સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતા

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતા
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 23 જુલાઇ 
વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારને સતત હાથતાળી આપી રહ્યો હોવાથી ખેડૂતોના જીવ ઉચક થઇ ગયા છે. મે મહિનાના મધ્યમાં વાવાઝોડાં સાથે શરું થયેલા ચોમાસામાં ભાગ્યે જ સંતોષકારક વરસાદ પડ્યો છે. વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતા વચ્ચે વાવેતર તો ઠીક ઠીક થઇ ગયું છે પણ હજુ સાર્વત્રિક અને સારાં વરસાદની રાહ છે. કારણકે વરસાદ વિના જમીનમાં ભેજ આવતો નથી. તાપ પડવા લાગે તો પાણીની ખેંચ પણ વધશે એમ ખેડૂતો માને છે. 
વાવાઝોડાં પછી આગોતરા વાવેતર થઇ ગયા હતા અને હજુ વાવેતર ચાલુ છે. જોકે વચ્ચે 15 દિવસનો વિરામ લેતા ચિંતા પ્રસરી હતી. પાછલા દસેક દિવસમાં થોડો ઝાઝો વરસાદ પડતા વાદળિયું હવામાન રહે છે એટલે પાક તો બચી ગયો છે પણ આગળ પાણી અંગે ચિંતા ફેલાઇ ગઇ છે. 
અભ્યાસુ ખેડૂત રમેશ ભોરણીયા કહે છે, વરસાદની ખેંચ હવે ખટકી રહી છે પરંતુ વાતાવરણ વાદળિયું છે અને ઝાપટાં પણ સમયાંતરે પડ્યા કરતા હોવાથી પાકમાં સમસ્યા નથી પણ જમીનમાં ભેજ નથી અને તળમાં પણ પાણી ચડ્યાં નથી એટલે ખેડૂતોમાં ચિંતા છે. 
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થઇ ગયો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં કાંઠાળ પ્રદેશોમાં સમસ્યા નથી છતાં એકંદરે 80 ટકા સૌરાષ્ટ્રમાં વરસાદની મોટી ખાધ છે. જે ખેતી માટે ચિંતાજનક છે. જુલાઇના બીજા અઠવાડિયાથી થોડો ઝાઝો વરસાદ થતા મોલાતોને સમયસર પાણી મળ્યું છે. પરંતુ પાણીની રેલમછેલ થતી નથી. વરસાદ સાર્વત્રિક નથી અને આવે છે ત્યાં પણ માત્ર રેડાં પડી રહ્યા છે.  
રમેશભાઇ ઉમેરે છે, મગફળી, કપાસ સહિતના એકપણ ખરીફ પાકનો વિકાસ પાણીને કારણે અટકી ગયો હોય એવું નથી. પણ વરસાદ ચિંતા કરાવી રહ્યો છે. કારણકે હવે વરસાદ ન પડે તો મુશ્કેલી સર્જાશે. ઘણા ખેતરોમાં હજુ વાવણી બાકી છે અને પાણી ન મળે તો કોરા રહી જાય તેમ છે. 
મગફળી અને કપાસના વાવેતર સૌરાષ્ટ્રમાં સારી પેઠે થયા છે. મગફળીનું ગયાવર્ષથી ઓછું છે. કપાસનું જળવાયું છે. મગફળીને પાણીની વિશેષ જરુરિયાત રહેતી હોય છે. પાણી વહાવીને પાવું પડે છે ત્યારે અસંખ્ય ખેડૂતોને સમસ્યા પડી રહી છે. હવે પાંચ સાત ઇંચ વરસાદ ન થાય તો મુશ્કેલી સર્જાશે. કપાસના પાકમાં હજુ પાણીનો છંટકાવ થાય 
તેવા ઝાપટાં થી સમસ્યા થતી નથી. 
આગોતરી મગફળી અત્યારે મોટાંભાગના ખેતરોમાં દોઢ માસની થઇ ગઇ છે, નિયમિત વાવેતર મહિનાનું થવા આવ્યું છે. હવે ફૂલ પણ બેસી રહ્યા છે. કપાસનો છોડ હવે એક એક ફૂટ જેટલો વહેલા વાવેતર હોય ત્યાં થઇ ગયો છે.  
હજુ પણ ઘણા વિસ્તારોમાં વાવેતર બાકી રહી ગયા છે. જોકે હવે ત્યાં મગફળીની શક્યતા બહુ જ ઓછી છે. કપાસ અને કઠોળ જેવા પાકોનું જ વાવેતર થઇ શકશે. વરસાદ ન થાય તો એરંડાનો વિસ્તાર પણ વધશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer