જૂનના અંતે પડશે વાવણીલાયક વરસાદ

ચોમાસું 12 આની રહેવાની આગાહી  
જૂનાગઢ, તા. 8 જૂન 
ચોમાસું ચાલુ વર્ષે 12 આની વરસાદ લાવશે તેવી પૂર્વધારણા પરંપરાગત અને પ્રાચીન પધ્ધતિઓથી ભાવિ ભાખનાર નિષ્ણાતોએ બાંધી છે. જૂનાગઢમાં વર્ષાવિજ્ઞાન મંડળ દ્વારા યોજાયેલી ઓનલાઇન બેઠકમાં   જૂનના અંતે સર્વત્ર વાવણીલાયક વરસાદ પડશે તેવી અને ઓગસ્ટમાં વાયરૂ  અને નવેમ્બરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે વરસાદ અંગે આગાહી કરતા સેમીનારનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાને લીધે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યો અને પ્રાચિન સંસ્કૃતિના આધારે આ વર્ષે ચોમાસાના વરસાદ અને વર્ષ કેવું રહેશે તેની આગાહી કરનારા કુલ 39 જેટલા આગાહીકારો જોડાયા હતા. 
જેમણે વર્ષ દરમિયાન ભડલીવાક્ય, પશુ-પક્ષીઓની ચેષ્ટા, હોળીની ઝાળ, આકાશી કસ, કસમાં ગર્ભ, અખાત્રીજનો પવન, વૃક્ષોમાં ફૂલની ગતિવિધિઓ, ગ્રહ નક્ષત્રના આધારે કરેલા અવલોકનો રજૂ કર્યા હતા. તેમાં મોટાભાગનાં આગાહીકારોએ આ ચોમાસું 12 આની રહેવાનું તારણ કાઢ્યું હતું.  
ઉપરાંત ઓગસ્ટ માસમાં વાયરૂ તેમજ નવેમ્બર માસમાં માવઠાની આગાહી કરી હતી તેમજ  વર્ષે પાછોતરો વરસાદ ન હોવાનું તારણ કાઢ્યું હતું. આ આગાહીકારોના તારણ ઉપરથી આવી રહેલું ચોમાસુ નબળું રહેશે તેમ મનાય છે. કૃષિ યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, ગત વર્ષે 35 આગાહીકારોએ ભાગ લીધો હતો અને તેમાં 63 થી 93 ટકા આગાહી સાચી ઠરી હતી પરંતુ સઘળો આધાર મોસમ ઉપર છે. 
સૌરાષ્ટ્રના આગાહીકારો પ્રાચીન સંસ્કૃતિની પરંપરા પ્રમાણે વિવિધ મુદ્દે આગાહી ચોમાસા અંગે અવલોકન કરે છે. તેમાં ક્યારેક સાચા પડે છે તો ક્યારેક ખોટા પણ હોય છે પરંતુ 39 આગાહીકારોએ વર્ષ 12 આની ગણાવ્યું છે તે સૂચક મનાય છે. 
વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા દર વર્ષે સેમિનાર યોજી આગામી વર્ષ કેવું રહેશે તેનું આગાહીકારો પાસેથી મેળવેલ અવલોકનના આધારે કિસાનોને સતર્ક કરવામાં આવે છે પરંતુ વરસાદ અને વર્ષ ઇશ્વરની ભેટ છે તેને કોઇ ઓળખી શકતું નથી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer