ત્રિપુરામાં વાંસનાં ફર્નિચર, રબર અને ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઊજળી તક

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોએ ત્રિપુરામાં ધંધાની તકો શોધી  
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 23 જુલાઇ 
હીરા અને કાપડનો મોટો ઉદ્યોગમાં સુરતમાં ફૂલ્યો-ફાલ્યો છે. છતાં સુરતનાં ઉદ્યોગકારો અન્ય ધંધામાં રોકાણ કરવા માટે વિશેષ તક શોધી રહ્યા છે. પૂર્વના રાજ્ય ત્રિપૂરાના અગરતલામાં રોકાણની વિશષ તકો હોવાનું સ્થાનિક ઉદ્યોગકારોનું માનવું છે.કેટલાક ઉદ્યોગકારોએ હાલમાં જ દક્ષિણ ગુજરાત ચેમ્બરના નેજા હેઠળ ચાર દિવસની ત્રિપૂરાની મૂલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન ત્રિપૂરામાં રબર પ્રોસેસીંગ, ફૂડ પ્રોસેસીંગ, વાંસના ફર્નિચર સહિતના ધંધામાં રોકાણની વિશેષ તકો હોવાની જાણકારી મેળવી છે.  
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયા જણાવે છે કે, ચેમ્બરના નેજા હેઠળ ગત અઠવાડીયે વેપારી પ્રતિનિધિ મંડળ અગરતલા, ત્રિપુરાની મુલાકાતે ગયુ હતુ.  કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના પ્રયાસો થકી ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેબ અને સાથે સંવાદસેતુ જોડાયો હતો અને મુલાકાતનું આયોજન કરાયું હતું.   
ટી એસ્ટેટ, મેગા ફુડ પાર્ક, ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, હેન્ડલુમ હેન્ડીક્રાફટ કલ્સ્ટર, બામ્બુ પ્રોસેસીંગ અને ફર્નીચર મેકીંગ યુનિટ, રબર પ્રોસેસીંગ યુનિટ, ફુડ પ્રોસેસીંગ યુનિટ, અગરવુડ પ્લાન્ટેશન, બામ્બુ વિલેજ, ટુલ રૂમ વિગેરેની પણ મુલાકાત લઈ ઇન્ડસ્ટ્રી અને તેમાં ઉપલબ્ધ વિવિધ તકોની માહિતી મેળવી હતી.  
ત્રિપુરા ગયેલા વેલજી શેટા જણાવે છે કે,  રાજ્યમાં અગરવુડના વૃક્ષ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વૃક્ષમાં ઈન્ફેકશન લાગતા તે એક પ્રકારના એન્ટીબોડીઝ બનાવવાનું ચાલુ કરે છે અને 3–4 વર્ષના સમયગાળા બાદ આ વૃક્ષને પ્રોસેસ કરી તેમાંથી ચીપ્સ અને ઓઈલ કાઢવામાં આવે છે. ચીપ્સ ધુપ તરીકે અને ઓઈલ પરફયુમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આ વૃક્ષનો ઉપયોગ દવામાં પણ કરી શકાય છે. હાલમાં આ ચીપ્સ અને ઓઈલનું એક્ષ્પોર્ટ બંધ છે પણ ટુંક સમયમાં સરકાર આ માટેની પોલીસી જાહેર કરશે.  
ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દિપક શેટા જણાવે છે કે, ત્રિપુરા ત્રણ તરફથી બાંગ્લાદેશ બોર્ડરથી જોડાયેલું છે. બાંગ્લાદેશનું પોર્ટ ત્રિપુરા બોર્ડરથી અંદાજે 70 કી.મી. દુર છે. બંને દેશો વચ્ચે કરાર થઈ ચુકયા છે અને 'મૈત્રી' બ્રિજનું કાર્ય ચાલી રહયુ છે. આ બ્રિજ બન્યા બાદ તથા ઈન્ટરનેશનલ ચેક પોસ્ટ બન્યા પછી સુરત ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી કે જેમાં સ્ટીચીંગનું ખુબજ મોટું કામ બાંગ્લાદેશમાં થાય છે તે બંને દેશો વચ્ચે વ્યવસાયની વધુ તકો ઉપલબ્ધ થશે. 
 ફુડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મનહર સાંસપરા જણાવે છે કે, ત્રિપુરામાં પાઈનેપલ, લીચી, જેકફ્રુટ જેવા ફળો ખુબ જ મોટા પ્રમાણમાં થાય છે અને તેની ગુણવત્તા પણ ખુબજ સારી છે, પરંતુ ટ્રાન્સપોર્ટના વિકલ્પ મર્યાદિત હોવાથી આ ફળોનો ઉપયોગ પુરતો થઈ શકતો નથી. ત્યાં પ્રોસેસીંગ માટે ઉજળી તક છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer