ભારતમાં કોફીનું વિક્રમી ઉત્પાદન થવાની ધારણા

ભારતમાં કોફીનું વિક્રમી ઉત્પાદન થવાની ધારણા
`રોબસ્ટાનું ઉત્પાદન 15 ટકા અને અરેબિકાનું 10 ટકા વધશે'
ડી. કે. 
મુંબઇ, તા: 23 જુલાઇ 
એક તરફ વિક્રમી ઉત્પાદનનાં એંધાણ વચ્ચે દેશનો કોફી ઉદ્યોગ કેફમાં છે ત્યારે બીજી તરફ નિકાસ ઘટવાના કડવા ટેસ્ટના કારણે ઉદ્યોગનો મૂડ ખરાબ થઇ રહ્યો છે.આગામી સિઝનમાં ભારતનું કોફીનુ ઉત્પાદન 3.70 લાખ ટનને વટાવીને નવા વિક્રમ સર્જવાની તૈયારીમાં છે ત્યારે બીજી તરફ દેશની કોફીની નિકાસ સતત ઘટીને છેલ્લા નવ વર્ષના તળિયે ગઇ છે. 
કોફી બોર્ડે જાહેર કરેલા અનુમાન પ્રમાણે દેશમાં કોફીનો પાક લેતા દક્ષિણ ભારતનાં પ્રમુખ રાજ્યોમાં ચોમાસા પહેલાં થયેલા વ્યાપક આગોતરા વરસાદથી કોફીના પાકને ખુભ જ લાભ થયો છે એટલે ઓક્ટોબરથી શરૂ થનારી નવી સિઝનમાં કોફીનો બમ્પર પાક ઉતરશે. સપ્ટેમ્બરમાં પૂરા થનારા વર્તમાન માર્કાટિંગ વર્ષમાં ભારતનું કોફીનું ઉત્પાદન 3.34 લાખ ટન થવાનું અનુમાન મુકાયુ છે, જે અગાઉના વર્ષનાં 2.98 લાખ ટનના પાક કરતાં 12 ટકા વધારે હશે.  
દેશના કોફીના કુલ પાકમાં 70 ટકા જેટલો ફાળો કર્ણાટકનો છે. આ વર્ષે સાનુકૂળ ચોમાસાને કારણે કર્ણાટકનો પાક 13 ટકા જેટલું વધુ આવવાનો આંધ્ર પ્રદેશ તથા ઓરિસ્સાનો પાક 11 ટકા જેટલો વધારે આવશે. તામિલનાડુ તથા કેરળમાં અનુક્રમે છ ટકા અને બે ટકા ઉત્પાદન વધવાની ધારણા મુકાય છે. પરંપરાગત રીતે ભારતમાં રોબસ્ટા કોફીનું ઉત્પાદન અરેબિકા કરતા બમણાથી વધારે હોય છે. કોફી બોર્ડના અનુમાન પ્રમાણે આગામી સિઝનમાં રોબસ્ટા કોફીનું ઉત્પાદન 15 ટકા જેટલું વધીને 2.60 લાખ ટન તથા અરેબિકાનું ઉત્પાદન 10 ટકા જેટલૂં વધીને 1.08 લાખ ટન જેટલું રહેશે. 
દેશમાં કોફીનું ઉત્પાદન વધવાનું છે પરંતુ કોફીની નિકાસ છેલ્લાં નવ વર્ષથી સતત ઘટતી જાય છે. હાલમાં જ જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર વર્ષ 2011-12થી દર વર્ષે સરેરાશ ત્રણ ટકાના દરે નિકાસમાં ઘટાડો થઇ રહ્યો છે. ભારતે 2020-21ના વર્ષમાં 72 કરોડ ડોલરની કોફીની નિકાસ કરીને દેશની કૃષિ કોમોડિટીની નિકાસમાં સિંહ ફાળો આપ્યો છે, જેમાં 42 ટકા જેટલો હિસ્સો રોબસ્ટા કોફીનો છે. આમ તો કોફીની નિકાસના મામલે ભારતનો નંબર વિશ્વમાં આઠમા ક્રમે આવે છે અને 2012માં ભારતે 95.3 કરોડ ડોલરની કોફીની નિકાસ કરી હતી.નિકાસકારો કહે છે કે  કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષમાં કોફીની નિકાસને મોટો ફટકો પડ્યો છે. આ ઉપરાંત સ્પેશ્યાલિટી કોફીની વધતી જતી માગના કારણે પણ ભારતની કોફીની નિકાસને અસર થઇ રહી છે.કોફીની નિકાસમાં કર્ણાટક દેશમાં ટોચના સ્થાને રહે છે. ત્યાર બાદ આંધ્રપ્રદેશ રહે છે જેની ઇન્સ્ટંટ કોફીની માગ વધારે હોય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer