રાશિ અને નક્ષત્રો પ્રમાણે વૃક્ષોનાં વન બનશે

પીપળો, આમળા, ઉબરો, ખેર, વડ, કંદબ, લીમડો, નાગ કેશર, અર્જુન સાદડ વગેરે વૃક્ષો ઉગાડાશે 
અમારા પ્રતિનિધિ  તરફથી 
વડોદરા,તા. 23 જુલાઇ 
વૃક્ષોના વાવેતર, સંવર્ધન, રક્ષણ અને વૃક્ષ નીચે બેસીને સાધના પણ કરી શકાય છે. જેનો ઉલ્લેખ પૌરાણિક શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. જે બાબતને અનુસરીને વડોદરા વન વિભાગ દ્વારા ખાસ રાશિઓ અને નક્ષત્રોના સ્થાન મુજબ પીપળો, આમળા, ઉબરો, ખેર, વડ, કંદબ, લીમડો, નાગ કેશર, અર્જુન સાદડ વગેરે વૃક્ષોનું વાવેતર કરી રાશિ વન અને નક્ષત્ર વન તૈયાર કરવામાં આવી રહ્યા છે. 
મદદનીશ વન સંરક્ષક એમ.એમ. રાજ્યગુરૂ કહે છે કે, લોકો ખાસ વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે પ્રેરિત થાય તે માટે પૌરાણિક શાસ્ત્રો મુજબ રાશિઓ અને નક્ષત્રના સ્થાનના આધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે. આ પ્રકારના રાશિ વન અને નક્ષત્ર વન વડોદરા શહેર આટલાદરા ખાતેના સ્વામિ નારાયણ મંદિરની જગ્યામાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. જિલ્લાકક્ષાના વન મહોત્સવની વેળાએ તેનો પ્રારંભ કરવામાં આવશે. 
રાજ્યગુરૂ જણાવે છે કે, સમગ્ર નભમંડળને 12 રાશિઓઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. દરેક રાશિઓ એટલે તમામ રાશિઓના કુલ 9 ચરણનો સમાવેશ થાય છે. રાશિઓમાં રહેલા નક્ષત્ર કે તારાઓના કાલ્પનિક બિંદુઓ દ્વારા જે આકાર રચાય છે, તેના આધારે રાશિઓઓના નામ આપવામાં આવ્યાં છે. જે મોટાભાગે પ્રાણીઓના આકાર પ્રમાણે છે. શાસ્ત્રોમાં દરેક રાશિઓના આરાધ્ય વૃક્ષો પણ સૂચવવામાં આવ્યા છે. જે તે વ્યક્તિની જન્મ રાશિઓ પ્રમાણે વૃક્ષની વાવણી, સંવર્ધન અને રક્ષણ શુભ ગણવામાં આવે છે. 
ભારત વર્ષમાં વક્ષોની ઉપાસનાનું મહત્વ રહ્યુ છે. જેને આપણે વિવિધ સ્વરૂપ અને વિવિધ પદ્ધતિઓ વડે અનુસરીએ છીએ. તેમા વૃક્ષ ઉપાસના પદ્ધતિનો સમાવેશ થાય છે. આપણી રાશિઓ નક્ષત્ર અને દરેક ગ્રહોનું એક આરાધ્ય વૃક્ષ નક્કી કરવામાં આવ્યું છે. તે  મુજબ જે નક્ષત્રમાં વ્યક્તિનો જન્મ થયો હોય તે મુજબ તેના આરાધ્ય વક્ષને રોપી તેની પૂજા કરે તો તેના સારા પરિણામો પ્રાપ્ત થાય છે. વૃક્ષ પૂજન એ ઈશ્વર પૂજનનું એક માધ્યમ હોય શકે છે. તેના કારણે આ પરિકલ્પના કરવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer