સુરત રેલવે સ્ટેશન નજીક બ્રાન્ડેડ સાડીઓના 100 સ્ટોર્સ શરૂ કરાશે

સુરત રેલવે સ્ટેશન નજીક બ્રાન્ડેડ સાડીઓના 100 સ્ટોર્સ શરૂ કરાશે
સૌરાષ્ટ્ર ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશનનો નવતર પ્રયોગ 
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 23 જુલાઈ 
સુરતમાં બહારગામથી ખરીદી માટે આવતા કાપડના વેપારીઓ સાથે છાશવારે છેતરપીંડીની ઘટનાઓ બનતી રહે છે. અનેક વખત રેલ્વે સ્ટેશન પરથી દલાલો અને એજન્ટો દ્વારા વેપારીઓને ફોસલાવીને માર્કેટના ચોક્કસ વેપારીઓ પાસે લઇ જવામાં આવે છે. બ્રાન્ડનો માલ બતાવીને બીજો માલ પધરાવી દેવામાં આવે છે. જેના કારણે સુરતના સમગ્ર કાપડઉદ્યોગનું નામ ખરાબ થાય છે. આ મામલે સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન દ્વારા આગેવાની લઇને 1 ઓગસ્ટથી પ્રખ્યાત 100 બ્રાન્ડેડ આઉટલેટને એક છત હેઠળ લાવવામાં આવશે.  
એસોસિએશન દ્વારા સુરતના રેલ્વે સ્ટેશન નજીક દોરીવાલા સ્કવેરમાં સુરતની 100 ટોપ ટેક્સટાઇલ બ્રાન્ડની સાડીઓ, ડ્રેસ મટીરિયલ અને ગારમેન્ટ એક છતની નીચે મળી શકે તેવું આયોજન કરાયું છે.  
એસોસિએશનના પ્રમુખ દિપક શેટા કહે કે, ટેક્સટાઇલ માર્કેટમાં અન્ય રાજ્યોમાંથી આવતા વેપારી તથા ગ્રાહકોની સુવિધા માટે તેમજ છેતરાપિંડીઓને રોકવા.1 ઓગષ્ટથી સુરતની પ્રખ્યાત 100 ઉત્પાદકોને એકત્રીત કરી વેચાણ આઉટલેટ શરૂ કરવામાં આવશે. સુરતની સાડી અને ડ્રેસ મટિરીયલ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. ભળતા નામે ચીટરો છેતરી ન જાય તે માટેનો આ વિચાર છે. 
છેતરપીંડીની ઘટના છેલ્લાં બે વર્ષથી ચાલી રહી હોય જેથી સુરતની બ્રાન્ડેડ સાડી અને ડ્રેસનું વેચાણ કરનાર વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ પરથી અને યુ ટયુબ પર સુરતમાં સસ્તી સાડીઓ અને ડ્રેસના નામે વેપારીઓને લાલચ આપી તેની પાસેથી રૂપિયા લઇ ખરાબ કાપડ મોકલી આપે છે.  
સુરતના કાપડઉદ્યોગનું નામ આ પ્રકારની ઘટનાઓને કારણે બદનામ થઇ રહ્યું છે. આ ગંભીર મુદ્દે સુરતના સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશને વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સુરત રેલ્વે સ્ટેશનથી માત્ર બે જ મિનીટના અંતરે આવેલ દોરીવાલા સ્કેવરમાં 100 પ્રખ્યાત બ્રાન્ડઝની સાડી અને ડ્રેસનું આઉટલેટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેનો લાભ સુરત સહિત સમગ્ર દેશના ટેક્સટાઇલના વેપારીઓ ગ્રાહકો લાભ લઇ શકશે. અને લેભાગુ તત્વોથી પણ બચી શકાશે તેવું સંગઠનનું માનવું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer