સીસીઆઈની તપાસ સામેની એમેઝોન-ફ્લિપકાર્ટની અરજી કર્ણાટક હાઈ કોર્ટે નકારી કાઢી

સીસીઆઈની તપાસ સામેની એમેઝોન-ફ્લિપકાર્ટની અરજી કર્ણાટક હાઈ કોર્ટે નકારી કાઢી
ચુકાદાની વ્યાપક અસર ઈ-કૉમર્સ બિઝનેસ પર પડશે
એજન્સીસ     
બેંગલુરુ, તા. 23 જુલાઈ
કૉમ્પિટિશન કમિશન દ્વારા અપાયેલા તપાસના આદેશને પડકારતી એમેઝોન અને ફ્લિપકાર્ટની અરજીને કર્ણાટક હાઈ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. હરીફાઈ સામે અવરોધ ઊભી કરતી આ બે કંપનીઓની રીતરસમો વિષે તપાસ કરવાનો આદેશ કમિશને આપ્યો હતો. 
આ બે કંપનીઓની પિટિશનમાં કોઈ પાત્રતા નથી એમ જસ્ટિસ સતીશચંદ્ર શર્મા અને જસ્ટિસ નટરાજ રંગાસ્વામીએ કહ્યું હતું. આ ચુકાદાની વ્યાપક અસર ઈ-કૉમર્સ વ્યવસ્થા પર પડશે એમ નિષ્ણાતોએ કહ્યું હતું. 
ટ્રિબ્યુનલના આદેશમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ અમને દેખાતું નથી એટલે પિટિશનને કાઢી નાખવામાં આવે છે એમ અદાલતે કહ્યું હતું. 
અદાલતના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતાં એમેઝોન કંપનીએ કહ્યું હતું કે આદેશનો અભ્યાસ કર્યા પછી આગળનું પગલું નક્કી કરશે. `અમે અદાલતના નિર્ણયને માન આપીએ છીએ અને આદેશનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ આગળનું પગલું નક્કી કરશું' એમ કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું. 
ફ્લિપકાર્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારી બધી જ પ્રક્રિયાઓ ભારતના કાયદા અનુસાર છે. અમે હંમેશાં સ્થાનિક કાયદાનો આદર કરશું. અદાલતના ચુકાદાની કોપી મળે તેની અમે રાહ જોઈએ છીએ એમ તેણે કહ્યું હતું. 
અૉક્ટોબર 2019માં દિલ્હી વ્યાપાર મહાસંઘે બે કંપનીઓ વિરુદ્ધ સીસીઆઈમાં ફરિયાદ કરી હતી. તેમનું કહેવું હતું કે કંપનીઓ હરીફાઈને અવરોધવાની નીતિ અપનાવે છે અને આક્રમક ભાવ રાખે છે તેમ જ વેચાણકર્તાઓને ફાયદો મળે તેવી રીતરસમ અપનાવે છે. 
અગાઉ સિંગલ જજ બેન્ચે સીસીઆઇએ તપાસ જારી રાખવાનો આદેશ આપ્યો હતો. તેની સામે બંને કંપનીઓએ કર્ણાટક હાઈ કોર્ટમાં પડકાર કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer