તુવેરનું વાવેતર ગયા વર્ષ કરતાં વધી ગયું

તુવેરનું વાવેતર ગયા વર્ષ કરતાં વધી ગયું
બેંગલુરુ, તા. 23 જુલાઈ
તુવેરનું વાવેતર ગયા વર્ષ કરતાં વધી ગયું છે. જુલાઈની મધ્ય સુધીમાં 32.79 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર થઈ ચૂક્યું છે, જે ગયે વર્ષે 32.20 લાખ હેક્ટર હતું.
કર્ણાટકમાં તુવેરનું વાવેતર 12 ટકા વધીને 10.03 લાખ હેક્ટર થવાથી મહારાષ્ટ્રમાં જોવાયેલો ઘટાડો સરભર થઈ ગયો છે. કર્ણાટકમાં ગયે વર્ષે આ સમયે તુવેરનું વાવેતર 8.97 લાખ હેક્ટર હતું. તુવેરના અન્ય મહત્ત્વના ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં તેનું વાવેતર ગયા વર્ષના 11.02 લાખ હેક્ટરથી વધીને 10.85 લાખ હેક્ટર થયું છે.
 તેલંગણા, મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવાં અન્ય રાજ્યોમાં પણ વાવેતર વધવાથી તુવેરના એકંદર વાવેતરમાં સાધારણ વધારો નોંધાયો છે. 15 જુલાઈ સુધીમાં તેલંગણામાં 3.08 લાખ હેક્ટર (2.82 લાખ હેક્ટર), મધ્ય પ્રદેશમાં 3.01 લાખ હેક્ટર (2.65 લાખ હેક્ટર), ગુજરાત 1.31 લાખ હેક્ટર (0.87 લાખ હેક્ટર) અને ઉત્તર પ્રદેશમાં 1.99 લાખ હેક્ટર (1.92 લાખ હેક્ટર) જમીનમાં તુવેરનું વાવેતર થયું હતું.
અત્યાર સુધી ખરીફ પાકોમાં માત્ર તુવેરના જ વાવેતરમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો જોવાયો છે. મગ અને અડદનું વાવેતર ગયા વર્ષ કરતાં ઓછું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અપૂરતા વરસાદને કારણે ખરીફ કઠોળનું વાવેતર ધીમું પડી ગયું છે. જો કે આ સપ્તાહે કેટલાક વિસ્તારોમાં ફરીથી ચોમાસું જામવા લાગ્યું છે. વેપારી સૂત્રોના કહેવા મુજબ અૉગસ્ટના પ્રારંભમાં કઠોળના એકંદર વાવેતરનું વધુ સ્પષ્ટ ચિત્ર મળી શકશે.
દરમિયાન કર્ણાટકના કાલબુર્ગી, બિડર અને યાદગીર જેવા તુવેર ઉત્પાદક જિલ્લાઓમાં વધુપડતા વરસાદથી પાકને નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતો ચિંતામાં છે.
કર્ણાટક નેચરલ ડિઝાસ્ટર મોનિટરીંગ સેન્ટરના કહેવા મુજબ કાલબુર્ગીમાં જુલાઈમાં વધુ પડતો વરસાદ થયો છે. અત્યાર સુધીમાં ત્યાં સામાન્ય કરતાં 132 ટકા વધુ વરસાદ પડયો છે. કાલબુર્ગી જિલ્લામાં જુલાઈમાં 80 મિ.મી વરસાદ થયો છે. આ ચોમાસામાં કાલબુર્ગીમાં 69 ટકા બિડરમાં 57 ટકા અને યાદગીરમાં 53 ટકા વધુ વરસાદ પડયો છે.
`છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં અતિવૃષ્ટિને કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવ્યાં છે અને ઉભો પાક ડૂબી ગયો છે. અમારા અંદાજ મુજબ છે આ જિલ્લાઓમાં વાવેતર હેઠળના 8-10 ટકા વિસ્તારોને નુકશાન થયું છે.' એમ કર્ણાટક પ્રદેશ રેડ ગ્રામ ગ્રોઅર્સ ઍસોસિયેશનના પ્રમુખ બસવરાજ ઈંગીને કહ્યું હતું.
કર્ણાટક કૃષિ વિભાગનાં સૂત્રોના પ્રાથમિક અભ્યાસ અનુસાર આશરે ત્રણ હજાર હેક્ટર જમીનમાં તુવેરના પાકને નુકસાન થયું છે. જો વરસાદ ચાલુ રહેશે તો નુકસાનમાં વધારો થશે. કાલબુર્ગી જિલ્લામાં 7.5 લાખ હેક્ટરમાં તુવેર વાવવાના લક્ષ્યાંક સામે 91 ટકા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer