ટેલિકૉમ એજીઆરની ફેરગણતરીની માગણી ફગાવાઈ

વોડાફોન અને ભારતી ઍરટેલના શૅરોમાં કડાકો
નવી દિલ્હી, તા. 23 જુલાઈ
ટેલિકૉમ કંપનીઓએ કેન્દ્ર સરકારને એજીઆર (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ) પેટે આપવાની તોતિંગ રકમની ફરીથી ગણતરી કરવાની માગણી સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી. ટેલિકૉમ કંપનીઓ માટે ભારે ફટકાસમાન ચુકાદાને પગલે વોડાફોન આઈડિયા અને ભારતી ઍરટેલના શૅરોના ભાવ ગગડી ગયા હતા.
વોડાફોન આઈડિયા રૂા. 9.25વાળો નીચામાં રૂા. 7.33 બોલાઈ રૂા. 8.36 બંધ રહ્યો હતો. જોકે ભારતી ઍરટેલ રૂા. 546.50વાળો નીચામાં રૂા. 532.85 થઈ સાધારણ સુધારે રૂા. 548.55 બંધ રહ્યો હતો.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે સોમવારે જ કહ્યું હતું કે કંપનીઓએ ચૂકવવાની રકમની ફેરગણતરી કરી ન શકાય એવું તે પહેલા પણ અનેકવાર કહી ચૂકી છે, પરંતુ તેણે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ભારતી ઍરટેલ, વોડાફોન આઈડિયા અને તાતા ટેલિસર્વિસીસ આ ત્રણ કંપનીઓએ ટેલિકૉમ ડિપાર્ટમેન્ટની માગણીમાં રહેલી ભૂલો સુધારવા માટે અરજી કરી હતી.
ગયા વર્ષની પહેલી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે ટેલિકૉમ કંપનીઓને એજીઆરની બાકી રકમ દસ વર્ષમાં હપ્તે હપ્તે ભરવાની પરવાનગી આપી હતી. તેમને કુલ રકમના 10 ટકા પ્રારંભમાં જ ભરવાની સૂચના અપાઈ હતી. ચુકવણીની શરૂઆત પહેલી એપ્રિલ, 2021થી થવાની હતી.
અૉક્ટોબર, 2019માં સુપ્રીમ કોર્ટે ટેલિકૉમ કંપનીઓની આવકની કેન્દ્ર સરકારે કરેલી વ્યાખ્યાને માન્ય રાખી હતી. આ વ્યાખ્યાને આધારે કેન્દ્ર સરકાર કંપનીઓની આવકમાં પોતાના હિસ્સાની ગણતરી કરે છે.
કુલ 15 કંપનીઓએ કેન્દ્ર સરકારને રૂા. 1.47 લાખ કરોડ આપવાના થાય છે. તેમાંથી રૂા. 92,642 કરોડ બાકી લાઈસન્સ ફી પેટે અને રૂા. 55,054 કરોડ સ્પેકટ્રમ વપરાશ પેટે ચૂકવવાના છે. સૌથી વધુ રકમ (રૂા. 58,000 કરોડ) વોડાફોન આઈડિયાએ ચૂકવવાના છે. ત્યાર બાદ ભારતી ઍરટેલ અને તાતા ટેલિકોમનો ક્રમ આવે છે.
વોડાફોને નિર્દેશ આપ્યો છે કે તે સંભવિત રોકાણકારો સાથે વાતચીત કરી રહી છે, પરંતુ ઉદ્યોગની હાલત ખરાબ હોવાથી નવું રોકાણ ઢીલમાં પડયું છે. તેણે ટેરિફ વધારવાનો પણ ઈરાદો જાહેર કર્યો છે.
જોકે, એનાલિસ્ટો કહે છે ટેરિફ વધારાનો આધાર જિયો સહિત અન્ય ટેલિકૉમ કંપનીઓના વલણ પર રહેલો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer