નકલી બાયોડીઝલના કારોબાર સામે સરકાર સફાળી જાગી

આયાતી કેમિકલ્સમાંથી બનતા નકલી ડીઝલથી પેટ્રોલ પમ્પ અને સરકારને બન્નેને નુક્સાન
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 23 જુલાઇ 
ડીઝલનો ભાવ 97 રૂપિયા ઉપર છે ત્યારે મોંઘા ડિઝલનો લાભ લેવા લેભાગુઓ સક્રિય થયા છે. ડિઝલ એક વર્ષમાં રુ. 25 કરતા વધારે મોંઘું થઇ જતા રાજ્યમાં પહેલા પણ ચાલતા અને હવે અત્યંત વધી ગયેલા નકલી ડિઝલ અર્થાત બાયોફ્યુલના વેચાણ સામે પોલીસ હરકતમાં આવી છે. બાયોફ્યુલના નામે રસાયણો વેંચતા તત્વોને ઝડપી લેવા માટે સઘન કાર્યવાહી થઇ રહી છે.   છેલ્લા 15 દિવસમાં આ અંગે 300 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.  
નકલી બાયોડિઝલ માટે પોલિસ દ્વારા હવે ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એમાં અસંખ્ય લોકો ઝડપાઇ પણ રહ્યા છે. છેલ્લાં ત્રણેક વર્ષથી કંડલા ખાતે આયાત થતા વિવિધ કેમિકલ્સ ભેળવીને આ પ્રકારે નકલી બાયોડિઝલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિયમ ડિલરોએ આ મુદ્દે અનેક વખત સરકારનું ધ્યાન દોર્યું છે. પરંતુ હવે રહી રહીને સરકારે પોલીસ વિભાગને આદેશ દીધો હોય કાર્યવાહી થઇ રહી છે. 
ડિઝલન પર સરકારને તોતીંગ વેટની આવક થઇ રહી છે. જોકે નકલી બાયોડિઝલને લીધે ડિઝલનું વેચાણ ઉંચકાતું નથી. પરિણામે સરકારની આવક પર પણ અસર થઇછે એ કારણે હવે સરકાર સક્રિય થઇ હોય એવું જણાય છે.  
તાજેતરમાં ખંભાત તાલુકાના વડગામ ખાતે આવેલી એક ફેક્ટરીમાં ગુજરાત એટીએસની ટીમે દરોડા પડ્યા હતા .વેસ્ટેજ ઓઈલના રી-રીફાઈનીંગની આડમાં ગેરકાયદેસર બાયોડીઝલ બનાવીને વેચવાના એક રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે કુલ 3,70,800 લીટર બાયોડિઝલ જપ્ત કરીને બે  શખ્સોની ધરપકડ પણ કરી છે. 
નકલી ડીઝલના કારણે ડિઝલના સત્તાવાર પંપોનાવેચાણને ફટકો પડી રહ્યો છે. બાયોડિઝલ બજારમાં ડિઝલની તુલનાએ લીટરે રુ. 15-20 જેટલું સસ્તું વેચવામાં આવે છે એ કારણે પેટ્રોલપમ્પ માલિકોને ચોખ્ખી નુકસાની વેચાણમાં જઇ રહી છે. અનેક પમ્પ આ કારણે બંધ પણ થઇ ગયા છે. વળી, સત્તાવાર બાયોડિઝલ વેચનારને પણ સમસ્યા થઇ રહી છે. સત્તાવાર બાયોડિઝલ સરકારે મંજૂર કરેલું છે અને ખાસ પ્રકારે બનાવવામાં આવતું હોય છે.  
કેન્દ્ર સરકારે વિદેશી હૂંડિયામણ બહુ ચૂકવવું ન પડે તે માટે બાયોડીઝલને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે પરંતુ નકલી બાયોડીઝલના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે અને સાથો સાથ વાહનોને પણ નુકસાન થાય છે. કચ્છમાં બાયો ડિઝલના નામે ભળતા કેમિકલ્સ વેચવાનો ધંધો અગાઉ પૂરપાટમાં ચાલતો હોવાનું પકડાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer