નાણાં મંત્રાલય : જૂન ત્રિમાસિકમાં વિકાસદર ઘટવાની સંભાવના

નાણાં મંત્રાલય : જૂન ત્રિમાસિકમાં વિકાસદર ઘટવાની સંભાવના
કોરોનાની ત્રીજી લહેરની તીવ્રતા ઓછી હશે 
પીટીઆઈ                         
નવી દિલ્હી, તા. 7 મે
કોરોનાની બીજી લહેરથી એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં આર્થિક વિકાસ સામે જોખમ ઊભું થયું હોવાનું નાણાં મંત્રાલયે સ્વીકાર્યું છે. જોકે, તેણે કહ્યું છે કે બીજી લહેરની આર્થિક અસર પહેલી લહેર કરતાં ઘણી ઓછી હશે.
નાણાં મંત્રાલયના આર્થિક બાબતો વિશેના વિભાગે એપ્રિલ માટેની આર્થિક સમીક્ષામાં કહ્યું છે કે કોરોનાની બીજી લહેરમાં રોજના નવા કેસો, મૃત્યુની સંખ્યા અને સંક્રમણના પ્રમાણમાં તીવ્ર વધારો થયો છે અને તે આર્થિક વિકાસ માટે જોખમરૂપ છે.
સંક્રમણને કારણે સ્થાનિક અથવા રાજ્ય સ્તરે નિયંત્રણો મુકાતાં પ્રથમ (એપ્રિલ-જૂન) ત્રિમાસિકમાં આર્થિક વિકાસ ઘટવાનું જોખમ છે.
જોકે, બીજી લહેરની આર્થિક અસર પહેલી લહેર જેટલી સખત નહીં હોય કે લોકોએ કોરોના સાથે જીવતા શીખી લીધું છે.
કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલમાં આર્થિક પ્રવૃત્તિ મંદ પડી હતી, પરંતુ કૃષિ ક્ષેત્ર કાળા વાદળમાં રૂપેરી કોર જેવું છે. ચોમાસું સામાન્ય રહેવાની આગાહીને પગલે આવતા વર્ષે પણ અનાજનું વિક્રમ ઉત્પાદન થવાની આશા બંધાઈ છે. એપ્રિલમાં ટ્રેકટરોના વેચાણમાં એપ્રિલ, 2020ની સરખામણીમાં 172 ટકાનો અને એપ્રિલ, 2019ની સરખામણીમાં 36 ટકાનો વધારો નોંધાયો હતો.
ઔદ્યોગિક ઉત્પાદનમાં મિશ્ર વલણ જોવા મળે છે. ફેબ્રુઆરી, 2021માં ઔદ્યોગિક ઉત્પાદનમાં વર્ષાનુવર્ષ 3.6 ટકાનો અને માસિક ધોરણે 3.9 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે આઠ ચાવીરૂપ ઉદ્યોગોના ઉત્પાદનમાં માર્ચ, 2021માં વર્ષાનુવર્ષ 6.8 ટકાનો અને ફેબ્રુઆરી, 2021ની સરખામણીમાં 11.1 ટકાનો વધારો નોંધાયો હતો.
એપ્રિલ, 2021માં રૂા. 17.36 લાખ કરોડના ઈ-વે બિલ્સ ઈસ્યૂ થયા હતા, જે એપ્રિલ, 2020ના રૂા. 3.9 લાખ કરોડ અને એપ્રિલ, 2019ના રૂા. 14.8 લાખ કરોડથી ક્યાંય વધારે છે.
માર્ચ, 2021 ત્રિમાસિકમાં કંપનીઓના વેચાણમાં 12.5 ટકાનો અને નફામાં 9.5 ટકાનો વધારો થયો હતો, જે મેન્યુફેકચરિંગ ક્ષેત્રે પરિસ્થિતિ સુધરી રહી હોવાનું દર્શાવે છે. જોકે, તેલ અને ધાતુઓના ભાવમાં વધારો થવાથી જથ્થાબંધ ભાવાંકનો ફુગાવો 7.39 ટકાની આઠ વર્ષની ટોચે પહોંચ્યો હતો. બે વર્ષમાં પ્રથમ વાર તે ગ્રાહક ભાવાંકના ફુગાવાને ઓળંગી ગયો હતો. જોકે, આગળ જતાં ચોમાસું સામાન્ય રહેવાની અને ખાદ્યપદાર્થોનો પુરવઠો વધવાની આગાહીને પગલે ભાવવધારામાં રાહત મળવાની આશા છે.
કોરોનાને કારણે શૅરબજારનું સેન્ટિમેન્ટ નબળું પડયું હતું. એપ્રિલમાં નિફટીમાં 0.4 ટકાનો અને સેન્સેક્ષમાં 1.5 ટકાનો ઘટાડો થયો હતો. વિદેશી રોકાણકારોએ 1.18 અબજ ડૉલરની મૂડી પાછી ખેંચી લેતા ડૉલર સામે રૂપિયો 2.3 ટકા ઘટીને રૂા. 74.51 થયો હતો.
જોકે, ઘરઆંગણે નાણાકીય પરિસ્થિતિ સંતોષજનક છે. રિઝર્વ બૅન્કે બોન્ડ ખરીદી મારફત 2020-21માં રૂા. 3.17 લાખ કરોડની રોકડ બજારમાં ઠાલવી હતી.
વિદેશ વેપારમાં નિકાસ કરતાં આયાતમાં વધુ ઘટાડો થવાથી 2020-21માં 2007-08 પછીની સૌથી ઓછી વેપારખાધ જોવા મળી હતી. દવા અને ઔષધ ઉદ્યોગે ઉજ્જવળ નિકાસ કામગીરી બજાવી હતી, જ્યારે સોનાની આયાતમાં જંગી ઘટાડો થયો હતો.
નાણાં મંત્રાલયે કહ્યું છે કે કોરોના સામે રસીકરણ આશાનું કિરણ પૂરું પાડે છે. વૈશ્વિક રસીકરણનું પ્રમાણ બમણું થયું છે અને જ્યાં રસીકરણનું પ્રમાણ વધુ છે ત્યાં સંક્રમણનો દર ઘટયો છે.
કેન્દ્રની નાણાકીય સ્થિતિ વિશે મંત્રાલયનો અહેવાલ કહે છે કે ગયા વર્ષના ઉત્તરાર્ધથી આર્થિક પ્રવૃત્તિઓમાં ચેતન આવ્યું છે. કામચલાઉ અંદાજો અનુસાર 2020-21માં સીધા કરવેરાની આવક સુધારિત અંદાજો કરતાં 4.5 ટકા અને 2019-20ની આવક કરતાં પાંચ ટકા વધારે હતી. આડકતરા વેરાની આવક સુધારિત અંદાજો કરતાં 8.2 ટકા અને 2019-20ની આવક કરતાં 12.3 ટકા વધારે હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer