પાલનપુર યાર્ડની ચૂંટણીમાં વિવાદ બે દિવસથી હરાજી બંધ પડી

પાલનપુર યાર્ડની ચૂંટણીમાં વિવાદ બે દિવસથી હરાજી બંધ પડી
બોગસ મતદારો ઊભા કરવાના આક્ષેપ સાથે વેપારીઓની હડતાળ
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 23 જુલાઇ 
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ગણાતા પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં મતદારોની પ્રથમ યાદી જાહેર થતા જ વિવાદ સર્જાયો છે. બોગસ લાઇસન્સ બનાવી મતદારો ઊભા કર્યાના આક્ષેપ સાથે વેપારીઓમાં રોષ ભભૂક્યો છે. રોષ ચરમસીમાએ પહોંચ્યો છે એટલે બોગસ લાયસન્સ રદ નહીં થાય અને મતદાર યાદીમાં સુધારો નહીં થાય ત્યાં સુધી ખરીદ વેચાણ બંધ કરી વેપારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. બે દિવસથી માર્કેટ યાર્ડમાં માલની આવક અને લે-વેચ 
બંધ છે. 
માર્કેટયાર્ડમાં નિયામક મંડળની ચૂંટણી આગામી 18 સપ્ટેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ મતદાર યાદી જાહેર થતાં જ વિવાદ ઊભો થયો છે.વેપારીઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે કે એપીએમસીમાં વર્તમાન સત્તાધીશો પોતાની સત્તા ટકાવી રાખવા પોતાના મળતિયાઓને નામે ચૂંટણીલક્ષી લાયસન્સ આપી મતદારયાદીમાં 180 જેટલાં નામ સમાવિષ્ટ કરાવ્યાં છે. જે નામ રદ્દ કરી મતદાર યાદી નહીં સુધરે ત્યાં સુધી વેપારીઓએ હડતાળનો માર્ગ અપનાવવાનું પસંદ કર્યું છે.     
ચૂંટણી લક્ષી લાયસન્સ આપી મળતિયાઓના નામ ઉમેરાયા હોવાની રજુઆત વેપારીઓ દ્વારા એપીએમસીના સત્તાધીશોને કરવામાં આવી પરંતુ સત્તાધીશોએ તેમની ફરિયાદ ન સાંભળતા છેવટે વેપારીઓએ તાબડતોડ બેઠક બોલાવી હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય જાહેર કર્યો હતો.  
હડતાળની પૂર્વ જાહેરાત હોવા છતાં યાર્ડે ખેડુતોને જાણ ન કરાતા માલ લઈ માર્કેટ યાર્ડમાં વેચવા પહોચ્યા હતા. પરંતુ હડતાલને પગલે માલ લાવવાનું ભાડું પણ ભોગવવું પડ્યું છે. રોજમદાર મજૂરોની રોજીનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો છે.  
વેપારી એસોસિએશનના મંત્રી નરસંગભાઈ પટેલ જણાવે છે કે 'અમે મતદારયાદીમાં જે બોગસ નામ ઉમેરાયાં છે.તે રદ્દ કરાવવા માંગ કરી છે અને જ્યાં સુધી નામ રદ નહીં કરાય ત્યાં સુધી અમે વેપાર ધંધા બંધ રાખી હડતાલ પર રહીશું.' વેપારીઓએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer