લોકશાહીના નામે રાજકીય વિરોધ

સંસદનું સત્ર શરૂ થતાં જ વિરોધ પક્ષોએ સરકાર ઉપર આક્રમણ શરૂ કર્યું છે. લોકશાહી ખતરામાં છે એવા આક્ષેપ નવા નથી. વિરોધ પક્ષોનું ધાર્યું થાય નહીં અને જનતાને ભડકાવવામાં સફળતા મળે નહીં ત્યારે લોકશાહીનો હવાલો અપાય છે. પશ્ચિમ બંગાળમાં મમતા-દીદીના હાથમાં ફરીથી સત્તા આવ્યા પછી રાજ્યમાં લોકશાહી છે? વિરોધમાં - ભાજપને વોટ આપનારા અને કાર્યકરોના લોહી રેડાય છે! બંગાળના હિંસાચાર ગુજરાતમાં થયેલા કોમવાદી હુલ્લડથી પણ વધુ ખતરનાક છે એવા અહેવાલ છે અને આ હિંસાચાર ઉપરથી મીડિયા અને લોકોનું ધ્યાન અન્યત્ર ખસેડવા માટે મમતા દીદી મોદી હઠાવ આક્રમણ શરૂ કરવા માગે છે. નવી દિલ્હી આવીને દેશભરમાં મોદી સરકાર સામે વિરોધ પક્ષોને એકઠા કરવા માગે છે. વાસ્તવમાં મોદી સરકાર સામેના મોરચાની આગેવાની લેવા માગે છે - અન્ય નેતાઓ મમતાજીને સ્વીકારે તો!
રાજ્યસભામાં તૃણમૂલ કૉંગ્રેસના સભ્યે કેન્દ્રીય પ્રધાન `જાસૂસી પ્રકરણ'નું નિવેદન વાંચી રહ્યા હતા તે કાગળો ફાડીને ટુકડા ગૃહમાં ઉડાવ્યા! બંગાળના માર્ક્સવાદી સભ્યોની વર્તણૂકથી પણ મમતાજીના સભ્યો આગળ વધ્યા છે! આ સભ્યની વર્તણૂકની ટીકા કરવાને બદલે શાબાશી આપવામાં આવે તે શરમજનક છે.
સંસદની બહાર - જંતરમંતર ખાતે ખેડૂતોની `સંસદ' મળી રહી છે - પણ સરકાર સાથે સંવાદ માટે તૈયાર નથી.
અૉક્સિજનની અછતના કારણે સેંકડો કે હજ્જારો મોત થયાં જ હશે પણ ડેથ સર્ટિફિકેટમાં મરણનું મૂળ કારણ અપાતું નથી - `પરિણામ' માટે જે રોગ - કાર્ડિયાક અરેસ્ટ - હાર્ટફેઇલ જેવા કારણ લખવામાં આવે છે. - આ વાત કેન્દ્ર સરકારે કહેવી જોઈએ. મરણના આંકડા રાજ્યોએ આપ્યા નથી - એ હકીકત છે છતાં અૉક્સિજનની અછતનાં પરિણામે મોત થયાં છે અને આ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે એવો પ્રચાર કરવામાં વિરોધ પક્ષો સફળ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ આક્રમક જવાબ આપવા જોઈએ.
જાસૂસી પ્રકરણમાં જે માહિતી આવી છે તેમાં ક્યાંય કેન્દ્ર સરકારની જવાબદારી નથી. ભારતીય નેતાઓ, પત્રકારોનાં નામો ઉપરાંત અખાતના દેશો - પાકિસ્તાન, ફ્રાન્સ, હંગેરી વગેરે દેશોના નાગરિકોના નંબરો પણ છે. આ દેશોમાં રાજકીય વિરોધ નથી. અર્થાત્ આ જાસૂસી ભારતે કરી નથી કરાવી નથી. ભાજપ સરકાર પોતાના જ માણસો ઉપર જાસૂસી કરાવે નહીં - આવી જાસૂસી કૉંગ્રેસ શાસનમાં થઈ છે. આમ છતાં વિરોધ પક્ષો કહે છે કે સંસદીય સંયુક્ત તપાસ સમિતિ હોવી જોઈએ. આ તદ્દન વાહિયાત માગણી છે. આવી ઘણી તપાસ સમિતિઓ નીમાઈ હતી પણ રાજકીય પ્રચારના માધ્યમ સિવાય કોઈ નક્કર પરિણામ આવે નહીં. વિરોધ પક્ષો - કૉંગ્રેસ આ મુદ્દાનો રાજકીય લાભ ઉઠાવવા માગે છે તેથી જ ચૂંટણી સુધી વિવાદ જીવંત રાખશે પણ ઇઝરાયલે તપાસ શરૂ કરી છે - તેનો અહેવાલ આવતાં જ વિરોધના ફુગ્ગાની હવા નીકળી જશે એમ લાગે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer