ઉત્પાદન વધારાની સમજૂતીથી ક્રૂડતેલમાં ઉડાઉડ તેજીનો અંત

ઉત્પાદન વધારાની સમજૂતીથી ક્રૂડતેલમાં ઉડાઉડ તેજીનો અંત
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ તા. 23 જુલાઈ
ઓપન અને સાથી દેશો વચ્ચે ગયા રવિવારે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી દર મહિને દૈનિક ઉત્પાદનમાં 4 લાખ બેરલનો વધારવા વિષે સમજૂતી થવાથી તેલમાં ઉડાઉડ તેજી હાલ પૂરતી તો પૂરી થઇ છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 100 ડોલર થવાની વાતો હવાઈ ગઈ છે. ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં વૈશ્વિક સપ્લાયમાં રોજનું 20 લાખ બેરલ ક્રૂડ તેલ ઉમેરાશે. 
અગાઉની બેઠકમાં સમજૂતી ન થવાનું એક કારણ એ પણ હતું કે યુએઇને તેના હાલના ક્વોટાથી સંતોષ નથી અને તે વધુ ક્વોટાની માગણી કરે છે. હવે રશિયા અને ઓપેક દેશો મે 2022થી ઉત્પાદનનો નવો ક્વોટા ફાળવવાને સહમત થયા છે.  
ઓપેક અને સાથી દેશો સપ્ટેમ્બર 2022થી ઉત્પાદન પરનાં તમામ નિયંત્રણો ઉઠાવી લેવા માગે છે, પણ આખરી નિર્ણય એ સમયે ક્રૂડ તેલની બજારના આંતરપ્રવાહો જોઈને લેવાશે. એક સમસ્યાનો નિવેડો લાવવામાં આવ્યો છે અને જાગતિક બજારમાં પુરવઠો વધવાનો છે ત્યારે બજારની ભાવિ ચાલ વિષે પ્રશ્ન થવો સ્વાભાવિક છે. પણ તેના જવાબો જુદાજુદા હોઇ શકે છે.  
તેજીવાળા માને છે કે ઘણા બધા દેશો નાગરિકોને કોરોના રસી મૂકવાનો લક્ષ્યાંક પૂરો કરવાની નજીક છે તેથી જગતનાં અર્થતંત્રો કોરોના મહામારીમાંથી બહાર નીકળી રહ્યાં છે. મંદીવાળા માને છે કે રસીકરણની પ્રક્રિયા જરૂર આગળ વધી રહી છે. ઉત્તર અમેરિકા અને યુરોપ મહામારીમાંથી બહાર આવી રહ્યા છે. પણ કોરોનના નવા નવા સ્વરૂપો રશિયા, પશ્ચિમી દેશો, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ આફ્રિકામાં ઝડપથી ફેલાઈ રહ્યા છે તે પણ એટલુંજ જાણીતું છે.     
અલબત્ત, અત્યારે ખાસ કરીને વધુ માગવાળા એશિયાઈ દેશોમાં ક્રૂડ તેલની માગ વિષે જે સંકેત મળી રહ્યા છે તે મંદીવાળાની તરફેણ કરે છે. એશિયામાં તો મધ્યપૂર્વના દેશો પ્રત્યક્ષ હાજર સોદામાં ગ્લોબલ બેન્ચમાર્ક વાયદા કરતાં ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. બ્રેન્ટ વાયદા સામે દુબઈમાં ગત શુક્રવારે સ્વેપ સોદામાં 3.79 ડોલર જેવુ ડિસ્કાઉન્ટ ઓફર થયું હતું.  
હવે ઓપેક અને સાથી દેશો વચ્ચેનો કરાર અમલી બન્યો છે ત્યારે કાગળપેન્સિલથી (વાયદા અને ઓપ્શન)માં સોદા કરતાં રોકાણકારોને વાસ્તવિકતાનો સામનો કરવાનો આવ્યો છે. આખા વિશ્વમાં ક્રૂડ ઓઇલની પ્રત્યક્ષ માગ નબળી પડી રહી છે. શક્ય છે કે તે કોરોના મહામારી પહેલાના વખત કરતાં પણ ઓછી રહે. મંગળવારે આરંભિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો 16 જુલાઇના બંધ ભાવથી પાંચ ટકા કરતાં વધુ ઘટીને 68.53 ડોલર અને ડબલ્યુટીઆઈ 66.33 ડોલર મુકાયા હતા.  જો કે ત્યારબાદ સુધરીને શુક્રવારે અનુક્રમે 73.72 ડૉલર અને 71.93 ડૉલર થયા હતા.
ઉત્પાદન વધારવાના ઓપેક અને સાથી દેશોના નિર્ણયથી તેલની માગ વધશે એમ માનવાનું કરણ નથી.  અલબત્ત, જ્યારે વધારાનો પુરવઠો બજારમાં આવશે ત્યારે બજાર માટે નવા પ્રશ્નો પેદા થશે. કેટલીક ઇન્વેસ્ટમેન્ટ બેન્કોએ અને ખેલાડીઓએ આગામી મહિનાઓમાં તેલનો ભાવ 100 ડોલર થવાની આગાહીઓ કરી હતી. હવે તે કોઈ રીતે શક્ય બને એમ જણાતું નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer