વેપારીઓને રસીકરણ માટે રવિવારે શહેરોમાં ખાસ કેમ્પ

1800 સેન્ટર ઉપર અપાશે કોરોના વૅક્સિન
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ,તા. 23 જુલાઇ 
31 જુલાઈ સુધીમાં રાજ્યના તમામ વેપારીઓને કોરોના પ્રતિરોધક રસી લઇ લેવાના સરકારના આદેશ પછી વેપારીઓમાં કચવાટ છે. કારણકે રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે વેપારીઓ ઈચ્છે તો પણ રસી લઈ શકતા નથી. આવા સંજોગોમાં સરકારે બાકી રહેલા વેપારીઓ માટે મેગા કેમ્પ યોજીને રસીકરણની કામગીરી પુરી કરવા જાહેરાત કરી છે. હવે રવિવારે વિશેષ કેમ્પ યોજવામાં આવશે. પ્રથમ કેમ્પ 25મીએ યોજાશે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત નાના મોટાં શહેરોમાં સરકારે વ્યવસ્થા ગોઠવી લીધી છે. 
ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એલાન કર્યું હતું કે આખા રાજ્યમાં આશરે 1800 કેમ્પ મારફત રસી આપવામાં આવશે અને બાકી રહેલા વેપારીઓનું રસીકરણ થશે.  આ તરફ રાજકોટમાં પોલીસ વિભાગ દ્વારા 31 જુલાઈ સુધીમાં વેક્સિનના જાહેરનામાને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે સરકારના રવિવારના વિશેષ કેમ્પની જાહેરાતથી વેપારીઓમાં ખુશી વ્યાપી ગઈ છે.  
મસ્કતી મહાજનના આગેવાન નરેશ શર્મા જણાવે છે કે 'અમે હંમેશા વેપારીઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે, જો કે રસીના અભાવે હજુ અનેક વેપારીઓ વંચિત છે, આવા સંજોગોમાં હવે રવિવારે જે રસી આપવા ખાસ કેમ્પ યોજવાનો સરકારે નિર્ણય લીધો છે તે આવકારદાયક છે.'  
જો કે એક વેપારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 'ખાસ કેમ્પ યોજાઈ ગયા પછી પણ તમામ વેપારીઓને રસી નહિ લાગી શકે, કારણકે સામાન્ય નાગરિકોને પણ વેક્સિન બાકી છે અને લોકો વેક્સીન સેન્ટર ઉપર લાઈન લગાવીને બેઠા છે. આવા સંજોગોમાં જો વેક્સીન નહિ લઇ શકનારા વેપારીઓ સાથે સખ્તાઈ વર્તવામાં આવશે તો મુસીબત થઈ શકે છે.' 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer