કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા દર્દીઓને વિવિધ સહાય કાર્ય વેગવાન બન્યાં

રિલાયન્સ, અદાણી, જીએનએફસી, ઇસ્કોન વગેરે જૂથ સેવા માટે મેદાનમાં 
અમારા પ્રતિનિધિ તરફથી  
 અમદાવાદ, તા.4 મે 
કોરોના મહામારીરૂપી આભ ફાટ્યું છે ત્યારે એના ઉપર તત્કાળ કાબૂ મેળવવો સરકાર માટે મુશ્કેલ બન્યો છે  ઓક્સિજન, ડોક્ટર, દવા અને મેડિકલ સુવિધા બધાને પહોંચાડવાનું કામકાજ કપરું છે આવા સમયે ગુજરાતના મોટાં ઉદ્યોગો સરકારની વહારે આવ્યા છે. ઉદ્યોગો સરકારને શક્ય તેટલી સહાય કરી રહ્યા છે. 
અમદાવાદમાં આખા રાજ્યમાં સૌથી વધુ કેસ આવે છે. આવા સંજોગોમાં અદાણી ફાઉન્ડેશન દવારા અમદાવાદ અદાણી વિદ્યામંદિર ખાતે કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવનાર છે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડોક્ટર પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે અમે એક જવાબદાર ગ્રુપ તરીકે કટોકટીમાં લોકોને મદદરૂપ થવા હોસ્પિટલ ઉભી કરવાનું નક્કી કર્યું છે. મકરબા ખાતે આવેલા અદાણી વિદ્યા મંદિરમાં કામચલાઉ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. આમ 200 બેડ રાખવામાં આવશે અને   ઓક્સિજન સહિતની સુવિધા સાથે હશે.   
આર્સેલર મિત્તલ હજીરા સ્ટીલ પ્લાન્ટની અંદર 200 બેડની હોસ્પિટલ શરુ કરવા જઈ રહ્યા છે. અહીં ઓક્સિજન ઉત્પાદનની ફેસેલિટી હોવાના કારણે  તાત્કાલિક સુવિધા મળી જશે.  
જામનગર ખાતે રિલાયન્સ દ્વારા હોસ્પિટલ ઉભી થવા જઈ રહી છે. કુલ 900 બેડ સાથેની હોસ્પિટલ કોરોનાના દર્દી માટે તમામ સુવિધાથી સજ્જ કરવામાં આવશે અને જલ્દીથી હોસ્પિટલ શરુ થાય તેની તૈયારી થઇ ચુકી છે. આ હોસ્પિટલમાં.  ઓક્સિજન, ઇન્જેક્શન સહિતની બધી સુવિધાઓ હશે. રિલાયન્સ દ્વારા શરુ થનારી હોસ્પિટલ જામનગર ઉપરાંત પોરબંદર, દ્વારકા અને જામનગર આસપાસના તાલુકાના દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.  
જીએનએફસીએ તો આ અગાઉ જ પોતાના પ્લાન્ટમાં ઓક્સિજન ઉત્પાદન પોતાના માટે નહિ પરંતુ વડોદરાના દર્દીઓ માટે અનામત રાખવાની શરૂઆત કરી દીધી છે અને દરરોજ 10 મેટ્રિક ટન ઓક્સિજન વડોદરા કલેક્ટરને આપે છે.  
ઇસ્કૉન ગ્રુપ દવારા રોજના 500 થી 700 ટિફિન રામ થાળના નામે હોસ્પિટલમાં કામ કરતા મેડિકલ સ્ટાફ, દર્દીઓ અને તેના સગાસંબંધીઓને આપવામાં આવે છે. ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટક જણાવે છે ગમે તેમ કરીને અમે આ મુસીબતમાં લોકોની સાથે ઉભા રહેવા માંગીએ છીએ અને મદદ કરવા માંગીએ છીએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer