ફેબ્રિકના કાચા માલ પરની ડમ્પિંગ ડયૂટી દૂર થવા શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત તા. 14 સપ્ટે.
કેન્દ્રના ટેકસટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રસાદ સિંઘ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી સાથે સુરતના ઉદ્યોગકારોની મિટીંગ યોજાઇ હતી. જેમાં ઉદ્યોગકારોએ એન્ટી ડમ્પીંગ ડયૂટી અને ટફની સબસિડી સહિતના વિવિધ મામલે રજૂઆતો ટેકસટાઇલ મંત્રાલયના બંને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. બેઠકમાં ટેકસટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રસાદ સિંઘે ફેબ્રિક્સના બેઝીક કાચા માલ પર એન્ટી ડમ્પિગ ડ્યૂટી હટવાના સંકેત આપ્યા હતા.  
સચિવ ઉપેન્દ્ર પ્રસાદે ટાંક્યું હતું કે, એન્ટી ડમ્પીંગ ડયૂટીને લઇને મંત્રાલય સમક્ષ જુદા-જુદા ક્ષેત્રની માગણીઓ આવેલી છે. કેટલાક ઉદ્યોગકારો એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવા માટે હા પાડે છે અને કેટલાક ઉદ્યોગકારો ના પાડે છે. જો કે, ડીજીટીઆરના રિપોર્ટ બાદ સ્થળ તપાસ કરાવવામાં આવશે. પરંતુ, બેઝીક કાચા માલ ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં હોવી જોઇએ એવું તારણ નીકળે છે. આ મામલે સમગ્ર ટીમને કામે લગાડી છે અને તેઓના તારણોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. 
ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીએ કહ્યું હતું કે, ટફની સબસિડી માટે રૂા. 700 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું, જેમાંથી રૂપિયા 150 કરોડનું ફંડ વપરાઇ ગયું છે. હજુ પણ સરળીકરણ માટે કામકાજ ચાલી રહ્યું છે.  
ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ ફિઆસ્વી અને સાસ્કમાના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, સિલ્ક ઉત્પાદન માટે સેન્ટર સિલ્ક બોર્ડ ખૂબ જ સારી રીતે કામ કરી રહયું છે. જો કે, વારાણસી અને સાલેમમાં યાર્નમાંથી કાપડ બનાવતા 70 ટકા જેટલા એકમો બંધ થઇ ગયા છે.
ભારતમાં સિલ્કનું યાર્ન તૈયાર કરવા માટે આવશ્યક કુશળતા નથી. આ અંગેની કુશળતા ચાઇના પાસે છે અને ચાઇનાથી સિલ્ક યાર્ન આયાત થાય છે. આથી તેના ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવી નહીં જોઇએ. 
ચેમ્બરની એન્ટી ડમ્પીંગ ડયૂટી, કસ્ટમ્સ ડયૂટી એન્ડ સીવીડી એન્ડ ઇકોનોમિક અફેર્સ કમિટીના ચેરમેન મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, સુરતના મોટા ભાગના ઉદ્યોગકારો આયાતી યાર્ન ઉપર નિર્ભર છે. 
આવા સંજોગોમાં પોલીએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી માટે ભલામણ મોકલવામાં આવી છે. જો એના ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવામાં આવશે તો સૌથી વધુ વિપરીત અસર સુરતના ઉદ્યોગકારોને થશે. આથી આ મામલે ટેકસટાઇલ મંત્રાલય અને કમિશ્નરેટ દ્વારા નિરાકરણ લાવવામાં આવે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer