લક્ષ્યાંકને પૂરો કરવા માટે કંપની અને નવી સબસિડિયરી કામ કરશે. એ માટે અદ્યતન ટેક્નૉલૉજીમાં રોકાણ કરવામાં આવશે જે કાર્બન ડાયોક્સાઇડને રાસાયણિક અને અન્ય ઉત્પાદનોમાં ફેરવી શકે. પારંપરિક કાર્બન ફ્યુએલથી હાઇડ્રોજન વ્યવસ્થા તરફ જવામાં ઝડપ મળશે એમ પણ કંપનીએ કહ્યું હતું.  
કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ પરિસ્થિતિ, મૂડી ખર્ચ, દેવું અને રાટિંગ પર આ પગલાંની કોઈ અસર નહિ પડે એમ કંપનીએ કહ્યું હતું. પુનર્રચનાને કારણે રિલાયન્સને તેનો 20 ટકા હિસ્સો આરામ્કોને વેચવામાં આસાની રહેશે એમ એક નિરીક્ષકે કહ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer