ઝોમેટોનું શૅરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ

શૅર દીઠ રૂા. 76 અૉફરની સામે ભાવ 53 ટકાના પ્રીમિયમે ખુલ્યો
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 23 જુલાઈ
ફૂડ ડિલિવરી એગ્રીગેટર કંપની ઝોમેટો લિ.નો શૅર તેની અૉફર પ્રાઇસ રૂા.76ની તુલનાએ  શુક્રવારે 53 ટકા પ્રીમિયમ સાથે રૂા.116માં લિસ્ટ થયો હતો. 
ઝોમેટોનો શૅર બીએસઈ ઉપર સવારે 10.10 વાગે રૂા. 135.50 ઉપર ચાલી રહ્યો હતો, જેને પગલે તેનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂા. એક લાખ કરોડને પાર થયું હતું. આ કંપનીનું માર્કેટ કેપ પ્રમોટર ઈન્ફો એજ ઇન્ડિયા કરતાં વધુ છે. આ સાથે ઝોમેટો શૅરબજારમાં ટ્રેડ થતી ટોચની 50 મૂલ્યવાન કંપનીઓમાં સ્થાન પામી છે. 
ચીનનું એન્ટ ગ્રુપ ઝોમેટોમાં 16.53 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે અૉનલાઈન ટેક્નૉલૉજી કંપની ઈન્ફો એજ (ઇન્ડિયા)નો હિસ્સો 18.55 ટકા છે.  
ઝોમેટોના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટીવ દિપીન્દર ગોયલે કહ્યું કે, આજે કંપની માટે મોટો દિવસ છે. દેશના સંપૂર્ણ ઈકોસિસ્ટમના ટેકાને કારણે અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ. 
દિલ્હીની ઇન્ડિયન ઈન્સ્ટિટયૂટ અૉફ ટેક્નૉલૉજીના વિદ્યાર્થી ગોયલે વર્ષ 2008માં તેના સહપાઠી પંકજ ચઢ્ઢા સાથે ઝોમેટોની સ્થાપના કરી હતી. માર્ચ 2021 પ્રમાણે કંપની 525 શહેરમાં સંચાલન કરતી હતી અને 3,90,000 જેટલી રેસ્ટોરાં સાથે સહયોગ કર્યો હતો.  
દેશની ફૂડ ડિલિવરી બજારમાં ઝોમેટો પહેલી સ્ટાર્ટઅપ કંપની છે જે શૅરબજારમાં લિસ્ટ થઈ છે. રિસર્ચ કંપની રેડસિરે તેનું મૂલ્ય 4.2 અબજ ડૉલરનું આંક્યું છે.  
કંપનીના ભરણાંને ગયા સપ્તાહે 46.3 અબજ ડૉલરની બિડ મળી હતી, જેને કારણે ઈસ્યૂ 38 ગણો છલકાયો હતો. મોટા સંસ્થાકીય રોકાણકારોએ તેમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.  
ઈંગ્લેન્ડના ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ એજે બેલના ફાઈનાન્સિયલ એનલિસ્ટ ડેની હ્યુસને કહ્યું કે, ઝોમેટોમાં વૃદ્ધિ ચાવીરૂપ છે. કંપની ભલે નફો કરતી ન હોય પણ તે ઝડપી વૃદ્ધિ કરી રહી છે અને તે સ્થાન જાળવી રાખશે. 
માર્ચ 2021માં પૂરા થયેલા વર્ષમાં ઝોમેટોની ખોટ ઘટીને રૂા. 8.13 અબજની થઈ હતી જ્યારે આવક વાર્ષિક ધોરણે ઘટીને રૂા. 19.94 અબજની થઈ હતી.  
ગોયલે કહ્યું કે કંપની ટૂંકા ગાળાના નફા માટે લાંબા ગાળાની સફળતાનો વ્યૂહ નહીં બદલે.  
કંપનીના સૌથી પહેલા રોકાણકારોમાંના એક સંજીવ બિખચંદાનીએ કહ્યું કે, ઝોમેટોએ મને સ્માર્ટ રોકાણકાર બનાવ્યો તેથી તેનો આભાર માનું છું.  
સિક્વોયા કેપિટલના મૅનાજિંગ ડિરેક્ટ શૈલેન્દ્ર સિંહે કહ્યું કે, આ લિસ્ટિંગને પગલે ભારતીય ટેક ઈકોસિસ્ટમ હવે બદલાઈ છે. 
બિખચંદાનીની ઈન્ફોએજે ઝોમેટોના પહેલા રોકાણ તરીકે વર્ષ 2010માં કંપનીમાં 10 કરોડ ડૉલરનું રોકાણ કર્યું હતું. તે સમયે કંપની ફૂડીબૅના નામે ઓળખાતી હતી. તેના ત્રણ વર્ષ પછી ઝોમેટોના 3.5 કરોડ ડૉલરના સિરીઝ એ રાઉન્ડમાં સિક્વોયા કેપિટલ ઇન્ડિયાએ નેતૃત્વ કર્યું હતું. 
મોબીક્વિકના સ્થાપક ઉપાસના તાકુએ કહ્યું કે, ભારતીય ઈન્ટરનેટ વધુ સ્ટાર્ટઅપ્સ માટે માર્ગ પ્રશસ્ત કરી રહ્યું છે અને આજનો દિવસ ઘણો પ્રોત્સાહક છે.  
કંપનીનો શૅર કામકાજના અંતે 66 ટકા વધીને રૂા. 125.85 ઉપર બંધ રહ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer