રિલાયન્સ ઈન્ડ.નો ત્રિમાસિક નફો 7.25 ટકા ઘટીને રૂ. 12,273 કરોડ

રિલાયન્સ ઈન્ડ.નો ત્રિમાસિક નફો 7.25 ટકા ઘટીને રૂ. 12,273 કરોડ
એજન્સીસ 
મુંબઈ, તા. 23 જુલાઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એપ્રિલ-જૂન 2021 ત્રિમાસિક માટે રૂ. 12,273 કરોડનો કોન્સોલિડેટેડ નફો જાહેર કર્યો છે, જે વાર્ષિક ધોરણે 7.25 ટકાનો ઘટાડો દર્શાવે છે. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 13,233 કરોડનો નફો કર્યો હતો. જો કે ગયા વર્ષના નફામાં અપવાદરૂપ રૂ. 4,966 કરોડનો સમાવેશ હતો. તેને ધ્યાનમાં લેતા કંપનીએ નફામાં 48.4 ટકા વધારો નોંધાવ્યો છે. 
ઓપરેશન્સમાંથી કંપનીની આવક ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં રૂ. 91,238 કરોડ હતી જે આ ત્રિમાસિકમાં 58 ટકા વધીને રૂ. 1.44 લાખ કટોડ થઇ છે એમ કંપનીએ શુક્રવારે જાહેર કર્યું હતું. 
વિશ્લેષકોએ રૂ. 11,889 કરોડ નફાની અપેક્ષા રાખી હતી. 
કોવિદ મહામારીની બીજી લહેર વચ્ચે પણ કંપનીએ સારી પ્રગતિ નોંધાવી છે એની મને ખુશી છે એમ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું. કંપનીના બિઝનેસ વિવિધિકારણને કારણે કંપનીએ સારા પરિણામ બતાવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. 
ઓ ટૂ સી બિઝનેસમાં અમે મજબૂત આવક દેખાડી છે જે અમારી પ્રોડક્ટની ગુણવત્તા બતાવે છે એમ કહી મુકેશ અંબાણીએ ઉમેર્યું હતું કે અમારા પાર્ટનર બીપી સાથે અમે કેજી ડી 6 માં સેટેલાઇટ ક્લસ્ટર શરુ કર્યા છે. દેશની ગેસ જરૂરિયાતના 20 ટકા હિસ્સો રિલાયન્સ પૂરો પડે છે. આપણી ઉર્જા સલામતી માટે આ મોટું પરિબળ છે એમ અંબાણીએ કહ્યું હતું. 
રિલાયન્સ જીઓના કોન્સો નફામાં 45 ટકા વૃદ્ધિ થઇ હતી. એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં નફો રૂ. 3,651 કરોડ રહ્યો હતો જે અગાઉના વર્ષમાં રૂ. 2,519 કરોડ હતો. ત્રિમાસિક દરમિયાન સર્વિસનું મૂલ્ય રૂ.22,267 કરોડ હતું. એક વર્ષમાં તેમાં 10 ટકા વધારો થયો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer