તાંબાની નવી આયાતના અૉર્ડર પાછા ઠેલાયા

તાંબાની નવી આયાતના અૉર્ડર પાછા ઠેલાયા
$ 9000 મહત્ત્વપૂર્ણ ટેકાની સપાટી   
અમારા પ્રતિનિધિ દ્વારા  
મુંબઈ, તા. 23 જુલાઈ  
કોરોનાકાળ લંબાવાના ભણકારાથી વૈશ્વિક કોમોડિટી અને શૅરબજારોમાં પુન: ઘટાડાનો પવન ફૂંકાવાના આસાર છે. અનેક દેશોમાં ડેલ્ટા કોરોના વાયરસના કેસો ઝડપથી વધવાને લીધે વૈશ્વિક વિકાસ રૂંધાવાના ભયથી આંતરરાષ્ટ્રીય બજારમાં બિનલોહ ધાતુઓમાં, મુખ્યત્વે તાંબામાં સતત ઘટાડાનાં નોંધપાત્ર ચિન્હો જણાયાં છે. 15 દિવસ અગાઉ ટનદીઠ 9700 ડૉલર નજીક પહોંચેલ તાંબાનો ભાવ 20 જુલાઈએ લંડન મેટલ એક્સ્ચેંજ ખાતે 9253 ડૉલરે બંધ આવતા હવે 9,000 ડૉલરની સપાટી અતિ મહત્ત્વપૂર્ણ બની ચૂકી છે. એ તૂટે તો તાંબાનો ભાવ 8800-8600 ડૉલરની સપાટીને સ્પર્શી શકે છે.  
તાંબાના સ્થાનિક આયાતકારો અને મોટા ઉદ્યોજકો ધાતુની આયાત માટે ઓર્ડર મૂકવાની તૈયારીમાં હતા. હવે તેઓ આયાતને પાછી ઠેલવાનો વિચાર કરી રહ્યાના અહેવાલ છે. તાંબા ભંગારના મુંબઈસ્થિત નિયમિત આયાતકારે 'વ્યાપાર'ને જણાવ્યું હતું કે અત્યારે વૈશ્વિક બજારોની સ્થિતિ અને ભારતમાં સતત વધતા જતા ફુગાવાની બેવડી અનિશ્ચિતતા છે. અમારી કંપનીએ અગાઉ સુધરેલા વાતાવરણમાં તાંબાની આયાત માટે તૈયારી કરી હતી. પરંતુ છેલ્લા ચાર દિવસમાં બદલાયેલ સંજોગોને કારણે અમે નવી આયાત માટે મધ્ય ઓગસ્ટ સુધી રાહ જોવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાંબા અને પિત્તળના પૂરજાના મહત્ત્વપૂર્ણ નિકાસકેન્દ્ર જામનગર ખાતે તાંબાની આયાત ઘટીને રોજનાં 8થી 10 કન્ટેનર સુધી સીમિત થઇ ગઈ છે.  
તાંબાના સ્થાનિક સપ્લાયરોના જણાવ્યા પ્રમાણે ઔદ્યોગિક વપરાશમાં છેલ્લા એક વર્ષમાં જોવાંયેર્લી મોટી વધઘટને કારણે અમે પુરવઠા માટે વધુ સ્ટોક રાખવાનું બંધ કર્યું છે. વૈશ્વિક બજારોમાં કોરોનાનો પ્રભાવ નરમ પડયા પછી પણ તાંબાના ભાવ 10,000 ડોલરની સપાટી પાર કરી શક્યા નથી. તેથી અમારા અનુમાન પ્રમાણે નવી ડેલ્ટા વાયરસનું સંક્ર્મણ વધશે તો ભારતની નિકાસમાં ભારે અવરોધ આવશે. બિનલોહ ધાતુની માગ પર તેની વિપરીત અસર થવાની સંભાવના નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા યુરોપ,અમેરિકા અને જર્મની ખાતે પણ વાહનના બ્રાસ પાર્ટ-હાર્ડવેર ફિક્સચર અને વિવિધ પ્રકારનાં એન્જીનની નિકાસ થાય છે. તેમાં ઘટાડાની સંભાવના છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer