અર્થતંત્ર માટે આગળનો માર્ગ વધુ વિકટ મનમોહન સિંઘ

નવી દિલ્હી, તા. 23 જુલાઈ
ભારતીય અર્થતંત્ર માટે આગળનો માર્ગ 1991ની આર્થિક કટોકટી કરતાં પણ વધુ વિકટ છે અને તમામ નાગરિકો સ્વમાનભેર જીવી શકે તે માટે દેશે પોતાની અગ્રિમતાઓ બદલવી પડશે એમ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે આજે જણાવ્યું હતું.
આર્થિક ઉદારીકરણનાં ત્રીસ વર્ષની સમાપ્તિએ ડૉ. સિંઘે આજે કહ્યું કે કોરોનાએ વેરેલી તબાહી, લાખો લોકોનાં મૃત્યુ અને આજીવિકાના નાશથી હું વ્યથિત છું.
સિંઘે કહ્યું કે 1991માં નાણાપ્રધાન તરીકે તેમણે વિક્ટર હ્યુગોનેટ ટાંકીને કહ્યું હતું કે જેનો સમય આવી પહોંચ્યો છે તેવા વિચારની આગેકૂચને દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી. આજે ત્રીસ વર્ષ પછી આપણે કવિ રોબર્ટ ફ્રોસ્ટને યાદ કરવા જોઈએ : પરંતુ મારે છે વચન પાળવાનાં, સૂતા પહેલાં ગાઉં કંઈ કાપવાનાં.
આ સમય ઉત્સવ મનાવવાનો નહીં પણ આંતરનિરીક્ષણ કરવાનો છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે આગળનો રસ્તો 1991ની કટોકટી કરતાં પણ વિષમ છે.
1991નું આર્થિક ઉદારીકરણ દેશ સામે ડોળા કાઢી રહેલી કટોકટીને આભારી હતું, પરંતુ તે માત્ર કટોકટી પાર કરવા પૂરતું સીમિત રહ્યું ન હતું. ભારતના આર્થિક સુધારા સમૃદ્ધિની ઝંખના, આપણી ક્ષમતામાં શ્રદ્ધા અને અર્થવ્યવસ્થા પર સરકારનો અંકુશ દૂર કરવા માટેના વિશ્વાસના પાયા પર રચાયા હતા. સિંઘે કહ્યું કે કૉંગ્રેસના અનેક સાથીઓ સાથે આ સુધારામાં ભાગ લેવાની તક મળી એ તેમનું સદ્ભાગ્ય હતું.
આરોગ્ય અને શિક્ષણ જેવાં સામાજિક ક્ષેત્રો પાછળ રહી ગયાં છે અને આર્થિક પ્રગતિ સાથે કદમ મિલાવી શકયાં નથી એવો અફસોસ તેમણે વ્યક્ત કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer