બૅન્કિંગ, ફાઈનાન્સ કંપનીઓના શૅરોમાં લેવાલીનું જોર યથાવત્

સેન્સેક્ષ 138, નિફ્ટી 32 પૉઈન્ટ્સ વધ્યો
વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 23 જુલાઈ
સતત બીજા દિવસે શૅરોમાં ધૂમ લેવાલી ચાલુ રહેતા સેન્સેક્ષ 138.59 પોઈન્ટ્સ (0.26 ટકા) વધીને 52,975.80ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 32 પોઈન્ટ્સ (0.20 ટકા) વધીને 15,856ના સ્તરે બંધ રહ્યો હતો. 
આજે બજારમાં કુલ 1534 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, 1644 કંપનીઓના શૅર ભાવ ઘટયા હતા, જ્યારે 115 કંપનીઓના શૅર ભાવ સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં આઈસીઆઈસીઆઈ બૅન્ક, આઈટીસી, વિપ્રો, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના શૅર ભાવ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે તાતા મોટર્સ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, એલએન્ડટી, અદાણી પોર્ટ્સ અને ટેક મહિન્દ્રના શૅર ભાવ સૌથી અધિક ઘટયા હતા. 
વ્યાપક બજારમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યા હતા. 
નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં ફક્ત અૉટો સૂચકાંક 0.34 ટકા અને મીડિયા સૂચકાંક 0.98 ટકા ઘટાડે બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટી બૅન્ક 1.03 ટકા, ફાઈ સર્વિસ 0.68 ટકા, એફએમસીજી 0.81 ટકા, આઈટી 0.38 ટકા, મેટલ 0.09 ટકા, ફાર્મા 0.15 ટકા, પીએસયુ બૅન્ક 0.74 ટકા, પ્રાઈવેટ બૅન્ક 0.89 ટકા અને રિયલ્ટી સૂચકાંક 1.29 ટકા વધારે બંધ રહ્યા હતા. 
જેએસડબ્લ્યૂ સ્ટીલ જૂન ત્રિમાસિકમાં ખોટમાંથી નફામાંથી આવતા કંપનીનો શૅર બીએસઈમાં 0.18 ટકા વધારે બંધ રહ્યો હતો. એલકેપી સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ જીતેન ત્રિવેદીએ કહ્યું કે, કૅપિટલ માર્કેટમાં ભંડોળના પ્રવાહને લીધે રૂપી પૉઝિટિવ ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ સુધરતા અને આઈપીઓની ભરમારને લીધે સ્થાનિક શૅરબજારમાં ભંડોળનો પ્રવાહ સારો રહ્યો છે. 
કૅપ્ટીવીયા ગ્લોબલ રિસર્ચના ટેકનિકલ રિસર્ચ હેડ આશિષ બિસ્વાસે કહ્યું કે, બજારમાં ઘટાડા બાદ રિકવરી થઈ રહી છે. 15,800 ટૂંકા ગાળા માટે મહત્વનો સપોર્ટ લેવલ રહેશે. જો નિફ્ટી 15,900ના સ્તરથી ઉંચો જશે તો સૂચકાંક ઉંચામાં 16,200 સુધી જઈ શકે છે. 
ફૂડ ડિલિવરી એમ ઝોમેટોનો શૅર 66 ટકા પ્રિમિયમે ખૂલીને રૂા. 125.85ના અંતે રહ્યો હતો. લિસ્ટિંગ બાદ ઝોમેટોનું માર્કેટ કૅપ રૂા. 1.08 લાખ કરોડને સ્પર્શયું હતું.  
વૈશ્વિક બજારો
યુરોપમાં સ્ટોક્સ 600 ઈન્ડેક્સ 0.6 ટકા વધારે ટ્રેડ થઈ રહ્યો હતો. એશિયામાં દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.13 ટકા, ઓસ્ટ્રેલિયાનો એએસએક્સ200 ઈન્ડેક્સ 0.11 ટકા વધ્યો હતો. જોકે હોંગ કોંગનો હેન્ગ સેન્ગ 1.45 ટકા ઘટાડે બંધ રહ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer