ખેડૂતો એરંડાના સ્થાને હવે સરસવનો પાક લેવા તરફ વળશે

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ,તા. 14 સપ્ટે. 
ગુજરાતમાં ખરીફ પાકોના વાવેતરની કામગીરી હવે પૂર્ણ થઇ ગઇ છે. ગવાર, એરંડા,શાકભાજી અને ઘાસચારાના પાકોના વાવેતર થોડાં થોડા પ્રમાણમાં થઇ રહ્યા હોવાથી વાવેતર વિસ્તાર મંદ મંદ સુધરી રહ્યો છે. પાછલા સપ્તાહની તુલનાએ ગુજરાતના કૃષિ ખાતાએ રજૂ કરેલા આંકડાઓમાં સવા લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. મુખ્ય પાકોના વાવેતર વીસેક દિવસ પહેલા જ આટોપાઇ ગયા હતા. હવે એરંડાનો વખત છે. જોકે અત્યારે તેના વાવેતર પણ પાછલા વર્ષથી નીચાં ચાલે છે. એકંદરે પાછોતરો વરસાદ ખૂબ સારો થઇ જતા તમામ ખરીફ પાકોની સ્થિતિમાં ખાસ્સો સુધારો થયો છે. 
ગુજરાત સરકારના અંદાજ પ્રમાણે 82.83 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે પાછલા અઠવાડિયામાં 81.55 લાખ હેક્ટર હતુ. જોકે અગાઉના વર્ષમાં કુલ વાવેતર 85.54 લાખ હેક્રટર હતુ ત્યાં સુધી પહોંચવાની શક્યતા સાવ પાતળી થઇ ગઇ છે. 
સીઝનના અંતે હવે એરંડાનું વાવેતર થોડું થોડું વધી રહ્યું છે પણ એ પાછલા વર્ષ કરતા ઓછું છે. ગયા વર્ષના 5.44 લાખ હેક્ટર સામે 5.38 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવણી થઇ છએ. સામાન્ય રીતે સવા છ થી સાડા છ લાખ હેક્ટરમાં એરંડાનું વાવેતર થતું હોય છે. ગુવારમાં તેજીને કારણે કુલ વિસ્તાર હવે 1.11 લાખ હેક્ટર સુધી પહોંચ્યો છે. સામાન્ય રીતે 1.25 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે.. જોકે ગવારનું વાવેતર પણ ઓછું થાય તે નક્કી છે. એરંડાનો કુલ આંકડો પણ હવે કદાચ નીચો રહે તેમ છે. વરસાદ થઇ ગયો છે પણ ખાલી જમીનોમાં હવે ખેડૂતો એરંડા જેવા લાંબા ગાળાના પાક લેવાનું જોખમ ખેડશે નહીં એવું ખેડૂત વર્ગ માની રહ્યો છે. થોડાં સમયમાં જ શિયાળુ સીઝન શરું થવાની હોવાથી સરસવનો પાક લેવાશે એમ માનવામાં આવી રહ્યું છે. 
આ વર્ષે કપાસનું વાવેતર 22.51 લાખ હેક્ટરમાં થયું છે. એ 25 હજાર હેક્ટર જેટલું ઓછું છે એટલે પાક પણ ઓછો આવે તેમ દેખાય છે. કપાસના ઉંચા ભાવ પણ વાવેતરને આકર્ષી શક્યા નથી એનું મૂળ કારણ વરસાદની અનિયમિતતા અને અછત રહ્યું છે. જોકે હવે સારાવાના થયા છે. 
મગફળીનું વાવેતર 19 લાખ હેક્ટરમાં થયું છે. જે પાછલા વર્ષમાં 20.65 લાખ હેક્ટર હતુ. તેમાં પણ ઘટાડો થયો છે. જોકે વરસાદથી પાકને લાભ થયો છે અને આગોતરા વાવેતરની મગફળી પણ હવે આવવા લાગે તેમ છે. ફક્ત અઠવાડિયાના વરાપની જરુર છે. તલ, મગ અને અડદ જેવા પાકને ભારે વરસાદથી થોડું નુક્સાન થયું છે. અડદનું વાવેતર ગુજરાતમા વધુ છે એટલે તેમાં નુક્સાની દેખાય તેવી હશે. જોકે એ જામનગર અને રાજકોટ જિલ્લામાં વધારે હશે. એ સિવાય નહીવત હશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer